surah.translation .
من تأليف: رابيلا العُمري .

૧) આ છે તે સૂરહ, જે અમે અવતરિત કરી અને નક્કી કરી દીધી છે અને જેમાં અમે સ્પષ્ટ આયતો અવતરિત કરી છે જેથી તમે યાદ રાખો.
૨) વ્યાભિચારી સ્ત્રી અને પુરુષ બન્નેને સો કોરડા મારો, અલ્લાહએ બતાવેલ રીતે તેમના ઉપર હદ (સજા) લાગુ કરતા તમને ક્યારેય દયા ન આવવી જોઇએ. જો તમે અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન ધરાવતા હોવ. તેમની સજાના સમયે મુસલમાનોનું એક જૂથ હાજર હોવું જોઇએ.
૩) વ્યાભિચારી પુરુષ, વ્યાભિચારી સ્ત્રી અથવા મુશરિક સ્ત્રી સિવાય કોઈની સાથે લગ્ન નથી કરતો અને વ્યાભિચારી સ્ત્રી પણ વ્યાભિચારી અને મુશરિક પુરુષ સિવાય કોઈની સાથે લગ્ન નથી કરતી અને ઈમાનવાળાઓ પર આ હરામ કરી દેવામાં આવ્યું છે.
૪) જે લોકો પવિત્ર સ્ત્રી ઉપર વ્યાભિચારનો આરોપ લગાવે, પછી ચાર સાક્ષી ન લાવી શકે તો, તેમને એંસી કોરડા મારો અને ક્યારેય તેમની સાક્ષી ન સ્વીકારો, આ વિદ્રોહી લોકો છે.
૫) ત્યાર પછી જે લોકો તૌબા અને સુધારો કરી લે તો અલ્લાહ તઆલા માફ કરનાર અને દયાળુ છે.
૬) જે લોકો પોતાની પત્નીઓ પર વ્યાભિચારનો આરોપ લગાવે અને તેમની પાસે તેમના પોતાના સિવાય બીજો કોઈ સાક્ષી ન હોય, તો આવા લોકો માંથી દરેકની સાક્ષી એ છે કે ચાર વખત અલ્લાહના નામની સોગંદ લઇને કહે કે તે સાચા લોકો માંથી છે.
૭) અને પાંચમી વખતે કહે કે તેના પર અલ્લાહની ફિટકાર થાય જો તે જુઠ્ઠા લોકો માંથી હોય.
૮) અને તે સ્ત્રી પરથી સજા એવી રીતે દૂર થઇ શકે છે કે તે ચાર વખત અલ્લાહના નામની સોગંદ લઇને કહે કે ખરેખર તેનો પતિ જુઠ્ઠા લોકો માંથી છે.
૯) અને પાંચમી વખત કહે કે તેના પર અલ્લાહ તઆલાની ફિટકાર ઉતરે, જો તેનો પતિ સાચા લોકો માંથી હોય.
૧૦) જો અલ્લાહ તઆલાની કૃપા અને દયા તમારા પર ન હોત, (તો તમારા માટે તકલીફ આવતી) અને અલ્લાહ તઆલા તૌબા કબૂલ કરનાર, હિકમતવાળો છે.
૧૧) જે લોકો આ ઘણો જ મોટો આરોપ લગાવી રહ્યા છે, આ પણ તમારા માંથી એક જૂથ છે, તમે તેને પોતાના માટે ખરાબ ન સમજો, પરંતુ આ તો તમારા માટે સારું છે, હાં તેમના માંથી દરેક વ્યક્તિ પર એટલું પાપ છે, જે તેણે કર્યું છે અને તેમના માંથી જેણે તેમાં મોટો ભાગ ભજવ્યો છે, તેના માટે યાતના પણ ખૂબ મોટી છે.
૧૨) આ (વાતને) સાંભળતા જ ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓએ પોતે સારો વિચાર કેમ ન કર્યો ? અને કેમ એવું ન કહી દીધું કે આ તો સ્પષ્ટ આરોપ છે.
૧૩) તેઓ આના પર ચાર સાક્ષી કેમ ન લાવ્યા ? અને જ્યારે સાક્ષી ન લાવી શક્યા તો આ આરોપ લગાવનાર અલ્લાહની સમક્ષ ફક્ત જુઠ્ઠા છે.
