0:00
0:00

૧) ઘણો જ બરકતવાળો છે, તે અલ્લાહ જેણે પોતાના બંદા પર ફુરકાન અવતરિત કર્યું, જેથી તે દરેક લોકો માટે સચેત કરનાર બની જાય.
૨) તે અલ્લાહની જ બાદશાહત છે આકાશો અને ધરતીમાં અને તેને કોઈ સંતાન નથી, ન તેની બાદશાહતમાં કોઈ તેનો ભાગીદાર છે અને દરેક વસ્તુનું સર્જન કરી એક યોગ્ય સમય નક્કી કરી દીધો છે.
૩) તે લોકોએ અલ્લાહ સિવાય જેમને પોતાના પૂજ્ય બનાવી રાખ્યા છે, તે કોઈ વસ્તુનું સર્જન નથી કરી શકતા, પરંતુ તેમનું સર્જન કરવામાં આવે છે, આ પૂજ્યો તો પોતાના ફાયદા અને નુકસાનનો પણ અધિકાર નથી ધરાવતા અને ન મૃત્યુ અને જીવનના અને ન તો ફરીવાર જીવિત થવા તેઓ સક્ષમ છે.
૪) અને ઇન્કાર કરનારાઓએ કહ્યું કે આ તો બસ તેનું ઘડી કાઢેલું જૂઠાણું છે, જેમાં બીજા લોકોએ પણ મદદ કરી છે, ખરેખર આ ઇન્કાર કરનારા ઘણો અત્યાચાર કરનાર અને જૂઠાણું બાંધનાર છે.
૫) અને એવું પણ કહ્યું કે આ તો આગળના લોકોની કથાઓ છે, જેને આ (પયગંબરે) લખાવી રાખ્યું છે, બસ ! તેને જ સવાર-સાંજ તેની સામે પઢયા કરે છે.
૬) કહી દો, કે આ (કુરઆન) ને તે અલ્લાહએ અવતરિત કર્યું છે, જે આકાશ અને ધરતીની દરેક છુપી વાતોને જાણે છે, ખરેખર તે માફ કરનાર, દયાળુ છે.
૭) અને તે લોકોએ કહ્યું કે આ કેવો પયગંબર છે ? કે જે ખાવાનું ખાય છે અને બજારોમાં હરેફરે છે. આની પાસે કોઈ ફરિશ્તો કેમ નથી આવતો ? કે તે પણ આનો સાથ આપી સચેત કરનારો બની જાય.
૮) અથવા આની પાસે કોઈ ખજાનો હોત, અથવા આનો કોઈ બગીચો હોત, જેમાંથી આ ભોજન લેતો અને તે અત્યાચારીઓએ કહ્યું કે તમે એવા વ્યક્તિની પાછળ લાગેલા છો, જેના પર જાદુ કરી દેવામાં આવ્યું છે.
૯) વિચારો તો ખરા, આ લોકો તમારા વિશે કેવી-કેવી વાતો કહી રહ્યા છે, બસ ! જેનાથી પોતે જ પથભ્રષ્ટ થઇ રહ્યા છે અને કોઈ પણ રીતે સત્ય માર્ગ પર નથી આવી શકતા.
૧૦) અલ્લાહ તઆલા એવો બરકતવાળો છે કે જો તે ઇચ્છે તો તમને એવા ઘણાં બગીચાઓ આપી દે, જે આ લોકોએ કહેલા બગીચાઓ કરતા પણ ઉત્તમ છે. જેની નીચે નહેરો વહી રહી છે અને તમને ઘણાં મહેલો પણ આપી દે.
૧૧) વાત એવી છે કે આ લોકો કયામતને જૂઠ સમજે છે અને કયામતના જુઠલાવનારાઓ માટે અમે ભડકેલી આગ તૈયાર કરી રાખી છે.
૧૨) જ્યારે તેઓ તેને દૂરથી જોશે, તો તેઓ તેના ગુસ્સાને અને તેના આવેશના અવાજને સાંભળી લેશે.
૧૩) અને જ્યારે આ લોકો જહન્નમની કોઈ સાંકળી જગ્યાએ ફેંકી દેવામાં આવશે, તો તેઓ ત્યાં પોતાના માટે મૃત્યુની ઇચ્છા કરશે.
