ﮫ
ترجمة معاني سورة لقمان
باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
.
من تأليف:
رابيلا العُمري
.
ﰡ
ﭑ
ﰀ
૧) અલિફ-લામ્-મીમ્,
૨) આ હિકમતવાળી કિતાબની આયતો છે.
૩) જે સદાચારી લોકો માટે માર્ગદર્શક અને રહમત છે.
૪) જે લોકો નમાઝ પઢે છે અને ઝકાત આપે છે અને આખેરત પર ઈમાન ધરાવે છે.
૫) આ જ તે લોકો છે, જેઓ પોતાના પાલનહાર તરફથી સત્ય માર્ગ પર છે. અને આ લોકો જ છુટકારો મેળવશે.
૬) અને કેટલાક લોકો એવા પણ છે જેઓ બેકાર વાતોને ખરીદે છે, જેથી અજ્ઞાનતાના કારણે લોકોને અલ્લાહના માર્ગથી ભટકાવે અને તેને હાસ્યનું કારણ બનાવે, આ જ તે લોકો છે જેમના માટે અપમાનિત કરી દેનારી યાતના છે.
૭) જ્યારે તેમની સામે અમારી આયતોનું વર્ણન કરવામાં આવે છે તો ઘમંડ કરી એવી રીતે મોઢું ફેરવી લે છે, જાણે કે તેણે સાંભળ્યું જ નથી, જાણે કે તેના બન્ને કાનોમાં ડાટા લાગેલા છે, તમે તેમને દુ:ખદાયી યાતનાની સૂચના આપી દો.
૮) નિ:શંક જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમના માટે નેઅમતોવાળી જન્નતો છે.
૯) જ્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહનું વચન સાચું છે, તે ઘણો જ પ્રભુત્વશાળી અને વિજયી છે અને સંપૂર્ણ હિકમતવાળો છે.
૧૦) તેણે જ આકાશોનું સર્જન વગર સ્તંભે કર્યું, તમે તેને જોઇ રહ્યા છો અને તેણે ધરતીમાં પર્વતોને જકડી દીધા, જેથી તે તમને હલાવી ન શકે અને દરેક પ્રકારના સજીવોને ધરતીમાં ફેલાવી દીધા અને અમે આકાશ માંથી પાણી વરસાવી ધરતીમાં દરેક પ્રકારની સુંદર જોડીઓ ઊપજાવી.
૧૧) આ છે અલ્લાહનું સર્જન, હવે તમે મને તેના સિવાય બીજા કોઇનું સર્જન તો બતાવો ? પરંતુ આ અત્યાચારી લોકો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે.
૧૨) અને અમે ખરેખર લૂકમાનને હિકમત આપી હતી, કે તું અલ્લાહ તઆલાનો આભાર વ્યક્ત કર, દરેક આભાર વ્યકત કરનાર પોતાના માટે જ આભાર વ્યક્ત કરે છે, જે પણ કૃતઘ્નતા કરે, તે જાણી લે કે અલ્લાહ તઆલા બેનિયાઝ અને પ્રશંસાવાળો છે.
૧૩) અને જ્યારે લૂકમાને પોતાના દીકરાને શિખામણ આપતા કહ્યું કે મારા વ્હાલા દીકરા ! અલ્લાહનો ભાગીદાર ન ઠેરવતો, નિ:શંક શિર્ક ખૂબ જ મોટો અત્યાચાર છે,
૧૪) અમે માનવીને તેના માતા-પિતા બાબતે શિખામણ આપી, તેની માતાએ દુ:ખ પર દુ:ખ વેઠી તેને ગર્ભમાં રાખ્યો અને તેનો દૂધ છોડાવવાનો સમય બે વર્ષનો છે, કે તું મારો અને પોતાના માતા-પિતાનો આભાર વ્યક્ત કર, (તમને સૌને) મારી જ તરફ પાછું આવવાનું છે.
