surah.translation .
من تأليف: رابيلا العُمري .

૧) અલિફ-લામ્-મિમ્
૨) રૂમના લોકો હારી ગયા.
૩) નજીકની ધરતી પર અને તેઓ હારી ગયા, પછી થોડા સમય પછી વિજય મેળવશે.
૪) થોડાંક વર્ષો માંજ. આ પહેલા અને પછી પણ અધિકાર તો અલ્લાહ તઆલાનો જ છે, તે દિવસે મુસલમાન ખુશ હશે.
૫) અલ્લાહની મદદ વડે, તે જેની મદદ કરવા ઇચ્છે છે, કરે છે, ખરેખર વિજયી અને દયાળુ તે જ છે.
૬) અલ્લાહનું વચન છે, અલ્લાહ તઆલા પોતાના વચનનો ભંગ નથી કરતો. પરંતુ ઘણા લોકો જાણતા નથી.
૭) તેઓ (ફક્ત) દુનિયાના જીવનનું જાહેર જ જાણે છે અને આખેરતથી તદ્દન અજાણ છે.
૮) શું તે લોકોએ પોતાના હૃદયમાં એવો વિચાર ન કર્યો, કે અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતી તથા તે બન્ને વચ્ચે જે કંઈ પણ છે બધાનું ઉત્તમ રીતે, નક્કી કરેલ સમય સુધી (જ) સર્જન કર્યું. ઘણા લોકો, ખરેખર, પોતાના પાલનહારની મુલાકાતનો ઇન્કાર કરે છે.
૯) શું તેઓએ ધરતી પર હરીફરીને ન જોયું કે તેમનાથી પહેલાના લોકોની દશા કેવી થઇ ? તેઓ તેમના કરતા વધારે બળવાન હતા અને તે લોકો ધરતી (પણ) ખેડતા હતા, તેમના કરતા વધારે વસાવી હતી અને તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા હતાં, આ શક્ય જ નથી કે અલ્લાહ તઆલા તેમના પર અત્યાચાર કરતો, પરંતુ તેઓ પોતે પોતાના પર અત્યાચાર કરતા હતા.
૧૦) છેવટે ખરાબ કાર્યો કરનારની દશા ખૂબ જ ખરાબ થઇ, એટલા માટે કે તેઓ અલ્લાહની આયતોને જુઠલાવતા હતા અને તેના વિશે ઠઠ્ઠામશ્કરી કરતા હતા.
૧૧) અલ્લાહ તઆલા જ સર્જનની શરૂઆત કરે છે, તે જ તેમનું બીજી વાર સર્જન કરશે, પછી તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
૧૨) અને જે દિવસે કયામત આવશે, તો અપરાધીઓ સ્તબ્ધ થઇ જશે.
૧૩) અને તેમના બધા ભાગીદારો માંથી એક પણ તેમની ભલામણ કરનાર નહીં હોય અને (પોતે પણ) પોતાના ભાગીદારોના ઇન્કાર કરનારા બની જશે.
૧૪) અને જે દિવસે કયામત આવશે, તે દિવસે (જૂથો) અલગ-અલગ થઇ જશે.
૧૫) જેઓ ઈમાન લાવી સત્કાર્યો કરતા રહ્યા, તેમને જન્નતમાં ખુશ કરી દેવામાં આવશે.
૧૬) જે લોકોએ ઇન્કાર કર્યો અને અમારી આયતો તથા આખેરતની મુલાકાતને જુઠલાવી, તે બધાને યાતના આપવા માટે હાજર કરવામાં આવશે.
૧૭) બસ ! અલ્લાહ તઆલાના નામનું સ્મરણ કરતા રહો, સવાર અને સાંજના સમયે.
૧૮) દરેક પ્રકારની પ્રશંસાનો હકદાર, આકાશ અને ધરતીમાં ફક્ત તે (અલ્લાહ) છે. બપોર અને રાત્રિના સમયે પણ. (તેની પવિત્રતાનું વર્ણન કરતા રહો)
૧૯) તે (અલ્લાહ) જ જીવિતને મૃત માંથી અને મૃતને જીવિત માંથી કાઢે છે અને તે જ ધરતીને તેના મર્યા પછી જીવિત કરે છે, આવી જ રીતે તમને (પણ) ઉઠાડવામાં આવશે.
૨૦) અલ્લાહની નિશાનીઓ માંથી છે કે તેણે તમારું સર્જન માટી વડે કર્યું, પછી તમે માનવી બનીને ફેલાઇ ગયા છો.