૧૪) જો અલ્લાહ તઆલાની કૃપા અને દયા તમારા પર દુનિયા અને આખેરતમાં ન હોત તો, નિ:શંક જે વાતની ચર્ચા તમે કરી રહ્યા હતાં, આ બાબતે તમને ઘણી જ મોટી યાતના પહોંચી હોત.
૧૫) જ્યારે તમે આ વાત એકબીજા સાથે કરી રહ્યા હતાં અને પોતાના મોઢા દ્વારા તે વાત કરવા લાગ્યા, જેના વિશે તમે કંઇ પણ જાણતા ન હતાં, જેથી તમે આને હળવી વાત સમજતા હતાં, પરંતુ અલ્લાહની નજીક તે ઘણી મોટી વાત હતી.
૧૬) તમે આવી વાત સાંભળતાજ એવું કેમ ન કહ્યું કે, આપણે આવી વાત મોઢા માંથી કાઢવી પણ ન જોઇએ, હે અલ્લાહ ! તુ પવિત્ર છે, આ તો મોટો આરોપ છે.
૧૭) અલ્લાહ તઆલા તમને શિખામણ આપે છે કે, ક્યારેય આવું કામ ન કરશો, જો તમે સાચા ઈમાનવાળા હોય.
૧૮) અલ્લાહ તઆલા તમારી સમક્ષ પોતાની આયતોનું વર્ણન કરી રહ્યો છે અને અલ્લાહ તઆલા જ્ઞાન અને હિકમતવાળો છે.
૧૯) જે લોકો મુસલમાનોમાં અશ્લીલ કાર્ય ફેલાવવાની ઇચ્છા ધરાવતા હોય છે, તેમના માટે દુનિયા અને આખેરતમાં દુ:ખદાયી યાતના છે, અલ્લાહ બધું જ જાણે છે અને તમે કંઇ પણ નથી જાણતા.
૨૦) જો તમારા પર અલ્લાહની કૃપા અને દયા તમારા પર ન હોત તો અને આ પણ કે અલ્લાહ તઆલા ઘણો જ દયાળુ છે. (તો તમારા પર પ્રકોપ આવી પહોંચતો).
૨૧) ઈમાનવાળાઓ ! શેતાનના માર્ગ પર ન ચાલો, જે વ્યક્તિ શેતાનના માર્ગનું અનુસરણ કરે તો, તે વિદ્રોહ અને દુષ્કર્મોનો જ આદેશ આપશે અને અલ્લાહ તઆલાની કૃપા અને દયા ન હોત તો તમારા માંથી કોઈ પણ, ક્યારેય પવિત્ર ન થાત, પરંતુ અલ્લાહ તઆલા જેને ઇચ્છે તેને પવિત્ર કરી દે છે અને અલ્લાહ બધું સાંભળનાર-જાણનાર છે.
૨૨) તમારા માંથી જે લોકો ખુશહાલ, ધનવાન છે, તે લોકોએ પોતાના સગા-સંબંધીઓ અને લાચારો અને હિજરત કરનાર લોકોને અલ્લાહના માર્ગમાં દાન ન આપવાના સોગંદ ન ખાવા જોઇએ, પરંતુ માફ કરી દેવું જોઇએ અને દરગુજર કરી લેવું જોઇએ, શું તમે ઇચ્છતા નથી કે અલ્લાહ તઆલા તમારા પાપોને માફ કરી દે? અલ્લાહ પાપોને માફ કરવાવાળો, દયાળુ છે.
૨૩)જે લોકો પવિત્ર, ભોળી ઈમાનવાળી સ્ત્રીઓ પર આરોપ લગાવે છે, તેમના પર દુનિયા અને આખેરતમાં ફિટકાર છે અને તેમના માટે ઘણી જ કઠોર યાતના છે.
૨૪) જ્યારે તેમની વિરુદ્ધ તેમની જીભ અને તેમના હાથ-પગ તેમના કાર્યોની સાક્ષી આપશે.
૨૫) તે દિવસે અલ્લાહ તઆલા તેમને પૂરેપૂરો બદલો, સત્ય અને ન્યાયપૂર્વક આપશે. અને તેઓ જાણી લેશે કે અલ્લાહ તઆલા જ સત્ય છે. (અને તે જ) જાહેર કરવાવાળો છે.