૧૫) અને જો તે બન્ને તારા પર એ વાતની બળજબરી કરે, કે તું મારો ભાગીદાર બનાવ, જેનું જ્ઞાન તારી પાસે ન હોય, તો તું તેમનું કહ્યું ન માન, હાં ! દુનિયામાં તેમની સાથે સારી રીતે રહેજે અને તેના માર્ગે ચાલજે, જે મારી તરફ ઝૂકેલો હોય. તમારા સૌનું પાછું ફરવું મારી તરફ જ છે. તમે જે કંઈ કરો છો તે તમને જણાવી દઇશ.
૧૬) વ્હાલા દીકરા ! જો કોઇ વસ્તુ રાઈના દાણા જેટલી હોય, પછી ભલે ને તે કોઇ સખત પથ્થરમાં હોય અથવા આકાશોમાં હોય અથવા ધરતીમાં હોય તેને અલ્લાહ તઆલા જરૂર લાવશે, અલ્લાહ તઆલા ઘણો જ સૂક્ષ્મ દૃષ્ટિવાળો અને બધું જ જાણનાર છે.
૧૭) હે મારા વ્હાલા દીકરા ! તું નમાઝ પઢતો રહેજે, સારા કાર્યોની શિખામણ આપતો રહેજે, દુષ્કર્મોથી રોકજે અને જે મુસીબત તારા પર આવી જાય, તેના પર ધીરજ રાખજે. ખરેખર આ કાર્યો ખૂબ તાકીદનાં કાર્યો માંથી છે.
૧૮) લોકોની સામે પોતાના ગાલ ન ફુલાવ અને ધરતી પર ઇતરાઇને ન ચાલ, અલ્લાહ તઆલા ઘમંડ કરનારને પસંદ નથી કરતો.
૧૯) પોતાની ચાલ દરમિયાની રાખ, અને પોતાનો અવાજ નીચો રાખ, ખરેખર અવાજો માં સૌથી ખરાબ અવાજ ગધેડાનો છે.
૨૦) શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલાએ ધરતી અને આકાશની દરેક વસ્તુને તમારા કામમાં લગાડી છે અને તમને પોતાની જાહેર અને છુપી નેઅમતો પુષ્કળ આપી રાખી છે, કેટલાક લોકો અલ્લાહ વિશે જ્ઞાન વગર અને સત્ય માર્ગદર્શન વગર અને કોઇ સ્પષ્ટ કિતાબ વગર ઝઘડો કરે છે.
૨૧) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહએ અવતરિત કરેલી વહીનું અનુસરણ કરો તો કહે છે કે અમે તો જે તરીકા પર અમારા પૂર્વજોને જોયા છે, તેનું જ અનુસરણ કરીશું, ભલેને શેતાન તેમના પૂર્વજોને જહન્નમની યાતના તરફ બોલાવતો હોય.
૨૨) અને જે (વ્યક્તિ) પોતાને અલ્લાહને સોંપી દે અને સદાચારી હોય, ખરેખર તેણે મજબૂત કડું પકડી લીધું. દરેક કાર્યોનું પરિણામ અલ્લાહ તરફથી છે.
૨૩) ઇન્કાર કરનારાઓના ઇન્કારના કારણે તમે નિરાશ ન થશો, છેવટે તે બધાને અમારી તરફ જ પાછા ફરવાનું છે, પછી અમે તેમને બતાવીશું જે તેમણે કર્યું છે, નિ:શંક અલ્લાહ હૃદયોના ભેદોને પણ જાણે છે.
૨૪) અમે તેમને અમસ્તો જ કંઈક ફાયદો આપી દઇએ, પરંતુ અમે તેમને અત્યંત લાચારીની સ્થિતિમાં જહન્નમની યાતના તરફ હાંકી લઇ જઇશું.
૨૫) જો તમે તેમને પૂછો કે આકાશ અને ધરતીનું સર્જન કરનાર કોણ છે ? તો તેઓ જરૂર જવાબ આપશે કે “અલ્લાહ”, તો કહી દો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, પરંતુ તેમાં ઘણા લોકો અજ્ઞાની છે.
