ﮯ
surah.translation
.
من تأليف:
رابيلا العُمري
.
ﰡ
૧) તે અલ્લાહ માટે જ દરેક પ્રકારની પ્રશંસા છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું જે અને બે-બે, ત્રણ-ત્રણ અને ચાર-ચાર પાંખોવાળા ફરિશ્તાઓને પોતાના સંદેશાવાહક બનાવનાર છે. તે સર્જનમાં જેવી રીતે ઇચ્છે વધારો કરે છે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
૨) અલ્લાહ તઆલા જે કૃપા બંદાઓ માટે ખોલી કાઢે તો તેને કોઇ રોકનાર નથી અને જેને રોકી લે ત્યાર પછી કોઇ તેને લાવી શકતું નથી અને તે જ વિજયી, હિકમતવાળો છે.
૩) લોકો ! તમારા પર જે કૃપાઓ અલ્લાહ તઆલાએ કરી છે તેને યાદ કરો, શું અલ્લાહ સિવાય બીજો સર્જક છે, જે તમને આકાશ અને ધરતી માંથી રોજી આપે ? તેના સિવાય કોઇ પૂજ્ય નથી, બસ ! તમે ક્યાં ઊંધા જઇ રહ્યા છો.
૪) અને જો આ લોકો તમને જુઠલાવે, તો તમારા પહેલાના દરેક પયગંબરોને પણ જુઠલાવવામાં આવ્યા, દરેક કાર્ય અલ્લાહ તરફ જ પાછા ફેરવવામાં આવશે.
૫) હે લોકો ! અલ્લાહ તઆલાનું વચન સાચું છે, તમને દુનિયાનું જીવન ધોખામાં ન નાંખી દે અને દગો આપનાર, શેતાન તમને બેદરકાર ન કરી દે.
૬) યાદ રાખો ! શેતાન તમારો શત્રુ છે, તમે તેને શત્રુ માનો, તે તો પોતાના જૂથમાં ફક્ત એટલા માટે જ બોલાવે છે કે, તે સૌ જહન્નમમાં જનારા થઇ જાય.
૭) જે લોકો ઇન્કાર કરનારા થયા, તેમના માટે સખત યાતના છે અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમના માટે માફી છે અને ખૂબ જ મોટું વળતર છે.
૮) શું તે વ્યક્તિ, જેના માટે તેના ખરાબ કાર્યોને શણગારવામાં આવ્યા છે, બસ ! તેઓ તેને સારું સમજે છે, (શું તે સદાચારી વ્યક્તિ જેવો છે) ? નિ:શંક અલ્લાહ જેને ઇચ્છે પથભ્રષ્ટ કરે છે અને જેને ઇચ્છે સત્ય માર્ગ બતાવે છે. બસ ! તમારે તેમના માટે નિરાશ થઇ, પોતાના પ્રાણને નષ્ટ ન કરવા જોઇએ, આ લોકો જે કંઈ કરી રહ્યા છે, તેને ખરેખર અલ્લાહ સારી રીતે જાણે છે.
૯) અને અલ્લાહ જ હવા ચલાવે છે, જે વાદળોને ઉઠાવે છે, પછી અમે વાદળોને સૂકી ધરતી તરફ લઇ જઇએ છીએ અને તેનાથી તે નિષ્પ્રાણ ધરતીને જીવિત કરી દે છે, તેવી જ રીતે બીજી વાર જીવિત થવાનું છે.
૧૦) જે વ્યક્તિ ઇજજત પ્રાપ્ત કરવા ઇચ્છતો હોય, તો ઇજજત અલ્લાહ માટે જ છે, દરેક પ્રકારના સ્પષ્ટ શબ્દો, તેની તરફ જ ચઢે છે અને સત્કાર્ય તે લોકોને ઊંચા કરે છે અને જે લોકો દુષ્કર્મની યુક્તિ કરે છે તેમના માટે સખત યાતના છે અને તેમની આ યુક્તિ બરબાદ થઇ જશે.