૨૬) ખરાબ સ્ત્રી, ખરાબ પુરુષો માટે છે અને ખરાબ પુરુષ ખરાબ સ્ત્રીઓ માટે છે અને પવિત્ર સ્ત્રી પવિત્ર પુરુષ માટે છે અને પવિત્ર પુરુષ પવિત્ર સ્ત્રીઓ માટે છે. આવા પવિત્ર લોકો વિશે જે કંઇ બકવાસ કરે છે, તેઓ તેનાથી તદ્દન અળગા છે, તેમના માટે માફી છે અને ઇજજતવાળી રોજી.
૨૭) હે ઈમાનવાળાઓ ! પોતાના ઘરો સિવાય બીજાના ઘરોમાં ન જાઓ ત્યાં સુધી કે પરવાનગી ન લઇ લો અને ત્યાંના રહેવાસીને સલામ ન કરી લો, આવું જ તમારા માટે શ્રેષ્ઠ છે, જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો.
૨૮) જો ત્યાં તમને કોઈ ન મળે તો, પછી પરવાનગી વગર અંદર ન જાઓ અને જો તમને પાછા ફરવાનું કહેવામાં આવે તો તમે પાછા ફરી જાઓ, આ જ વાત તમારા માટે પવિત્ર છે, જે કંઇ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે.
૨૯) હાં, વેરાન ઘરોમાં, જ્યાં તમારા જવા માટે કોઈ કારણ અથવા ફાયદો છે. ત્યાં જવામાં કોઈ ગુનો નથી, તમે જે કંઇ પણ જાહેર કરો છો અને છુપાવો છો, અલ્લાહ તઆલા બધું જ જાણે છે.
૩૦) મુસલમાન પુરુષોને કહો કે પોતાની નજર નીચી રાખે અને પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરે. આ જ તેમના માટે પવિત્ર છે. લોકો જે કંઇ પણ કરે છે, અલ્લાહ તઆલા બધું જ જાણે છે.
૩૧) મુસલમાન સ્ત્રીઓને કહો કે તેઓ પણ પોતાની નજર નીચી રાખે અને પોતાની ઇજજતમાં ફરક ન આવવા દે અને પોતાના શણગારને જાહેર ન કરે. સિવાય તે (અંગો), જે જાહેર છે અને પોતાની (છાતી, ખભો, વગેરે..) પર પોતાનો દુપટ્ટો ઓઢેલો રાખે અને પોતાના શણગારને બીજા કોઈની સામે જાહેર ન કરે. સિવાય પોતાના પતિઓ, અથવા પોતાના પિતા, અથવા પોતાના સસરા સામે, અથવા પોતાના બાળકો, અથવા પોતાના પતિના દીકરાઓ સામે, અથવા પોતાના ભાઇઓની સામે, અથવા પોતાના ભત્રીજા સામે, અથવા પોતાના ભાણિયા સામે, અથવા પોતાની પરિચિત સ્ત્રીઓ સામે, અથવા દાસ સામે, અથવા એવા નોકર સામે, જેમને સ્ત્રીઓ પ્રત્યે કંઇ પણ આકર્ષણ ન હોય, અથવા એવા બાળકોની સામે જેઓ સ્ત્રીઓની અંગતની વાતોથી અજાણ છે, અને જોર જોરથી પગ પછાડીને ન ચાલે, કે તેમનો છુપો શણગાર જાહેર થઇ જાય, હે મુસલમાનો ! તમે સૌ અલ્લાહની સામે તૌબા કરો, જેથી તમને છૂટકારો મળે.
૩૨) તમારા માંથી જે પુરુષ તથા સ્ત્રીએ લગ્ન ન કર્યા હોય તેઓના લગ્ન કરાવી દો અને પોતાના સદાચારી દાસ અને દાસીઓના પણ, જો તેઓ ગરીબ પણ હશે, તો અલ્લાહ તઆલા તેઓને પોતાની કૃપા વડે ધનવાન બનાવી દેશે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને જ્ઞાનવાળો છે.
