ﯯ
                    surah.translation
            .
            
    
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            ﰡ
૧)  હે પયગંબર ! જે વસ્તુને અલ્લાહએ તમારા માટે હલાલ કરી દીધી છે, તેને તમે કેમ હરામ ઠેરવો છો ? (શું) તમે પોતાની પત્નીઓની ખુશી  પ્રાપ્ત  કરવા  માંગો  છો.  અને  અલ્લાહ  ક્ષમા કરવાવાળો,દયાળુ છે.
                                                                        ૨)  અલ્લાહએ તમારા માટે સોગંદોને તોડવાની (પધ્ધતિ) નક્કી કરેલ છે,  અને  અલ્લાહ  તમારો  માલિક  છે  અને  તે  જ  જાણનાર, હિકમતવાળો છે.
                                                                        ૩)  અને યાદ કરો જ્યારે પયગંબરે પોતાની કેટલીક પત્નીઓને એક ખાનગી વાત કહી, બસ ! તેણીએ તે વાત કહીં દીધી અને અલ્લાહએ પોતાના પયગંબરને તેની જાણ કરી, તો પયગંબરએ થોડીક વાતતો કહી દીધી અને થોડીક વાતને ટાળી દીધી, પછી જ્યારે પયગંબરે પોતાની તે પત્નીને આ વાત કહી તો તે કહેવા લાગી, આની ખબર તમને કોણે આપી ? કહ્યું બધુ જ જાણનાર, દરેક ખબર રાખનાર અલ્લાહએ મને જાણ કરી.
                                                                        ૪)  (હે પયગંબરની બન્ને પત્નીઓ) જો તમે બન્ને અલ્લાહ સામે તૌબા કરી લો (તો ઘણુ જ સારૂ છે) નિ:શંક તમારા દિલ ઝૂકી પડયા છે અને જો તમે પયગંબરના વિરોધ એકબીજાની મદદ કરશો (તો જાણી લો) તેનો (પયગંબરનો) મદદગાર અલ્લાહ છે અને જિબ્રઇલ છે અને સદાચારી ઇમાનવાળાઓ અને તેમના સિવાય ફરિશ્તાઓ પણ મદદ કરનાર છે.
                                                                        ૫)   જો તે (પયગંબર) તમને તલાક આપી દે તો નજીકમાં જ તેમને તેમનો  પાલનહાર  તમારા  બદલામાં  તમારાથી  ઉત્તમ  પત્નીઓ મેળવશે,  જે  ઇસ્લામવાળી,  ઇમાનવાળી,  અલ્લાહ  ની  સામે ઝૂકવાવાળી,  તૌબા  કરવાવાળી,  બંદગી  કરવાવાળી,  રોઝા રાખવાવાળી હશે, વિધવા અને કુમારીકાઓ.
                                                                        ૬)   હે ઇમાનવાળાઓ ! તમે પોતાને અને પોતાના ઘરવાળાઓને તે આગથી બચાવો જેનું ઇંધણ માનવીઓ અને પત્થર છે, જેના પર સખત  દિલવાળા,  ક્ડક  ફરિશ્તાઓ  નક્કી  છે,  જેમને  જે  આદેશ અલ્લાહ  આપે  છે  તેની  અવજ્ઞા  નથી  કરતા,  પરંતુ  જે  આદેશ આપવામાં આવે છે કરી નાખે છે.
                                                                        ૭)   હે  ઇન્કારીઓ  !  આજે  તમે  બહાનું  ન  કરો,  તમને  ફકત  તમારા કાર્યોનો બદલો આપવામાં આવે છે.
                                                                        ૮)  હે ઇમાનવાળાઓ ! તમે અલ્લાહની સમક્ષ સાચ્ચી, નિખાલસતાથી તૌબા કરો. નજીક છે કે તમારો પાલનહાર તમારા ગુનાહ દૂર કરી દેં અને તમને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહી રહી છે, જે દિવસે અલ્લાહ તઆલા પયગંબર અને ઇમાનવાળાઓને જે તેમની સાથે છે તેમને અપમાનિત નહીં કરે. તેમનો પ્રકાશ તેમની સામે અને તેમની જમણી બાજુએ ફરશે. તેઓ દુઆઓ કરતા હશે, હે અમારા પાલનહાર ! અમને પરિપૂર્ણ પ્રકાશ આપ અને અમને માફ કરી દેં. ખરેખર તું દરેક વસ્તુ પર શક્તિમાન છે.
                                                                        ૯)  હે પયગંબર ! ઇન્કારીઓ અને મુનાફિકો (ઢોંગીઓ) સાથે જેહાદ કરો, અને તેઓ પર સખતી કરો, તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે અત્યંત ખરાબ ઠેકાણું છે.
                                                                        ૧૦)  અલ્લાહ  તઆલાએ  ઇન્કારીઓ  માટે  નૂહ  અને  લૂત  અ.સ.  ની પત્નીઓનું ઉદાહરણ બયાન કર્યુ, આ બન્ને અમારા બંદાઓ માંથી બે સદાચારી બંદાઓના ઘરમાં હતી, પછી તેણીઓએ તેમની સાથે વિશ્ર્વાસઘાત કર્યો, બસ ! તે બન્ને (સદાચારી બંદાઓ) તેમનાથી અલ્લાહની (કોઇ યાતના) ન રોકી શક્યા અને આદેશ આપી દેવામાં આવ્યો (હે સ્ત્રીઓ) જહન્નમ માં જનારાઓ સાથે તમે બન્ને પણ જતી રહો.
                                                                        ૧૧) અને અલ્લાહ તઆલાએ ઇમાનવાળાઓ માટે ફિરઔન ની પત્નીનું ઉદાહરણ બયાન કર્યુ, જ્યારે કે તેણે દુઆ કરી કે હે મારા પાલનહાર ! મારા માટે પોતાની પાસે જન્નતમાં ઘર બનાવી દે. અને મને ફિરઔન  અને  તેના  (ખરાબ)  કાર્યોથી  બચાવી  લે  અને  મને અત્યાચારી લોકોથી બચાવી લે.
                                                                        ૧૨) અને (ઉદાહરણ આપ્યું) ઇમરાન ની દિકરી મરયમનું, જેણે પોતાની પ્રતિષ્ઠાની રક્ષા કરી, પછી અમે અમારા તરફથી તેમાં જીવ ફૂંકી દીધો અને તેણીએ (મરયમ) પોતાના પાલનહારની વાતો અને તેની કિતાબોની પુષ્ટિ કરી અને બંદગી કરનારાઓ માંથી હતી.