ترجمة سورة الطلاق

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الطلاق باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) હે પયગંબર ! (પોતાની કોમને કહો) જ્યારે તમે પોતાની પત્નીઓને તલાક આપવા ઇચ્છો તો તેમની ઇદ્દત (માસિકનો સમયગાળો પુરો થયા પછી) માં તેમને તલાક આપો અને ઇદ્દતના સમયને યાદ રાખો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો જે તમારો પાલનહાર છે, ન તમે તેમને પોતાના ઘરો માંથી કાઢો અને ન તો તે (પોતે) નીકળે, હાં તે અલગ વાત છે કે તે સ્પષ્ટ બુરાઇ કરી બેસે, આ અલ્લાહની નક્કી કરેલ હદ છે, જે વ્યક્તિ અલ્લાહની હદથી આગળ વધી જાય તેણે ખરેખર પોતાના ઉપર અત્યાચાર કર્યો, તમે નથી જાણતા, કદાચ આ પછી અલ્લાહ તઆલા (મેળ-મેળાપ) ની કોઇ નવી વાત ઉભી કરી દે.
૨) બસ ! જ્યારે આ સ્ત્રીઓ પોતાની ઇદ્દતની નજીક પહોંચી જાય તો તેમને કાયદાપૂર્વક પોતાના પાસે રાખો, અથવા તો કાયદાપૂર્વક તેમને અલગ કરી દો અને એક-બીજા માંથી વે વ્યક્તિઓને સાક્ષી બનાવી લો અને અલ્લાહને ખુશ કરવા માટે સાચ્ચી સાક્ષી આપો. આ જ છે તે જેની શિખામણ તેમને આપવામાં આવે છે, જે અલ્લાહ અને કિયામતના દિવસ પર ઇમાન રાખતા હોય અને જે વ્યક્તિ અલ્લાહથી ડરે છે, અલ્લાહ તેના માટે છૂટકારાની સ્થિતી ઉભી કરી દે છે.
૩) અને તેને એવી જ્ગ્યાએથી રોજી પહોંચાડે છે જેની તેને કલ્પના પણ ન હોય અને જી વ્યક્તિ અલ્લાહ પર ભરોસો કરશે, અલ્લાહ તેના માટે પૂરતો છે, અલ્લાહ તઆલા પોતાનું કાર્ય પુરૂ કરેને જ રહેશે, અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનો એક અંદાજો નક્કી કરી રાખેલ છે.
૪) તમારી સ્ત્રીઓ માંથી જે સ્ત્રીઓ માસિકથી નિરાશ થઇ ગઇ હોય, જો તમને શંકા હોય તો તેમનો સમયગાળો ત્રણ મહીના છે અને તેમની પણ જેને માસિક આવવાનું શરૂ પણ ન થઇ હોય, અને ગર્ભવતી સ્ત્રીઓનો સમયગાળો તેમનું પ્રસૂતિ થઇ જાય ત્યાં સુધી છે. અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાથી ડરશે અલ્લાહ તેના (દરેક) કાર્ય સરળ કરી દેશે.
૫) આ અલ્લાહનો આદેશ છે, જે તેણે તમારી તરફ અવતરિત કર્યો છે અને જે વ્યક્તિ અલ્લાહથી ડરશે અલ્લાહ તેઓના પાપ ખત્મ કરી દેશે અને તેને ખુબ જ મોટો બદલો આપશે.
૬) તમે પોતાની શક્તિ પ્રમાણે જ્યાં રહો છો ત્યાં તે (તલાકવાળી) સ્ત્રીઓને રાખો અને તેમને સતાવવા માટે તકલીફ ન આપો અને જો તે ગર્ભથી હોય તો જ્યાં સુધી બાળક જન્મે ત્યાં સુધી તેમને ખર્ચ આપતા રહો, ફરી જો તમારા કહેવાથી તે જ દુધ પીવડાવે તો તમે તેણીઓને તેનો બદલો આપી દો અને એક-બીજાથી સલાહસૂચન કરી લો અને જો તમે અંદર અંદર ઝઘડો તો તેણીના કહેવાથી કોઇ બીજી (સ્ત્રી) દુધ પીવડાવશે.
૭) ધનવાનોએ પોતાના ધન પ્રમાણે ખર્ચ કરવો જોઇએ અને જેના પર રોજીની તંગી કરવામાં આવી હોય તેણે જોઇએ કે જે કંઇ અલ્લાહ તઆલાએ તેને આપ્યું છે તેમાંથી જ (પોતાની શક્તિ મુજબ) આપે, કોઇને પણ અલ્લાહ તકલીફ પહોંચાડતો નથી પરંતુ તેટલી જ જેટલી સહનશીલતા તેને આપી છે, અલ્લાહ તંગી પછી ખુશહાલી આપી દેશે.
૮) અને કેટલીક વસ્તીઓવાળાઓએ પોતાના પાલનહારના આદેશો અને તેના પયગંબરોની અવજ્ઞા કરી, તો અમે પણ તેમનો સખત હિસાબ લીધો અને તેઓને વણ દેખી યાતના આપી
૯) બસ ! તેઓએ પોતાના કાર્યોની મજા ચાખી લીધી અને છેવટે તેમનું નુકસાન જ થયું.
૧૦) તેઓ માટે અલ્લાહ તઆલા એ સખત યાતના તૈયાર કરી રાખી છે. બસ ! અલ્લાહથી ડરો હે સમજદાર ઇમાનવાળાઓ, નિ:શંક અલ્લાહ એ તમારા તરફ શિખામણ ઉતારી છે.
૧૧) (એટલે કે) પયગંબર જે તમને સ્પષ્ટ અલ્લાહના આદેશો પઢી સંભળાવે છે, જેથી તેમને જેઓ ઇમાન લાવ્યા છે અને સદકાર્યો કરે છે તેઓને અંધકાર માંથી પ્રકાશ તરફ લઇ આવે. અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લઇ આવે અને સદકાર્યો કરે, અલ્લાહ તેઓને એવી જન્નતોમાં દાખલ કરશે જેના નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા હંમેશ રહેશે, નિ:શંક અલ્લાહ એ તેને ઉત્તમ રોજી આપી છે.
૧૨) અલ્લાહ તે છે જેણે સાત આકાશો બનાવ્યા અને તે જ પ્રમાણે ધરતી પણ. તેનો આદેશ બન્નેની વચ્ચે ઉતરે છે, જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિમાન છે. અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને (પોતાના) જ્ઞાનમાં ઘેરી રાખી છે.
Icon