૧૪) (તેમને કહેવામાં આવશે) આજે એક જ મૃત્યુને ન પોકારો, પરંતુ ઘણા મૃત્યુને પોકારો.
૧૫) તમે કહી દો કે શું આ ઉત્તમ છે ? અથવા તે હંમેશાવાળી જન્નત, જેનું વચન ડરવાવાળાઓને કરવામાં આવ્યું છે, જે તેમનો બદલો છે અને તેમની પાછા ફરવાની સાચી જગ્યા છે.
૧૬) તે જે ઇચ્છશે-તેમના માટે ત્યાં હાજર હશે, હંમેશા રહેવાવાળા, આ તો તમારા પાલનહારના શિરે વચન છે, જે પૂરું થવાનું જ છે.
૧૭) અને જે દિવસે અલ્લાહ તઆલા તેમને અને જેમને તેઓ અલ્લાહ સિવાય પૂજતા રહ્યા, તેમને ભેગા કરી પૂછશે, કે શું મારા આ બંદાઓને તેં પથભ્રષ્ટ કર્યા, અથવા આ લોકો પોતે જ માર્ગથી ભટકી ગયા.
૧૮) તે જવાબ આપશે કે તારી હસ્તી પવિત્ર છે, અમારા માટે આ યોગ્ય ન હતું કે તારા વગર કોઈને અમારી મદદ કરનારા બનાવીએ, વાત એવી છે કે તેં તેમને અને તેમના પૂર્વજોને સુખી જીવન આપ્યું, ત્યાં સુધી કે તેઓ શિખામણ ભૂલાવી બેઠા, આ લોકો નષ્ટ થવાના જ હતાં.
૧૯) તે લોકોએ તમને તમારી દરેક વાતોમાં જુઠલાવ્યા, હવે ન તો તમારામાં યાતનાને બદલવાની શક્તિ છે અને ન તો મદદ કરવાની, તમારા માંથી જે જે લોકોએ અત્યાચાર કર્યો છે, અમે તેને મોટી યાતનાનો સ્વાદ ચખાડીશું.
૨૦) અમે તમારા પહેલા જેટલા પયગંબર મોકલ્યા, સૌ ભોજન પણ કરતા હતાં અને બજારોમાં પણ હરતાં-ફરતાં હતાં અને અમે તમારા માંથી દરેકને એક-બીજા માટે કસોટીનું કારણ બનાવી દીધા, શું તમે ધીરજ રાખશો ? તમારો પાલનહાર બધું જ જોવાવાળો છે.
૨૧) અને જે લોકોને અમારી મુલાકાતની આશા નથી, તેમણે કહ્યું કે અમારા માટે ફરિશ્તાઓને ઉતારવામાં કેમ નથી આવતા ? અથવા અમે અમારી આંખોથી અમારા પાલનહારને જોઇ લેતા, તે લોકો પોતાને જ મોટા સમજે છે અને ખૂબ જ વિદ્રોહ કરી રહ્યા છે.
૨૨) જે દિવસે આ લોકો ફરિશ્તાઓને જોઇ લેશે, તે દિવસે તે અપરાધીઓને કોઈ ખુશી નહીં થાય અને કહેશે અમને અળગા કરી દેવામાં આવ્યા.
૨૩) અને તે લોકોએ જે જે કર્મો કર્યા હશે, અમે તે કર્મોને તેમના માટે ઉડનારી માટીના કણો જેવા કરી દીધા.
૨૪) હાં, તે દિવસે જન્નતી લોકોનું ઠેકાણું શ્રેષ્ઠ હશે અને રહેવાની જગ્યા પણ ઉત્તમ હશે.
૨૫) અને જે દિવસે આકાશ વાદળો સાથે ફાટી જશે અને ફરિશ્તાઓને સતત ઉતારવામાં આવશે,
૨૬) તે દિવસે સાચી બાદશાહત ફક્ત રહમાન (અલ્લાહ)ની જ હશે અને તે દિવસ ઇન્કાર કરનારાઓ માટે ઘણો જ ભારે હશે.
૨૭) અને તે દિવસે અત્યાચારી પોતાના હાથોને ચાવીને કહેશે, કાશ ! હું આપ સ.અ.વ.ના માર્ગે ચાલ્યો હોત.
૨૮) અફસોસ ! કાશ કે મેં ફલાણાને મિત્ર ન બનાવ્યો હોત.