૩૩) અને તે લોકોએ પવિત્ર રહેવું જોઇએ જેઓ લગ્ન કરવાની તાકાત ન ધરાવતા હોય, ત્યાં સુધી કે અલ્લાહ તઆલા પોતાની કૃપા વડે તેમને ધનવાન બનાવી દે, તમારા દાસો માંથી જે તમને કંઇક આપી, આઝાદ થવા માટે લખાણ કરાવવા ઇચ્છતો હોય તો તમે તેમને લખાણ આપી દો, જો તમને તેઓમાં કોઈ ભલાઇ દેખાતી હોય અને અલ્લાહએ જે ધન તમને આપી રાખ્યું છે તેમાંથી તેમને પણ આપો, તમારી જે દાસીઓ પવિત્ર રહેવા ઇચ્છતી હોય તેમને દુનિયાના જીવનના લાભ માટે ખરાબ કૃત્ય કરવા પર બળજબરી ન કરો અને જે કોઈ તેમને લાચાર કરે તો અલ્લાહ તઆલા તેમના પર અત્યાચાર થયા પછી માફ કરનાર અને દયા કરનાર છે.
૩૪) અમે તમારી તરફ સ્પષ્ટ અને પ્રકાશિત આયતો અવતરિત કરી દીધી અને તે લોકોની કથાઓનું વર્ણન પણ, જે તમારા કરતા પહેલા થઇ ચુકી છે અને ડરવાવાળાઓ માટે શિખામણ છે.
૩૫) અલ્લાહ નૂર છે આકાશો અને ધરતીનું, તેના નૂરનું ઉદાહરણ એક તખ્તીમાં મુકેલા દીવા જેવું, અને દીવો એક ફાનસમાં હોય, અને ફાનસ ચમકતા તારા જેવું હોય, તે દીવો એક બરકતવાળા ઝૈતુનના તેલથી સળગાવેલો હોય, જે વૃક્ષ ન પૂર્વ તરફ હોય અને ન તો પશ્ચિમ તરફ, તેલ પોતે જ પ્રકાશ આપવા લાગે, ભલેને તેને આંચ ન લાગે, નૂર પર નૂર છે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે પોતાના નૂર તરફ માર્ગદર્શન આપે છે. લોકોને આ ઉદાહરણો અલ્લાહ તઆલા આપી રહ્યો છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુની સ્થિતિને ખૂબ સારી રીતે જાણે છે.
૩૬) તે ઘરોમાં, જે ઘરોને ઉચ્ચ કરવા અને જે ઘરોમાં પોતાના નામના સ્મરણ માટે અલ્લાહએ આદેશ આપ્યો છે, ત્યાં સવાર-સાંજ અલ્લાહ તઆલાના નામનું સ્મરણ કરે છે.
૩૭) આવા લોકો, જેમને વેપાર-ધંધો અને લે-વેચ, અલ્લાહના સ્મરણથી અને નમાઝ કાયમ પઢવાથી અને ઝકાત આપવાથી વંચીત નથી રાખતી, તે લોકો, તે દિવસથી ડરે છે જે દિવસે ઘણા હૃદય અને ઘણી આંખો પથરાઇ જશે.
૩૮) તે નિશ્વય સાથે કે અલ્લાહ તેમને તેમના કર્મોનો શ્રેષ્ઠ બદલો આપે, જો કે પોતાની કૃપાથી વધુ આપે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે, તેને ઘણી રોજી આપે છે.
૩૯) અને ઇન્કાર કરનારાઓના કર્મો તે ચળકતી રેતી જેવા છે, જે સપાટ મેદાનમાં હોય જેને તરસ્યો વ્યક્તિ દૂરથી પાણી સમજે છે, પરંતુ જ્યારે તેની નજીક પહોંચે છે તો ત્યાં કંઇ પણ નથી પામતો, હાં અલ્લાહને પોતાની પાસે પામે છે, જે તેને સંપૂર્ણ બદલો આપી દે છે, અલ્લાહ નજીક માંજ હિસાબ લેવાનો છે.