૨૧) અને તેની નિશાનીઓ માંથી છે કે તમારા માંથી જ તમારી પત્નીઓનું સર્જન કર્યું, જેથી તમે તેમના દ્વારા શાંતિ મેળવો, તેણે તમારી વચ્ચે પ્યાર અને સહાનુભૂતિ મૂકી દીધી, ખરેખર ચિંતન કરનારાઓ માટે આમાં ઘણી નિશાનીઓ છે.
૨૨) અને તેની નિશાનીઓ માંથી આકાશો અને ધરતીનું સર્જન અને તમારી ભાષાઓ અને રંગોનો તફાવત (પણ) છે, બુદ્ધિશાળી લોકો માટે આમાં ખરેખર ઘણી નિશાનીઓ છે.
૨૩) અને તેની નિશાનીઓ માંથી તમારી રાત અને દિવસની નિંદ્રા છે અને તેની કૃપા (એટલે કે રોજી)ને શોધવી પણ છે, જે લોકો સાંભળે છે તેમના માટે આમાં ઘણી નિશાનીઓ છે.
૨૪) અને તેની નિશાનીઓ માંથી એક એ (પણ) છે કે તે તમને ડરાવવા અને આશા જગાવવા વીજળીઓ બતાવે છે અને આકાશ માંથી વરસાદ વરસાવે છે અને તેના વડે મૃત ધરતીને જીવિત કરી દે છે, આમાં (પણ) બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
૨૫) તેની એક નિશાની એ પણ છે કે આકાશ અને ધરતી તેના જ આદેશથી ચાલે છે, પછી જ્યારે તે તમને પોકારશે, ફક્ત એક જ વારના અવાજ સાથે તમે સૌ ધરતી માંથી નીકળી આવશો.
૨૬) અને ધરતી તથા આકાશની દરેક વસ્તુનો માલિક તે જ છે અને દરેક તેના આદેશનું અનુસરણ કરે છે.
૨૭) તે જ છે, જે પ્રથમ વાર સર્જન કરે છે અને ફરીવાર જીવિત કરશે અને આવું તો તેના માટે ખૂબ જ સરળ છે. તેના જ ગુણો ઉત્તમ છે આકાશો અને ધરતીમાં પણ, અને તે જ વિજયી, હિકમતવાળો છે.
૨૮) અલ્લાહ તઆલાએ તમારા માટે એક ઉદાહરણ તમારા માંથી જ વર્ણવ્યું છે, જે કંઈ અમે તમને આપી રાખ્યું છે, શું તેમાં તમારા દાસો માંથી કોઇ તમારો ભાગીદાર છે ? કે તમે અને તે તેમાં સમકક્ષ હોય ? અને તમે તેમનો એવો ભય રાખો છો જેવો પોતાના લોકોનો. અમે બુદ્ધિશાળી લોકો માટે આવી જ રીતે સ્પષ્ટ રીતે આયતોનું વર્ણન કરીએ છીએ.
૨૯) પરંતુ વાત એવી છે કે આ અત્યાચારી જ્ઞાન વગર જ મનેચ્છાઓનું અનુસરણ કરી રહ્યા છે, તેમને કોણ માર્ગ બતાવે જેને અલ્લાહ માર્ગથી હટાવી દે. તેમની મદદ કરનાર એક પણ નથી.
૩૦) બસ ! તમે એકાગ્ર થઇ પોતાનું મોઢું દીન તરફ કરી દો, અલ્લાહ તઆલાની તે ફિતરત, જેના માટે તેણે લોકોનું સર્જન કર્યું, અલ્લાહ તઆલાની બનાવટમાં ફેરબદલ કરવો નહીં, આ જ સાચો દીન છે, પરંતુ ઘણા લોકો સમજતા નથી.
૩૧) અલ્લાહ તઆલા તરફ રજૂ થઇ, તેનાથી ડરતા રહો અને નમાઝ પઢતા રહો અને મુશરિક લોકો માંથી ન થઇ જાવ.
૩૨) તે લોકો માંથી જેમણે પોતાના દીનના ટુકડે ટુકડા કરી નાખ્યા અને પોતે પણ અલગ-અલગ થઇ ગયા, દરેક જૂથ તેમની પાસે જે કંઈ છે, તેમાં મગ્ન છે.