૨૯) તેણે તો મને મારી પાસે શિખામણ આવ્યા પછી પથભ્રષ્ટ કરી દીધો અને શેતાન માનવીને દગો આપનાર છે.
૩૦) અને પયગંબર કહેશે, કે હે મારા પાલનહાર ! નિ:શંક મારી કોમના લોકોએ આ કુરઆનને છોડી દીધું હતું.
૩૧) અને આવી જ રીતે અમે દરેક પયગંબરના શત્રુ થોડાંક અપરાધીઓને બનાવી દીધા છે. અને તારો પાલનહાર જ માર્ગદર્શન આપનાર અને મદદ કરવા માટે પૂરતો છે.
૩૨) અને ઇન્કાર કરનારાઓએ કહ્યું, કે આ પયગંબર પર સંપૂર્ણ કુરઆન એક સાથે જ ઉતારવામાં કેમ ન આવ્યું ? આવી જ રીતે અમે (થોડુંક થોડુંક કરી) અવતરિત કર્યું, જેથી આના વડે અમે તમારા હૃદયને મજબૂત રાખીએ. અમે આ કુરઆનને થોડુંક થોડુંક જ અવતરિત કર્યું છે.
૩૩) આ લોકો તમારી પાસે જે પણ ઉદાહરણ લાવશે, અમે તેનો સાચો જવાબ અને ઉત્તમ ઉકેલ તમને બતાવી દઇશું.
૩૪) જે લોકો ઊંધા મોઢે જહન્નમમાં ભેગા કરવામાં આવશે, તે જ ખરાબ ઠેકાણાવાળા અને પથભ્રષ્ટ લોકો છે.
૩૫) અને નિ:શંક અમે મૂસા અ.સ.ને કિતાબ આપી અને તેમની સાથે તેમના ભાઇ હારૂનને તેમના નાયબ બનાવી દીધા.
૩૬) અને કહી દીધું કે તમે બન્ને તે લોકો તરફ જાઓ, જે અમારી આયતોને જુઠલાવે છે, પછી અમે તેઓને કંગાળ કરી દીધા.
૩૭) અને નૂહની કૌમે પણ જ્યારે પયગંબરને જુઠલાવ્યા તો, અમે તેમને ડુબાડી દીધા અને લોકો માટે તેમને શિખામણનું કારણ બનાવી દીધા. અને અમે અત્યાચારીઓ માટે દુ:ખદાયી યાતના તૈયાર કરી રાખી છે.
૩૮) અને આદ, ષમૂદ અને કુવાવાળાઓને અને તેમની વચ્ચે ઘણા સમૂદાયોને (નષ્ટ કરી દીધા).
૩૯) અને અમે તેમને ઉદાહરણો આપ્યા, પછી દરેકને નષ્ટ કરી દીધા.
૪૦) આ લોકો તે વસ્તીઓ પાસે હરેફરે છે, જેમના પર વિનાશક વરસાદ વરસાવવામાં આવ્યો, શું આ લોકો તેમને જોતા નથી ? સત્ય તો એ છે કે તેમને મૃત્યુ પછી ફરી જીવિત થવાની આશા જ નથી.
૪૧) અને તમને જ્યારે પણ જુએ છે તો તમારી મશ્કરી કરે છે, કે શું આ જ તે વ્યક્તિ છે જેને અલ્લાહ તઆલાએ પયગંબર બનાવી મોકલ્યો છે.
૪૨) (તે લોકોએ કહ્યું) કે અમે આના પર અડગ રહ્યા, નહિતો તેણે અમને અમારા પૂજ્યોથી દૂર કરવામાં કોઈ કસર છોડી ન હતી અને જ્યારે આ લોકો યાતનાને જોશે તો, તેમને સ્પષ્ટ ખબર પડી જશે કે માર્ગથી ભટકેલા કોણ હતાં ?
૪૩) શું તમે તેને પણ જોયો, જેણે પોતાની મનેચ્છાઓને પૂજ્ય બનાવી છે? શું તમે તેના જવાબદાર હોઇ શકો છો ?
૪૪) શું તમે આ વિચારમાં છો કે તેમના માંથી વધારે પડતા લોકો સાંભળે છે અથવા સમજે છે, તેઓ તો તદ્દન ઢોર જેવા છે, પરંતુ તેના કરતા પણ વધારે ભટકેલા છે.
