ﯛ
surah.translation
.
من تأليف:
رابيلا العُمري
.
ﰡ
ﮑ
ﰀ
૧) હા-મીમ !
૨) આ કિતાબનું અવતરણ અલ્લાહ વિજયી, હિકમતવાળા તરફથી છે.
૩) અમે આકાશ, ધરતી અને તે બન્નેની વચ્ચે દરેક વસ્તુઓને ઉત્તમ યોજના સાથે જ એક નક્કી કરેલા સમય સુધી તૈયાર કરી છે. અને ઇન્કારીઓને જે વસ્તુની ચેતવણી આપવામાં આવે છે (તેનાથી) મોઢું ફેરવી લે છે.
૪) તમે કહી દો ! જૂઓ તો ખરા જેને તમે અલ્લાહના સિવાય પોકારો છો, મને પણ બતાવો કે તેઓએ ધરતીનો કેવો ટુકડો બનાવ્યો છે, અથવા આકાશોમાં તેઓનો કેવો ભાગ છે ? જો તમે સાચા હોય તો આ પહેલાનો કોઇ ગ્રંથ અથવા તે જ્ઞાન જે નકલ કરવામાં આવતુ હોય, મારી પાસે લઇ આવો.
૫) અને તેનાથી વધારે પથભ્રષ્ટ કોણ હશે ? જે અલ્લાહ સિવાય એવા લોકોને પોકારે છે જે કયામત સુધી તેની ફરિયાદ નહીં સાંભળી શકે, પરંતુ તેઓના પોકારવાથી આ લોકો પણ અજાણ છે.
૬) અને જ્યારે લોકોને ભેગા કરવામાં આવશે તો આ (અલ્લાહ સિવાય જેમને તેઓ પોકારે છે) તેઓના શત્રુ થઇ જશે અને તેઓ પોતાની બંદગીનો સાફ ઇન્કાર કરી દેશે,
૭) અને તેઓને જ્યારે અમારી ખુલ્લી આયતો પઢી સંભળાવામાં આવે છે તો ઇન્કારીઓ સાચી વાતને, જ્યારે તેઓ પાસે આવી પહોંચી, કહી દે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.
૮) શું તેઓ કહે છે કે આ (કુરઆન) ને તેણે (મુહમ્મદ સ.અ.વ. એ) પોતે ઘડી કાઢ્યું છે, તમે કહી દો કે જો હું જ આને ઘડી કાઢતો, તો તમે મારા માટે અલ્લાહ તરફથી કોઇ વસ્તુનો અધિકાર ઘરાવતા નથી, તમે આ (કુરઆન) વિશે જે કંઇ પણ સાંભળી રહ્યા છો, તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે, મારા અને તમારા વચ્ચે સાક્ષી માટે તે જ પુરતો છે, અને તે માફ કરનાર દયાળુ છે.
૯) તમે કહી દો ! કે હું કોઇ અનોખો પયગંબર નથી, ન તો મને ખબર છે કે મારી સાથે અને તમારી સાથે શું કરવામાં આવશે, હું તો ફકત તેનું જ અનુસરણ કરુ છું જેની વહી મારા તરફ કરવામાં આવે છે અને હું તો ફકત ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું.
૧૦) તમે કહી દો ! જો આ (કુરઆન) અલ્લાહ જ તરફથી હોય અને તમે તેને ન માનો, અને ઇસ્રાઇલના સંતાનો માંથી કોઇ એક વ્યક્તિ આના જેવા (ગ્રંથ) ની સાક્ષી આપી ચુકયો હોય અને તે ઇમાન પણ લાવી ચુકયો હોય અને તમે વિરોધ કરતા હોય તો પછી અલ્લાહ તઆલા અત્યાચારીઓને માર્ગદર્શન આપતો નથી.
૧૧) અને ઇન્કારીઓએ ઇમાનવાળા વિશે કહ્યુ કે જો આ (ધર્મ) શ્રેષ્ઠ હોત તો આ લોકો અમારા કરતા પહેલા ન પામતા અને તેઓએ આ કુરઆનથી માર્ગદર્શન પ્રાપ્ત નથી કર્યુ, (તેથી) આ લોકો કહી દેશે કે જૂનું જૂઠ છે.
૧૨) અને આ પહેલા મૂસાનો ગ્રંથ આગેવાન અને કૃપાળુ હતો અને આ ગ્રંથ અરબી ભાષામાં તેને સાચું ઠેરવનારૂં છે, જેથી અત્યાચારોને ચેતવણી આપે અને સદાચારી લોકોને ખુશખબર આપે.
૧૩) નિ:શંક જે લોકોએ કહ્યું કે અમારો પાલનહાર અલ્લાહ છે પછી તેના પર અડગ રહ્યા તો તેઓ પર ન તો કોઇ ભય હશે અને ન તો તેઓ ઉદાસ હશે.