૧૧) હે લોકો ! અલ્લાહ તઆલાએ તમારું સર્જન માટી વડે, પછી ટીપાં વડે કર્યું, પછી તમને જોડીમાં બનાવી દીધા, સ્ત્રીઓનું સગર્ભા હોવું અને બાળકોનો જન્મ થવો, બધું તેના જ્ઞાન પ્રમાણે જ છે અને જેને મોટી વય આપવામાં આવે અને જે કોઇની વય ઓછી હોય, તે બધું જ કિતાબમાં લખેલું છે, અલ્લાહ તઆલા માટે આ વાત ખૂબ જ સરળ છે.
૧૨) અને બે સમુદ્રો સરખાં નથી, આ મીઠો છે, જે તરસ છિપાવે છે, પીવા માટે ઉત્તમ અને આ બીજો, કડવો, તમે બન્ને માંથી તાજુ માંસ ખાવ છો અને તેમાંથી તે ઝવેરાત કાઢો છો, જેને તમે પહેરો છો અને તમે જુઓ છો કે મોટા-મોટા જહાજો પાણીને ચીરનારા, તે સમુદ્રોમાં છે, જેથી તમે તેની કૃપા શોધો અને જેથી તમે તેનો આભાર માનો.
૧૩) તે રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે છે અને સૂર્ય તથા ચંદ્રને તેણે જ કામે લગાડી દીધા છે, દરેક પોતાની સીમાઓ પર ચાલી રહ્યા છે, આ જ અલ્લાહ છે, તમારા સૌનો પાલનહાર, તેની જ બાદશાહી છે, જેમને તમે અલ્લાહ સિવાય પોકારો છો, તે તો ખજૂરના ઠળિયાના છોતરાંના પણ માલિક નથી.
૧૪) જો તમે તે લોકોને પોકારો, તો તે તો તમારી વાત સાંભળતા જ નથી અને જો સાંભળી પણ લે, તો પણ ફરિયાદ નહીં કરે, પરંતુ કયામતના દિવસે તમારા તે શિર્કનો ઇન્કાર કરશે, તમને કોઇ પણ અલ્લાહ તઆલા જેવો ખબર આપનાર નહીં મળે.
૧૫) હે લોકો ! તમે અલ્લાહના મોહતાજ છો અને અલ્લાહ બેનિયાઝ ગુણોવાળો છે.
૧૬) જો તે ઇચ્છે, તો તમને નષ્ટ કરી દે અને એક નવું સર્જન કરી દે.
૧૭) અને આ વાત અલ્લાહ માટે કંઈ મુશ્કેલ નથી.
૧૮)કોઇ પણ ભાર ઉઠાવનાર, બીજાનો ભાર નહીં ઉઠાવે, જો કોઇ પોતાનો ભાર બીજાને ઉઠાવવા બોલાવશે, તો તેમાંથી કંઈ પણ નહીં ઉઠાવે, સંબંધી પણ કેમ ન હોય. તમે ફક્ત તે લોકોને જ સચેત કરી શકો છો, જે વિણદેખે પોતાના પાલનહારથી ડરે છે અને નમાઝ કાયમ કરે છે અને જે લોકો પવિત્ર બની જાય, તે પોતાના જ ફાયદા માટે થશે, અલ્લાહની તરફ જ પાછા ફરવાનું છે.
૧૯) અને દૃષ્ટિહીન તથા જોઈ શકનાર સરખા નથી.
૨૦) અને ન તો અંધકાર તથા પ્રકાશ,
૨૧) અને ન તો છાંયડો તથા તડકો (સરખા નથી).
૨૨) અને જીવિત તથા મૃતક સરખા નથી હોઇ શકતા. અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, સંભળાવે છે અને તમે તે લોકોને સંભળાવી નથી શકતા, જેઓ કબરમાં છે.
