surah.translation .
من تأليف: رابيلا العُمري .

૧) નિ:શંક અલ્લાહ તઆલાએ તે સ્ત્રીની વાત સાંભળી જે તારાથી પોતાના પતિ બાબત રકઝક કરી રહી હતી અને અલ્લાહ તઆલાથી ફરિયાદ કરી રહી હતી. અલ્લાહ તઆલા તમારા બન્નેના પ્રશ્ર્નોત્તર સાંભળી રહ્યો હતો. નિ:શંક અલ્લાહ તઆલા સાંભળવાવાળો, જોવાવાળો છે.
૨) તમારા માંથી જે લોકો પોતાની પત્નિઓ સાથે ઝિહાર (એટલે કે પોતાની પત્નિને માં જેવી કહેવું) કરે છે તે ખરેખર તેમની માં નથી બની જતી, તેમની માં તો તે જ છે જેમના પેટથી તેઓ પેદા થયા, નિ:શંક આ લોકો એક બેકાર અને જુઠી વાત કહે છે. નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરવાવાળો છે.
૩) જે લોકો પોતાની પત્નિઓથી ઝિહાર કરે, પછી પોતાની કહેલી વાતથી પાછા ફરે તો તેમના પર એક બીજાને હાથ લગાવતાં પહેલા એક દાસને આઝાદ કરવો પડશે, તેના વડે તમને શિખામણ આપવામાં આવે છે. અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોને ખુબ જાણે છે.
૪) હાં, જે વ્યક્તિ (દાસ આઝાદ કરવાની) ક્ષમતા ન ધરાવતો હોય તો તેના પર બે માસના લાગલગાટ રોઝા છે. તે પહેલા કે એક બીજાને હાથ લગાવે, અને જે વ્યક્તિને તેની ક્ષમતા પણ ન ધરાવે તેના પર સાહીઠ (60) લાચારોને ખાવાનું ખવડાવવાનું છે, આ એટલા માટે કે તમે અલ્લાહ અને તેના પયગંબરના આદેશનું પાલન કરો, આ અલ્લાહ તઆલાની નક્કી કરેલ મર્યાદાઓ છે અને ઇન્કારીઓ માટે જ દુ:ખદાયી યાતના છે.
૫) નિ:શંક જે લોકો અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરે છે તે અપમાનિત કરવામાં આવશે, જેમકે આથી પહેલાના લોકોને અપમાનિત કરવામાં આવ્યા અને નિ:શંક અમે ખુલ્લી આયતો ઉતારી ચુકયા છે અને ઇન્કારીઓ માટે તો અપમાનિત કરી દેનારી યાતના છે.
૬) જે દિવસે અલ્લાહ તઆલા તે દરેક લોકોને જીવિત કરશે. ફરી તેમને તેમના કરેલા કાર્યોથી ખબરદાર કરશે, જેને અલ્લાહ એ ગણી- ગણીને સુરક્ષિત રાખ્યા અને જેને તે ભુલી ગયા હતા, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુથી ખુબ જ વાકેફ છે.
૭) શું તમે નથી જોયું કે અલ્લાહ આકાશોની અને ધરતીની દરેક વસ્તુથી વાકેફ છે. ત્રણ માનવીઓની વાતચીત નથી થતી પરંતુ અલ્લાહ તેમાંથી ચોથો હોય છે અને પાંચની પરંતુ તેમાંથી છઠ્ઠો તે હોય છે અને તેનાથી ઓછાની અને વધારેની પરંતુ તે સાથે જ હોય છે, જ્યાં પણ તેઓ હોય. ફરી કયામતના દિવસે તેમને તેમના કાર્યોથી ખબરદાર કરશે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુથી વાકેફ છે.
૮) શું તમે તે લોકોને નથી જોયા ? જે લોકોને ગુસપુસ કરવાથી રોકવામાં આવ્યા હતા, તેઓ રોકવા છતાં તે કાર્યને ફરીવાર કરે છે અને તેઓ અંદર-અંદર પાપ, અતિરેક અને પયગંબરની અવજ્ઞાની ગુસપુસ કરે છે અને જ્યારે તમારી પાસે આવે છે તો તમને તે શબ્દો વડે સલામ કરે છે જે શબ્દોમાં અલ્લાહ તઆલાએ નથી કહ્યું અને પોતાના મનમાં કહે છે કે અલ્લાહ તઆલા અમને તેના પર જે અમે કહી રહ્યા છે શિક્ષા કેમ નથી આપી રહ્યો, તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ જશે. તો તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
૯) હે ઇમાનવાળાઓ ! તમે જ્યારે વાતચીત કરો તો આ વાતચીત ગુનાહ , અતિરેક અને પયગંબરની અવજ્ઞા તરફ (ઉભારતી) ન હોય, પરંતુ ભલાઇ અને સયંમની વાતચીત કરો અને અલ્લાહથી ડરતા રહો, જેની પાસે તમે સૌ ભેગા કરવામાં આવશો.
૧૦) ગુસપુસ એ તો એક શેતાની કામ છે જેનાથી ઇમાનવાળોને ઠેસ પહોંચે. જોકે અલ્લાહ તઆલાની ઇચ્છા વગર તેમને કોઇ ઠેસ પહોંચાડી શકતું નથી. અને ઇમાનવાળાઓ અલ્લાહ પર જ વિશ્ર્વાસ રાખે.