૪૦) અથવા તે અંધકાર જેવું, જે અત્યંત ઊંડા સમુદ્રમાં હોય, જેને ઉપરના મોજાઓએ ઢાંકી દીધો હોય, પછી ઉપરથી વાદળો છવાઇ ગયા હોય, છેવટે અંધારું છે, જે ઉપર નીચે હોય છે, કે જ્યારે પોતાનો હાથ કાઢે તો તે હાથને પણ ન જોઇ શકે અને (વાત એવી છે કે) જેને અલ્લાહ તઆલા જ નૂર ન આપે, તેની પાસે કોઈ પ્રકાશ નથી.
૪૧) શું તમે નથી જોયું કે આકાશ અને ધરતીના દરેક સર્જન અને પાંખો ફેલાવી ઉડનારા દરેક પંખીઓ, અલ્લાહની યાદમાં વ્યસ્ત છે, દરેકની નમાઝ અને યાદ કરવાની પદ્વતિને તે જાણે છે, લોકો જે કંઇ કરે છે તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે.
૪૨) ધરતી અને આકાશની બાદશાહત અલ્લાહની જ છે અને અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે.
૪૩) શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલા વાદળોને ચલાવે છે, પછી તેમને ભેગા કરે છે, પછી તેમને ઉપર-નીચે કરી દે છે, પછી તમે જુઓ છો કે તેમની વચ્ચેથી વરસાદ પડે છે, તે જ આકાશ માંથી બરફના પર્વત દ્વારા બરફ વરસાવે છે, પછી જ્યાં ઇચ્છે ત્યાં વરસાવે અને જ્યાંથી ઇચ્છે ત્યાંથી હટાવી દે, વાદળોના કારણે થતી વીજળીની ચમક એવી હોય છે કે જાણે આંખોનો પ્રકાશ લઇ લીધો,
૪૪) અલ્લાહ તઆલા જ દિવસ અને રાતને બદલે છે, જોનારાઓ માટે આમાં ખરેખર મોટી મોટી નિશાનીઓ છે.
૪૫) દરેક ચાલનારા સજીવોનું સર્જન અલ્લાહ તઆલાએ જ પાણી વડે કર્યું, તેમાંથી કેટલાક તો પોતાના પેટ વડે ચાલે છે, કેટલાક બે પગે ચાલે છે, કેટલાક ચાર પગે ચાલે છે, અલ્લાહ તઆલા જે ઇચ્છે છે તેનું સર્જન કરે છે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
૪૬) નિ:શંક અમે સ્પષ્ટ અને જાહેર આયતો અવતરિત કરી દીધી છે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે, સત્ય માર્ગ બતાવી દે છે.
૪૭)અને કહે છે કે અમે અલ્લાહ તઆલા અને પયગંબર પર ઈમાન લાવ્યા અને આજ્ઞાકારી બની ગયા, તેમના માંથી એક જૂથ ત્યાર પછી પણ ફરી જાય છે, આ ઈમાનવાળા છે (જ) નહીં.
૪૮) જ્યારે તેમને તે વાત તરફ બોલાવવામાં આવે છે, કે અલ્લાહ અને તેનો પયગંબર તેમના ઝઘડાઓનો ફેંસલો કરી દે તો પણ, તેમનું એક જૂથ મોઢું ફેરવનારા બની જાય છે.
૪૯) હાં, જો તેમની તરફ સત્ય પહોંચતું હોત તો આજ્ઞાકારી બની, તેની તરફ ચાલી આવે છે.
૫૦) શું તેમના હૃદયોમાં રોગ છે, અથવા આ લોકો શંકામાં પડેલા છે, અથવા તે લોકોને એ વાતનો ભય છે કે અલ્લાહ તઆલા અને તેનો પયંગબર તેમનો અધિકાર ન છિનવે, વાત એવી છે કે આ લોકો પોતે જ અત્યાચારી છે.
૫૧) ઈમાનવાળાઓની વાત તો એવી છે કે જ્યારે તેમને એટલા માટે બોલાવવામાં આવે છે કે અલ્લાહ અને તેનો પયંગબર તેમની વચ્ચે ફેંસલો કરી દે, તો તેઓ કહે છે કે અમે સાંભળ્યું અને માની લીધું, આવા જ લોકો સફળ થનારા છે.
૫૨) જે પણ અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરશે, અલ્લાહના ગુસ્સા-નારાજગીથી અને તેની યાતનાથી ડરતા રહેશે, તે જ લોકો છૂટકારો પામશે.