૧૪) આ તો જન્નતીઓ છે જે હંમેશા તેમા જ રહેશે, તે કર્મોના બદલામાં જેને તેઓ કરતા હતા,
૧૫) અને અમે માનવીને પોતાના માતા-પિતા સાથે સદવર્તન કરવાનો આદેશ આપ્યો છે, તેની માઁ એ તેને કષ્ટ વેઠીને ગર્ભમાં રાખ્યો અને કષ્ટ વેઠીને તેને જનમ આપ્યો, તેના ગર્ભ અને દુધ છોડવવાનો સમયગાળો ત્રીસ મહીનાનો છે, ત્યાં સુધી કે જ્યારે તે પોતાની પુખ્તવયે અને ચાલીસ વર્ષે પહોંચયો તો કહેવા લાગ્યો “ હે મારા પાલનહાર ! મને સદબુધ્ધિ આપ કે હું તારી તે નેઅમત નો આભાર માનું જે તે મારા પર અને મારા માતા-પિતા પર ઇનામ કરી છે, અને હું એવા સદકાર્યો કરૂં જેનાથી તું પ્રસન્ન થાય અને તું મારી સંતાનને પણ પ્રામાણીક બનાવ, હું તારી તરફ જ માફી માંગુ છું અને હું મુસલમાનો માંથી છું
૧૬) આ જ તે લોકો છે જેમના સદકાર્યો અમે કબૂલ કરીએ છીએ અને જેમના ગુનાહોને માફ કરીએ છીએ. (આ) જન્નતીઓ છે, તે સાચા વચન પ્રમાણે જે તેમને કરવામાં આવતુ હતું.
૧૭) અને જે લોકોએ પોતાના માતા-પિતાને કહ્યુ કે હું તમારાથી તંગ આવી ગયો, તમે મને આ જ કહેતા રહેશો કે હું મૃત્યુ પામ્યા પછી ફરી જીવિત કરવામાં આવીશ, મારા પહેલા પણ સમૂદાયો આવી ચુકયા છે, તે બન્ને અલ્લાહ સામે ફરિયાદ કરે છે, (અને કહે છે) તારા માટે ખરાબી છે તું ઇમાન લઇ આવ, નિ:શંક અલ્લાહનું વચન સાચુ છે, તે જવાબ આપે છે કે આ ફકત આગલા લોકોની વાર્તાઓ છે,
૧૮) આ તે લોકો છે જેમના પર (અલ્લાહની યાતનાનું) વચન સાચુ થઇ ગયું, તે જિન્નાતઓ અને માનવીઓના જૂથ સાથે જેઓ આ પહેલા થઇ ચુકયા છે, નિ:શંક તેઓ નુકસાન ઉઠાવનારા છે
૧૯) અને દરેકને પોતાના કર્મો મુજબ દરજ્જા મળશે, જેથી તેઓને તેમના કર્મોનો પુરે પુરો બદલો આપીએ અને તેઓના પર અત્યાચાર કરવામાં નહી આવે.
૨૦) અને જે દિવસે ઇન્કારી જહન્નમના કિનારા પર લાવવામાં આવશે (કહેવામાં આવશે) તમે તમારા સદકાર્યો દુનિયાના જીવનમાં જ બરબાદ કરી દીધી અને તેના વડે ફાયદો ઉઠાવી લીધો, બસ ! આજે તમને અપમાનજનક યાતના (ની સજા) આપવામાં આવશે, એટલા માટે કે તમે ધરતી પર ઘમંડ કરતા હતા અને એટલા માટે પણ કે તમે આદેશનું પાલન કરતા ન હતા.
૨૧) અને આદના ભાઇને યાદ કરો, જ્યારે કે તેણે પોતાની કોમને અહકાફ (રેતની ટેકરી) માં ડરાવ્યા અને ખરેખર પહેલા પણ ડરાવનારા થઇ ગયા છે અને પછી પણ, કે તમે અલ્લાહ સિવાય કોઇની બંદગી ન કરો. નિ:શક મને તમારા પર એક મોટા દિવસની યાતનાનો ભય છે.
૨૨) કોમે જવાબ આપ્યો, શું તમે અમારી પાસે એટલા માટે આવ્યા છો કે અમને અમારા પૂજ્યો (ની બંદગી) થી છેટા રાખો ? બસ ! જો તમે સાચા છો તો જે યાતનાનું તમે વચન કરી રહ્યા છો તેને અમારા પર લાવી બતાવો.
૨૩) (હુદ અ.સ. એ) કહ્યું, (તેનું) જ્ઞાન તો અલ્લાહ જ પાસે છે, મને તો જે આદેશ આપી મોકલવામાં આવ્યો હતો તેને હું પહોંચાડી રહ્યો છું, પરંતુ હું જોઇ રહ્યો છું કે તમે લોકો અજાણ બની રહ્યા છો.
૨૪) પછી જ્યારે તેઓએ યાતનાને વાદળોના રૂપમાં જોઇ, પોતાની વાદીઓ તરફ આવતા, તો કહેવા લાગ્યા આ વાદળ અમારા પર વરસવાનું છે, (ના) પરંતુ ખરેખર આ વાદળ તે (યાતના) છે જેના માટે તમે ઉતાવળ કરતા હતા, હવા છે જેમાં દુ:ખદાયી યાતના છે.