૩૩) લોકોને જ્યારે પણ કોઇ તકલીફ પહોંચે છે તો પોતાના પાલનહાર તરફ રજૂ થઇ દુઆ કરે છે, પછી જ્યારે તે (અલ્લાહ) પોતાના તરફથી દયા કરે છે તો તેમના માંથી એક જૂથ પોતાના પાલનહારનો ભાગીદાર ઠેરવે છે.
૩૪) જેથી તેઓ, તે વસ્તુ માટે આભાર વ્યક્ત ન કરે, જે અમે તેમને આપી છે, સારું, તમે ફાયદો ઉઠાવી લો, નજીક માંજ તમને ખબર પડી જશે.
૩૫) શું અમે તેમના વિશે કોઇ પુરાવા મોકલ્યા છે ? જે આને બયાન કરતી હોય, જેને આ લોકો અલ્લાહના ભાગીદાર ઠેરવે છે.
૩૬) અને જ્યારે અમે લોકો પર દયા કરીએ છીએ તો તેઓ રાજી થઇ જાય છે અને જો તેમને તેમના હાથોના કરતૂતોના કારણે કોઇ તકલીફ પહોંચે તો અચાનક તેઓ નિરાશ થઇ જાય છે.
૩૭) શું તે લોકોએ એવું નથી જોયું કે અલ્લાહ તઆલા જેને ઇચ્છે પુષ્કળ રોજી આપે છે અને જેને ઇચ્છે તંગ, આમાં પણ ઈમાનવાળાઓ માટે નિશાનીઓ છે.
૩૮) બસ ! કુટુંબીજનોને, લાચારને, મુસાફરને-દરેકને તેમનો અધિકાર આપો, આ તેમના માટે ઉત્તમ છે, જે અલ્લાહ તઆલાનું મોઢું જોવા ઇચ્છતો હોય, આવા જ લોકો છુટકારો પામનાર છે.
૩૯) તમે જે વ્યાજ પર આપો છો, લોકોના માલમાં વધારો થાય, તે અલ્લાહ પાસે નથી વધતો અને જે કંઈ સદકો, ઝકાત તમે અલ્લાહ તઆલાનું મોઢું જોવા માટે આપો તો આવા લોકો જ બમણું વળતર પામશે.
૪૦) અલ્લાહ તઆલા તે છે, જેણે તમારું સર્જન કર્યું, પછી રોજી આપી, પછી મૃત્યુ આપશે, પછી જીવિત કરશે, જણાવો તમે ઠેરવેલ ભાગીદારો માંથી કોઇ એવું છે, જે આમાંથી કંઈ પણ કરી બતાવે, અલ્લાહ તઆલા માટે પવિત્રતા અને પ્રાથમિકતા છે દરેક તે ભાગીદારથી, જેને આ લોકો ઠેરવે છે.
૪૧) ધરતી અને સમુદ્રમાં લોકોના અપરાધના કારણે વિદ્રોહ ફેલાઇ ગયો, એટલા માટે કે તેમને તેમના કેટલાક કરતુતોનો બદલો અલ્લાહ તઆલા ચખાડી દે, શક્ય છે કે તેઓ સુધારો કરી લે.
૪૨) ધરતી પર હરીફરીને જુઓ તો ખરા કે પહેલાના લોકોની દશા કેવી થઇ ? જેમાં ઘણા લોકો મુશરિક હતા.
૪૩) બસ ! તમે તમારો ચહેરો તે સાચા અને સીધા દીન તરફ જ રાખો, એ પહેલા કે તે દિવસ આવી જાય, જેને ટાળી દેવું અલ્લાહ તરફથી છે જ નહીં, તે દિવસે સૌ અલગ-અલગ થઇ જશે.
૪૪) ઇન્કાર કરવાવાળાઓ માટે તેમના ઇન્કારની (તકલીફ) હશે અને સત્કાર્યો કરનાર પોતાની જ રહેવાની જગ્યાને શણગારી રહ્યા છે.
૪૫) જેથી અલ્લાહ તઆલા તેમને પોતાની કૃપાથી બદલો આપે, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેઓ ઇન્કાર કરનારાઓને મિત્ર નથી બનાવતા.
૪૬) તેની નિશાનીઓ માંથી ખુશખબર આપનારી હવાઓને મોકલવી પણ છે, એટલા માટે કે તમારા પર પોતાની કૃપા કરે અને એટલા માટે કે તેના આદેશથી હોડીઓ ચાલે અને એટલા માટે કે તેની કૃપાને તમે શોધો અને એટલા માટે કે તમે આભાર વ્યક્ત કરો.