૫૩) ભારપૂર્વક અલ્લાહના નામની સોગંદો લઇને કહે છે કે તમારો આદેશ આવતા જ નીકળી જઇશું, કહી દો કે બસ ! સોગંદો ન ખાઓ, (તમારી) આજ્ઞા પાલન (ની સત્યતા)ની જાણ છે, જે કંઇ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા તેને જાણે છે.
૫૪) કહી દો કે અલ્લાહનો આદેશ માનો, અલ્લાહના પયગંબરની આજ્ઞાનું પાલન કરો, તો પણ જો તમે અવજ્ઞા કરી તો, પયગંબરની જવાબદારી તો ફક્ત તે જ છે, જે તેના માટે જરૂરી કરી દેવામાં આવ્યું છે અને તમારા પર તેની જવાબદારી છે જે તમારા પર મુકવામાં આવી છે, સત્ય માર્ગદર્શન તો તમને ત્યારે જ મળશે જ્યારે તમે પયગંબરની આજ્ઞાનું પાલન કરશો, સાંભળો ! પયગંબરની જવાબદારીમાં તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાનું કાર્ય છે.
૫૫) તમારા માંથી તે લોકો, જેઓ ઈમાન લાવ્યા છે અને સત્કાર્યો કર્યા છે, અલ્લાહ તઆલા વચન આપી ચૂક્યો છે કે તેમને જરૂર ધરતીમાં નાયબ (સરદાર) બનાવશે, જેવી રીતે કે તે લોકોને નાયબ બનાવ્યા હતાં, જેઓ તેમના કરતા પહેલા હતાં અને ખરેખર તેમના માટે તે દીનને મજબૂત કરી દેશે, જે દીન તેમના માટે તેણે પસંદ કર્યો છે. અને તેમના ભયને શાંતિમાં બદલી નાખશે, તેઓ મારી બંદગી કરશે, મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેરવે, ત્યાર પછી પણ જે લોકો કૃતઘ્ની અને ઇન્કાર કરનારા બને, તે ખરેખર વિદ્રોહી છે.
૫૬) નમાઝ કાયમ પઢતા રહો, ઝકાત આપતા રહો અને અલ્લાહના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે.
૫૭) એવો વિચાર તમે ક્યારેય ન કરશો કે ઇન્કાર કરનાર લોકો અમને ધરતી પર હરાવી દેશે, તેમનું ખરું ઠેકાણું જહન્નમ છે, જે ખરેખર તદ્દન ખરાબ ઠેકાણું છે.
૫૮) ઈમાનવાળાઓ તમારા દાસોને અને તેમને પણ, જેઓ પુખ્તવયે ન પહોંચ્યા હોય, (પોતાના આવવાની) ત્રણ સમયે પરવાનગી માંગવી જરૂરી છે, ફજરની નમાઝ પહેલા અને જોહરના સમયે જ્યારે તમે પોતાના વસ્ત્રો ઉતારી રાખો છો અને ઇશાની નમાઝ પછી, આ ત્રણેય સમય તમારા (એકાંત) અને અંગત છે, આ સમય સિવાય ન તો તમારા માટે કોઈ પાપ છે અને ન તો તેમના પર, તમે સૌ એક-બીજા પાસે, વધારે અવર-જવર કરો છો, અલ્લાહ આવી રીતે પોતાના સ્પષ્ટ આદેશો તમને કહી રહ્યો છે, અલ્લાહ તઆલા સંપૂર્ણ જ્ઞાનવાળો અને સંપૂર્ણ હિકમતવાળો છે.
૫૯) અને તમારા બાળકો (પણ) જ્યારે પુખ્તવયે પહોંચી જાય તો, જેવી રીતે તેમના આગળના લોકો પરવાનગી માંગે છે, તેમણે પણ પરવાનગી માંગીને આવવું જોઇએ, અલ્લાહ તઆલા તમારી સમક્ષ આવી જ રીતે આયતોનું વર્ણન કરે છે. અલ્લાહ તઆલા જ જ્ઞાની અને હિકમતવાળો છે.