૨૫) જે પોતાના પાલનહારના આદેશથી દરેક વસ્તુને નષ્ટ કરી નાખશે, બસ ! તેઓ એવા થઇ ગયા કે તેઓને તેમના મકાનો સિવાય કશું જ દેખાતું ન હતું, ગુનેહગારોના જૂથને અમે આવી જ સજા આપીએ છીએ.
૨૬) અને નિ:શંક અમે (આદની કોમ) ને એવા મકાનો આપ્યા હતા જે તમને આપ્યા પણ નથી, અને અમે તેઓને કાન, આંખો અને હૃદય પણ આપી રાખ્યા હતા, પરંતુ તેઓના કાનો, આંખો અને હૃદયોએ તેઓને કંઇ પણ ફાયદો ન પહોંચાડયો જ્યારે કે તે અલ્લાહ તઆલાની આયતો ઇન્કાર કરવા લાગ્યા અને જે વસ્તુનો મજાક તે લોકો ઉડાવતા હતા, તે જ તેમના પર આવી પહોંચી.
૨૭) અને નિ:શંક અમે તમારી આજુબાજુની વસાહતોને નષ્ટ કરી નાખી અને અમે અલગ અલગ નિશાનીઓ બયાન કરી દીધી, જેથી તેઓ પાછા ફરી જાય.
૨૮) બસ ! અલ્લાહની નજીક જવા માટે તેઓએ અલ્લાહના સિવાય જેમને પણ પોતાના પુજ્યો બનાવી રાખ્યા હતા, તેઓએ તેમની મદદ કેમ ન કરી ? પરંતુ તે તો તેઓનાથી ગુમ થઇ ગયા, (પરંતુ ખરેખર) આ તો તેઓનું ખુલ્લુ જુઠ અને નિંદા હતી.
૨૯) અને યાદ કરો જ્યારે કે અમે જિન્નોના એક જૂથને તારી તરફ ધ્યાન દોરયું કે તેઓ કુરઆન સાંભળે. બસ ! જ્યારે (પયગંબરની) પાસે પહોંચી ગયા તો (એક-બીજાને) કહેવા લાગ્યા, શાંત થઇ જાવ, પછી જ્યારે પુરૂ થઇ ગયું તો પોતાની કોમને ચેતવણી આપવા માટે પાછા ફરી ગયા.
૩૦) કહેવા લાગ્યા કે હે અમારી કોમ ! અમે ખરેખર તે કિતાબ સાંભળી છે જે મૂસા પછી અવતરિત કરવામાં આવી છે, જે પોતાના પહેલા ગ્રંથોની પુષ્ટી કરવાવાળી છે, જે સાચા ધર્મનું અને સાચા માર્ગનું સૂચન કરે છે.
૩૧) હે અમારી કોમ ! અલ્લાહ તરફ પોકારવાવાળાની વાત માનો, તેના પર ઇમાન લાવો, તો અલ્લાહ તમારા ગુનાહને માફ કરી દેશે અને તમને દૂ:ખદાયી યાતનાથી બચાવશે.
૩૨) અને જે વ્યક્તિ અલ્લાહ તરફ પોકારવાવાળાની વાત નહી માને, બસ ! તે ધરતી પર ક્યાંય (ભાગીને અલ્લાહને) અસક્ષમ નહીં કરી શકે અને ન અલ્લાહ સિવાય કોઇ તેઓના મદદ કરવાવાળા હશે. આ લોકો ખુલ્લા ગેરમાર્ગે છે.
૩૩) શું તેઓ નથી જોતા કે જે અલ્લાહએ આકાશો અને ધરતીઓનું સર્જન કર્યુ અને તેઓના સર્જન કરવાથી તે ન થાકયો, તે ખરેખર મૃતકોને જીવિત કરવા પર શક્તિમાન છે. કેમ નહી જે નિ:શંક દરેક વસ્તુ પર શક્તિમાન છે.
૩૪) તે લોકો, જેઓએ ઇન્કાર કર્યો જે દિવસે જહન્નમ સામે લાવવામાં આવશે (અને તેઓથી કહેવામાં આવશે કે) શું આ સત્ય નથી ? તો જવાબ આપશે કે હાં, સોગંદ છે અમારા પાલનહારના, (સત્ય છે). અલ્લાહ કહેશે હવે પોતાના ઇન્કારના બદલામાં યાતનાની મજા ચાખો.
૩૫) બસ ! (હે પયગંબર) તમે એવું ધૈર્ય રાખો જેવું ધૈર્ય હિમ્મતવાળા પયગંબરો રાખ્યું અને તેઓ માટે (યાતના માટે) જલ્દી ન કરો, આ (લોકો) જે દિવસે તે (યાતના) ને જોઇ લેશે જેનું વચન કરવામાં આવી રહ્યું છે, તો (એવું લાગશે કે) દિવસની એક ક્ષણ જ (દૂનિયામાં) રહ્યા હતા, આ છે આદેશ આપી દેવું, બસ ! અવજ્ઞાકારી સિવાય કોઇ નષ્ટ કરવામાં નહી આવે.