૪૭) અને અમે તમારાથી પહેલા પણ પોતાના પયગંબરોને તેમની કોમ તરફ મોકલ્યા, તેઓ તેમની પાસે પુરાવા લાવ્યા, પછી અમે અપરાધીઓને સજા આપી, અમારા માટે ઈમાનવાળાઓની મદદ કરવી જરૂરી છે.
૪૮) અલ્લાહ તઆલા હવાઓને ચલાવે છે, તે વાદળને ઉઠાવે છે, પછી અલ્લાહ તઆલા પોતાની ઇચ્છા પ્રમાણે તેને આકાશમાં ફેલાવી દે છે અને તેના ટુકડે ટુકડા કરી નાખે છે, પછી તમે જુઓ છો કે તેની અંદરથી ટીંપા નીકળે છે અને જેમને અલ્લાહ ઇચ્છે, તે બંદાઓ પર પાણી વરસાવે છે. તો તેઓ રાજી થઇ જાય છે.
૪૯) નિ:શંક વરસાદ તેમના પર વરસતા પહેલા તેઓ નિરાશ થઇ રહ્યા હતા.
૫૦) બસ ! તમે અલ્લાહની કૃપાની નિશાનીઓને જુઓ કે નિષ્પ્રાણ ધરતીને કેવી રીતે અલ્લાહ તેને જીવિત કરે છે ? કોઇ શંકા નથી કે તે જ મૃતકોને જીવિત કરનાર છે અને તે દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
૫૧) અને જો અમે વાવાઝોડું ચલાવી દઇએ તો આ લોકો તે ખેતરોને સૂકાયેલા જોઇ લે, ત્યાર પછી તે લોકો કૃતઘ્ન બની જાય.
૫૨) નિ:શંક તમે મૃતકોને સંભળાવી નથી શક અને ન તો બહેરાને પોતાનો અવાજ સંભળાવી શકો છો, જ્યારે તેઓ પીઠ ફેરવી પાછા ફરી ગયા હોય.
૫૩) અને ન તમે આંધળાઓને તેમની પથભ્રષ્ટતા માંથી બચાવી તેમને સત્ય માર્ગ તરફ લાવી શકો છો, તમે ફક્ત તે લોકોને જ સંભળાવો છો જેઓ અમારી આયતો પર ઈમાન ધરાવે છે. બસ ! તે જ લોકો અનુસરણ કરનારા છે.
૫૪) અલ્લાહ તઆલા તે છે, જેણે તમારું સર્જન નબળી સ્થિતિમાં કર્યું, તે નબળાઇ પછી શક્તિ આપી, તે શક્તિ પછી નબળાઇ અને વૃદ્ધાવસ્થા આપી, જેમ ઇચ્છે છે, તેમ સર્જન કરે છે, તે બધાને સારી રીતે જાણે છે અને બધા પર સંપૂર્ણ શક્તિ ધરાવે છે.
૫૫) અને જે દિવસે કયામત આવી જશે, અપરાધી લોકો સોગંદ ખાશે કે (દુનિયામાં) એક ક્ષણથી વધારે નથી રહ્યા, આવી જ રીતે આ લોકો પથભ્રષ્ટ જ રહેશે.
૫૬) અને જે લોકોને જ્ઞાન અને ઈમાન આપવામાં આવ્યું તેઓ જવાબ આપશે કે તમે તો કયામતના દિવસ સુધી રહ્યા, જેવું કે અલ્લાહની કિતાબમાં જણાવ્યું છે, આજનો આ દિવસ કયામતનો છે, પરંતુ તમે માનતા જ નહતા.
૫૭) બસ ! તે દિવસે અત્યાચારીઓને તેમનું બહાનું કંઈ જ કામ નહીં આવે અને ન તો તેમની પાસે તૌબા અને કાર્યો માંગવામાં આવશે.
૫૮) નિ:શંક અમે આ કુરઆનમાં લોકોની સામે સંપૂર્ણ ઉદાહરણો વર્ણવી દીધા, તમે તેમની પાસે કોઇ પણ નિશાની લાવો, ઇન્કાર કરનારાઓ તો એવું જ કહેશે કે તમે તદ્દન જુઠ્ઠા છો.
૫૯) અલ્લાહ તઆલા તે લોકોના હૃદયો પર મહોર લગાવી દે છે, જેઓ સમજતા નથી.
૬૦) બસ ! તમે ધીરજ રાખો, નિ:શંક અલ્લાહનું વચન સાચું છે. તમને તે લોકો નિરાશ ન કરે, જેઓ યકીન નથી ધરાવતા.