૪૫) શું તમે નથી જોયું કે તમારા પાલનહારે છાંયડાને કેવી રીતે ફેંલાવી દીધો છે ? જો ઇચ્છતો તો તેને રોકી લેતો, પછી અમે સૂર્યને તેના પર પુરાવા રૂપે રાખ્યો.
૪૬) પછી અમે તેને ધીરે ધીરે અમારી તરફ ખેંચી લીધો.
૪૭) અને તે જ છે, જેણે રાતને તમારા માટે પરદો બનાવ્યો અને નિંદ્રાને રાહત બનાવી અને દિવસને ઉઠવાનો સમય બનાવ્યો.
૪૮) અને તે જ છે જે વરસાદ આવતા પહેલા ખુશખબરી આપનારી હવાઓને મોકલે છે અને અમે આકાશ માંથી સ્વચ્છ પાણી વરસાવીએ છીએ.
૪૯) જેથી તેના વડે નિષ્પ્રાણ શહેરને જીવિત કરી દઇએ અને તેને અમે અમારા સર્જન માંથી ઘણા ઢોરોને અને માનવીઓને પીવડાવીએ છીએ.
૫૦) અને નિ:શંક અમે આ (કુરઆન)ને તેમની વચ્ચે અલગ-અલગ રીતે વર્ણન કર્યું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે, પરંતુ તો પણ ઘણા લોકો કૃતઘ્ની બનીને રહ્યા.
૫૧) જો અમે ઇચ્છતા તો દરેક વસ્તી માટે એક સચેત કરનાર અવતરિત કરતા.
૫૨) બસ ! તમે ઇન્કાર કરનારાઓનું કહ્યું ન માનો, અને કુરઆન દ્વારા તેમની સાથે પૂરી શક્તિ સાથે જેહાદ કરો.
૫૩) અને તે જ છે જેણે બે સમુદ્રોને એકબીજા સાથે ભેળવી રાખ્યા છે, એક છે ગળ્યો અને પુષ્કળ અને બીજો ખારો અને કડવો અને તે બન્ને વચ્ચે એક પરદો અને મજબૂત ઓટ કરી દીધી.
૫૪) તે છે, જેણે પાણી વડે માનવીનું સર્જન કર્યું, પછી તેને વંશવાળો અને સાસરીવાળો બનાવ્યો. નિ:શંક તમારો પાલનહાર (દરેક વસ્તુ પર) શક્તિ ધરાવે છે.
૫૫) આ લોકો અલ્લાહને છોડીને તેમની બંદગી કરે છે, જે ન તો તેમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે અને ન તો કોઈ નુકસાન અને ઇન્કાર કરનારાઓ તો પોતાના પાલનહાર વિરુદ્ધ (શેતાનની) મદદ કરવાવાળા છે.
૫૬) અમે તો તમને ખુશખબરી આપનાર અને સચેત કરનાર બનાવી અવતરિત કર્યા છે.
૫૭) કહી દો કે હું કુરઆન પહોંચાડવા માટે તમારી પાસેથી કોઈ વળતર નથી માંગતો, પરંતુ જે વ્યક્તિ પોતાના પાલનહાર તરફ માર્ગ મેળવવા ઇચ્છે.
૫૮) તે હંમેશા જીવિત રહેનાર અલ્લાહ તઆલા પર ભરોસો કરો જેને ક્યારેય મૃત્યુ આવવાનું નથી અને તેની પ્રશંસા સાથે પવિત્રતાનું વર્ણન કરતા રહો, તે પોતાના બંદાના પાપોને ખૂબ સારી રીતે જાણે છે.
૫૯) તે જ છે, જેણે આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનું સર્જન છ દિવસમાં કર્યું છે. પછી અર્શ પર બિરાજમાન થયો, તે રહમાન છે, તમે તેના વિશે કોઈ જાણકારને પૂછી લો.
૬૦) તેઓને જ્યારે પણ કહેવામાં આવે છે કે રહમાનને સિજદો કરો તો, જવાબ આપે છે કે રહમાન કોણ છે ? શું અમે તેને સિજદો કરીએ જેનો આદેશ તું અમને આપી રહ્યો છે ? અને તેણે (પ્રચારે) તેમની નફરતમાં વધારો કરી દીધો.