૬૦) વૃદ્વ સ્ત્રીઓ, જેમને લગ્નની આશા (જ) ન રહી હોય, તેઓ જો પોતાના વસ્ત્રો ઉતારી રાખે તો, તેમના પર કોઈ પાપ નથી, એ શરત કે તે પોતાનું શણગાર જાહેર કરવાવાળી ન હોય, જો કે તેણીઓ સુરક્ષિત રહે તો તેમના વધુ ઉત્તમ છે અને અલ્લાહ તઆલા સાંભળે અને જાણે છે.
૬૧) આંધળાઓ માટે, લંગડાઓ માટે, બિમાર વ્યક્તિ માટે અને તમારા માટે કોઈ વાંધો નથી કે તમે પોતાના ઘરો માંથી ખાઇ લો અથવા પોતાના પિતાના ઘરમાં અથવા પોતાની માતાના ઘરમાં, અથવા પોતાના ભાઇઓના ઘરમાં અથવા પોતાની બહેનોના ઘરમાં અથવા પોતાના કાકાઓના ઘરોમાં, અથવા પોતાની ફોઇઓના ઘરોમાં અથવા પોતાના મામાના ઘરોમાં અથવા પોતાની માસીઓના ઘરમાં, અથવા તે ઘરો માં જેમના માલિક તમે છો, અથવા પોતાના દોસ્તોના ઘરોમાં. તમારા માટે તેમાં પણ કોઈ પાપ નથી કે તમે સૌ સાથે બેસીને ખાવાનું ખાઓ, અથવા અલગ બેસીને, બસ ! જ્યારે તમે ઘરોમાં પ્રવેશો તો પોતાના ઘરવાળાઓને સલામ કહો, તે ભલાઇની દુઆ છે, જે પવિત્ર છે, અલ્લાહ તઆલા તરફથી અવતરિત થયેલ છે, આવી જ રીતે અલ્લાહ તઆલા સ્પષ્ટ રીતે પોતાના આદેશોનું વર્ણન કરી રહ્યો છે, જેથી તમે સમજી લો.
૬૨) ઈમાનવાળાઓ તે જ છે, જેઓ અલ્લાહ તઆલા પર અને તેના પયગંબર પર ઈમાન રાખે છે અને એવી વાતમાં જેમાં લોકોને ભેગા થવાની જરૂર હોય છે, પયગંબર સાથે હોય છે, તો જ્યાં સુધી તમારી પાસે પરવાનગી ન લઇ લે ત્યાં સુધી ક્યાંય જતા નથી, જે લોકો આવા સમયે તમારી પાસે પરવાનગી માંગે છે, ખરેખર તે જ લોકો અલ્લાહ અને તેના પયગંબર પર ઈમાન લાવી ચૂક્યા છે, બસ ! જ્યારે આવા લોકો તમારી પાસે પોતાના કોઈ કામ બાબતે પરવાનગી માંગે તો, તમે તેમના માંથી જેને ઇચ્છો પરવાનગી આપી દો અને તેમના માટે અલ્લાહ તઆલા પાસે માફીની દુઆ માંગો, નિ:શંક અલ્લાહ માફ કરનાર, દયાળુ છે.
૬૩) તમે અલ્લાહ તઆલાના પયગંબરને બોલાવવા માટે એવી ભાષા ન વાપરો, જેવી રીતે અંદરોઅંદર એકબીજાને બોલાવવા માટે વાપરો છો, તમારા માંથી તે લોકોને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે, જેઓ નજર બચાવી હળવેથી હટી જાય છે, સાંભળો ! જે લોકો પયગંબરના આદેશોનો વિરોધ કરે છે તેમણે ડરવું જોઇએ કે ક્યાંક તેમના પર જબરદસ્ત મુસીબત ન આવી પહોંચે અથવા તેમને દુ:ખદાયી યાતના ન પહોંચે.
૬૪) સચેત થઇ જાઓ કે આકાશ અને ધરતીમાં જે કંઇ પણ છે તે બધું જ અલ્લાહનું છે, જે માર્ગ પર તમે છો, તે તેને ખૂબ સારી રીતે જાણે છે અને જે દિવસે આ બધા તેની તરફ ફેરવવામાં આવશે, તે દિવસે તેમને તેમના કર્મોની જાણ કરી દેશે, અલ્લાહ તઆલા બધું જ જાણવાવાળો છે.