૨૬) આકાશો અને ધરતીમાં જે કંઈ છે, તે બધું અલ્લાહનું જ છે, ખરેખર અલ્લાહ તઆલા બેનિયાઝ અને પ્રશંસાને લાયક છે.
૨૭) ધરતીના દરેક વૃક્ષ, જો કલમ (પેન) બની જાય અને દરેક સમુદ્ર શાહી બની જાય અને ત્યાર પછી સાત સમુદ્રો વધારે હોય તો પણ અલ્લાહના કલેમા પૂર્ણ નહીં થઇ શકે. નિ:શંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે.
૨૮) તમારા સૌનું સર્જન અને મૃત્યુ પછી ફરી જીવિત કરવું એવું જ છે જેવું કે એક પ્રાણનું (સર્જન). નિ:શંક અલ્લાહ તઆલા સાંભળનાર, જોનાર છે.
૨૯) શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલા રાતને દિવસમાં અને દિવસને રાતમાં ફેરવી નાખે છે, સૂર્ય અને ચંદ્રને તેણે જ આજ્ઞાકારી બનાવી રાખ્યા છે, દરેક નક્કી કરેલ સમય સુધી ચાલશે. અલ્લાહ તઆલા દરેક વસ્તુની જાણ રાખે છે જે તમે કરો છો.
૩૦) આ બધું એટલા માટે કે અલ્લાહ તઆલા જ સત્ય છે અને તેના સિવાય જેને પણ લોકો પોકારે છે, બધા ખોટા છે અને નિ:શંક અલ્લાહ તઆલા ઘણો ઉચ્ચ અને પ્રતિષ્ઠિત છે.
૩૧) શું તમે તેના પર વિચાર નથી કરતા કે દરિયામાં હોડીઓ અલ્લાહની કૃપાથી ચાલી રહી છે, એટલા માટે કે તે તમને પોતાની નિશાનીઓ બતાવી દે, ખરેખર આમાં દરેક ધીરજ રાખનાર અને આભાર વ્યક્ત કરનાર માટે ઘણી નિશાનીઓ છે.
૩૨) અને જ્યારે તેમના પર મોજા છાંયડાની જેમ આવી જાય છે, તો તે નિખાલસતાથી શ્રદ્ધા ધરાવી, અલ્લાહ તઆલાને જ પોકારે છે, પછી જ્યારે તે (અલ્લાહ તઆલા) તેમને છુટકારો આપી ધરતી તરફ લાવે છે તો કેટલાક તેમના માંથી સત્ય માર્ગ પર રહે છે અને અમારી આયતોનો ઇન્કાર ફક્ત તે જ લોકો કરે છે જે વચન ભંગ કરનાર અને કૃતધ્ની છે.
૩૩) લોકો ! પોતાના પાલનહારથી ડરો અને તે દિવસથી પણ ડરો જે દિવસે પિતા પોતાના દીકરાને કંઈ ફાયદો પહોંચાડી નહીં શકે અને ન દીકરો પોતાના પિતાને કંઈ ફાયદો પહોંચાડી શકશે, અલ્લાહનું વચન સાચું છે, (જુઓ) તમને દુનિયાનું જીવન ધોકામાં ન નાખે. અને ન ધોકો આપનાર તમને ધોકામાં નાંખી દે.
૩૪) નિ:શંક અલ્લાહ તઆલાની પાસે જ કયામતનું જ્ઞાન છે, તે જ વરસાદ વરસાવે છે અને માતાના પેટમાં જે કંઈ છે, તેને જાણે છે, કોઇ નથી જાણતું કે આવતીકાલે શું કરશે, ન કોઇને જાણ છે કે કેવી ધરતી પર મૃત્યુ પામશે, (યાદ રાખો) અલ્લાહ તઆલા જ સંપૂર્ણ જ્ઞાનવાળો અને સાચી ખબર રાખનારો છે.