૬૧) બરકતવાળો છે, જેણે આકાશમાં “બુરૂજ” બનાવ્યા અને તેમાં સૂર્ય બનાવ્યો અને પ્રકાશિત ચંદ્ર પણ,
૬૨) અને તેણે જ રાત અને દિવસને એકબીજા પાછળ આવનારા બનાવ્યા, તે વ્યક્તિની શિખામણ માટે, જે શિખામણ પ્રાપ્ત કરવાની અથવા આભાર વ્યક્ત કરવાની ઇચ્છા ધરાવતો હોય.
૬૩) રહમાનના (સાચા) બંદા તે લોકો છે, જે ધરતી પર નમ્રતાથી ચાલે છે અને જ્યારે અજ્ઞાની લોકો તેમની સાથે વાતચીત કરે છે તો તેઓ કહી દે છે કે “સલામ” છે.
૬૪) અને જેઓ પોતાના પાલનહાર સામે સિજદા અને કિયામ (નમાઝ પઢતા) કરતા રાતો પસાર કરે છે.
૬૫) અને જેઓ આ દુઆ કરે છે કે હે અમારા પાલનહાર ! અમારાથી જહન્નમની યાતનાને દૂર જ રાખ, કારણકે તેની યાતના ચોંટી જનારી છે.
૬૬) નિ:શંક તે રોકાણ કરવા અને રહેવા માટે ખૂબ જ ખરાબ જગ્યા છે.
૬૭) અને જેઓ ખર્ચ કરતી વખતે ઇસ્રાફ (ખોટો ખર્ચ) નથી કરતા, ન કંજુસાઇ કરે છે, પરંતુ તે બન્ને વચ્ચે સુમેળતાભરી રીતે ખર્ચ કરે છે.
૬૮) અને અલ્લાહ સાથે બીજા કોઈ પૂજ્યોને નથી પોકારતા અને કોઈ એવા વ્યક્તિને, જેના કતલથી અલ્લાહ તઆલાએ રોક્યા છે તેને સત્યતા સિવાય કતલ નથી કરતા. ન તેઓ અશ્લીલતાનું કાર્ય કરે છે અને જે કોઈ આ કાર્ય કરે તે પોતાના માટે સખત વિનાશ લાવશે.
૬૯) તેને કયામતના દિવસે બમણી યાતના આપવામાં આવશે અને તે અપમાનિત થઇ, હંમેશા તેમાં જ રહેશે.
૭૦) તે લોકો સિવાય, જેઓ તૌબા કરે, અને ઈમાન લાવે અને સત્કાર્યો કરે, આવા લોકોના પાપોને અલ્લાહ તઆલા સત્કાર્યો વડે બદલી નાખે છે, અલ્લાહ માફ કરનાર દયાળુ છે.
૭૧) અને જે વ્યક્તિ તૌબા કરે અને સત્કાર્યો કરે, તે તો અલ્લાહ તઆલા તરફ સાચી રીતે ઝૂકે છે.
૭૨) અને જે લોકો જુઠી સાક્ષી નથી આપતા અમે જ્યારે કોઈ નકામી વસ્તુ પાસેથી તે પસાર થાય છે તો સાદગીથી પસાર થઇ જાય છે.
૭૩) અને જ્યારે તેમની સામે તેમના પાલનહારની વાણી સંભળાવવામાં આવે છે તો તે આંધળા, બહેરા બની તેની અવગણના કરતા નથી.
૭૪) અને આ દુઆ કરે છે કે હે અમારા પાલનહાર ! તું અમને અમારી પત્ની અને સંતાન દ્વારા આંખોની ઠંડક આપ અને અમને ડરવાવાળાઓના નાયબ બનાવ.
૭૫) આ જ તે લોકો છે, જેમને તેમની ધીરજના બદલામાં જન્નતના ઉચ્ચ કમરા આપવામાં આવશે, જ્યાં તેમને “સલામ” કહેવામાં આવશે.
૭૬) તેમાં આ લોકો હંમેશા રહેશે, તે ઘણી સારી અને ઉત્તમ જગ્યા છે.
૭૭) કહી દો, જો તમારી દુઆ ન હોત તો મારો પાલનહાર તમારી કંઇ પણ પરવા ન કરતો, તમે તો જુઠલાવી ચૂક્યા, હવે નજીકમાં જ તેની સજા તમને ચોંટી જશે.
السورة التالية
Icon