૧૧) હે મુસલમાનો ! જ્યારે તમને કહેવામાં આવે કે સભાઓમાં થોડા ખુલ્લા બેસો તો તમે ખુલ્લા બેસી જાવ, જેથી અલ્લાહ તમને(દરેક વસ્તુઓમાં) વધારે આપશે, અને જ્યારે કહેવામાં આવે કે ઉભા થઇ જાવ તો તમે ઉભા થઇ જાવ, અલ્લાહ તઆલા તમારા માંથી તે લોકોના, જે ઇમાન વાળાઓ છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, દરજ્જાઓ ઊંચા કરી દેશે અને અલ્લાહ તઆલા (દરેક કાર્યથી) જે તમે કરી રહ્યા છો (ખુબ જ ) વાકેફ છે.
૧૨) હે મુસલમાનો ! જ્યારે તમે પયગંબરથી વાતચીત કરવા ઇચ્છો તો પોતાની વાતચીત પહેલા કંઇક સદકો (દાન) આપી દો આ તમારા માટે ઉત્તમ અને પવિત્ર છે, હાં જો તમે (સદકો) ન પામો તો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર અને દયાળુ છે.
૧૩) શું તમે પોતાની વાતચીત પહેલા સદકો આપવાથી ડરી ગયા ? બસ જ્યારે તમે આવું ન કર્યુ અને અલ્લાહ તઆલાએ પણ તમને માફ કરી દીધા તો હવે (ખુબ જ સારી રીતે ) નમાઝ હંમેશા પઢતા રહો, ઝકાત આપતા રહો અને અલ્લાહ તઆલાની અને તેના પયગંબરનું આજ્ઞાપાલન કરતા રહો, તમે જે કંઇ પણ કરો છો તે (બધા થી) અલ્લાહ (ખુબ જ) જાણકાર છે.
૧૪) શું તમે તે લોકોને નથી જોયા ? જેમણે તે કોમ સાથે મિત્રતા કરી જેના પર અલ્લાહ ખુબ જ ગુસ્સે થઇ ચુકયો છે, ન તો આ (ઢોંગી) તમારા છે અને ન તેમના છે,
જાણવા છતાં જુઠી વાતો પર સોગંદો ખાઇ રહ્યા છે.
૧૫) અલ્લાહ તઆલા એ તેમના માટે સખત યાતના તૈયાર કરી રાખી છે, ખરેખર જે (કૃત્યો) તેઓ કરી રહ્યા છે ખરાબ કરી રહ્યા છે.
૧૬) તે લોકોએ તો પોતાની સોગંદોને આડ બનાવી રાખી છે અને લોકોને અલ્લાહના માર્ગથી રોકી રહ્યા છે તેમના માટે અપમાનજનક યાતના છે.
૧૭) તેમનું ધન અને સંતાનો અલ્લાહ પાસે કંઇ જ કામ નહીં આવે, આ લોકો જહન્નમી છે. હંમેશા તેમાં જ રહેશે.
૧૮) જે દિવસે અલ્લાહ તઆલા તે દરેકને જીવિત કરશે તો આ લોકો જેવી રીતે તમારી સામે સોગંદો ખાય છે, (અલ્લાહ તઆલા) ની સામે પણ સોગંદો ખાવા લાગશે અને સમજશે કે તેઓ પાસે પણ કોઇ (પૂરાવા) છે, બરાબર જાણી લો કે, નિ:શંક તેઓ જ જુઠા છે.
૧૯) તેમના પર શેતાન છવાઇ ગયો છે અને તેમને અલ્લાહ ના સ્મરણથી વંચિત કરી દીધા છે, આ શેતાની જૂથ છે, કોઇ શંકા નથી કે શેતાની જૂથ જ નુકસાનમાં છે.
૨૦) નિ:શંક અલ્લાહ તઆલા અને તેના પયગંબરનો જે લોકો વિરોધ કરે છે તે જ લોકો સૌથી વધારે અપમાનિત છે.
૨૧) અલ્લાહ તઆલા લખી ચુકયો છે કે નિ:શંક હું અને મારો પયગંબર જ નવિજયી રહીશું, નિ:શંક અલ્લાહ તઆલા જ શક્તિશાળી અને વિજયી છે.
૨૨) અલ્લાહ તઆલા અને કિયામતના દિવસ પર ઇમાન રાખનારાઓને અલ્લાહ અને તેના પયગંબરના વિરોધીઓ સાથે મોહબ્બત કરતા તમે નહીં જુઓ, ભલેને પછી તેમના પિતા, દિકરા અને ભાઇ અથવા તેમના કુંટુબીઓ પણ કેમ ન હોય, આ જ લોકો છે જેમના હૃદયોમાં અલ્લાહ તઆલાએ ઇમાન લખી દીધું છે. અને જેની પુષ્ટિ પોતાની રૂહ વડે કરી છે. અને જેમને તે જન્નતોમાં દાખલ કરશે જેમની જીચે નહેરો વહી રહી છે. જ્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી ખુશ છે અને આ અલ્લાહથી ખુશ છે. આ અલ્લાહનું જૂથ છે. સાવધાન રહો ખરેખર અલ્લાહ ના જૂથવાળાઓ જ સફળ લોકો છે.