૨૩) તમે ફક્ત સચેત કરનાર છો.
૨૪) અમે જ તમને સત્ય આપી, ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા. અને કોઇ કોમ એવી નથી, જેમાં કોઇ સચેત કરનાર ન આવ્યો હોય.
૨૫) અને જો આ લોકો તમને જુઠલાવે તો, જે લોકો તેમનાથી પહેલા હતા, તે લોકોએ પણ જુઠલાવ્યું હતું અને તેમની પાસે તેમના પયગંબર ચમત્કાર તથા ગ્રંથો અને પ્રકાશિત કિતાબ લઇ આવ્યા હતા.
૨૬) પછી મેં, તે ઇન્કાર કરનારાઓને પકડી લીધા, તો મારો પ્રકોપ કેવો રહ્યો.
૨૭) શું તમે તે વાત નથી જોઇ કે અલ્લાહ તઆલાએ આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી અમે તેના વડે અલગ-અલગ પ્રકારના ફળો ઊપજાવ્યા અને પર્વતોના અલગ-અલગ ભાગ છે, સફેદ અને લાલ, તેમના પ્રકાર પણ અલગ-અલગ છે અને ઘણા કાળા (પણ છે).
૨૮) અને એવી જ રીતે માનવીઓ તથા જાનવર અને ઢોરોમાં પણ, કેટલાક એવા છે, કે તેમના પ્રકાર અલગ-અલગ છે, અલ્લાહથી તેના તે જ બંદાઓ ડરે છે જેઓ જ્ઞાન ધરાવે છે, નિ:શંક અલ્લાહ તઆલા જબરદસ્ત, મોટો માફ કરનાર છે.
૨૯) જે લોકો અલ્લાહની કિતાબનું વાંચન કરે છે અને નમાઝ કાયમ પઢે છે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેમાંથી છુપી અને જાહેર રીતે ખર્ચ કરે છે, તે એવા વેપારના ઉમ્મેદવાર છે, જે ક્યારેય નુકસાનમાં નહીં હોય.
૩૦) જેથી તેમને તેમનું વળતર પુરું આપે અને તેમને પોતાની કૃપાથી વધું આપે, નિ:શંક તે માફ કરનાર, કદર કરનાર છે.
૩૧)અને આ કિતાબ, જે અમે તમારી તરફ વહી દ્વારા અવતરિત કરી છે, એ અત્યંત સાચી છે, જે પહેલાની કિતાબોની પણ પુષ્ટિ કરે છે, અલ્લાહ તઆલા પોતાના બંદાઓની સંપૂર્ણ જાણ રાખનાર, ખૂબ જોનાર છે.
૩૨) પછી અમે તે લોકોને કિતાબના વારસદાર બનાવી દીધા, જેમને અમે પોતાના બંદાઓ માંથી પસંદ કર્યા, પછી તેમાંથી કેટલાંક પોતાના પર અત્યાચાર કરનાર છે અને કેટલાક વચ્ચેના માર્ગવાળા છે અને કેટલાક અલ્લાહની કૃપાથી સત્કાર્યોમાં આગળ વધતા જાય છે, આ ખૂબ જ મોટી કૃપા છે.
૩૩) તે બગીચાઓમાં હંમેશા રહેશે, જેમાં તેઓ પ્રવેશ પામશે, સોનાની બંગડીઓ અને મોતીઓ પહેરાવવામાં આવશે અને ત્યાં તેમનો પોશાક રેશમી હશે.
૩૪) અને કહેશે કે અલ્લાહનો ખૂબ ખૂબ આભાર છે, જેણે અમારાથી હતાશાને દૂર કરી, નિ:શંક અમારો પાલનહાર ઘણો જ માફ કરનાર, ઘણી જ કદર કરવાવાળો છે.
૩૫) જેણે અમને પોતાની કૃપાથી હંમેશા રહેવાવાળી જગ્યાએ લાવી દીધા, જ્યાં અમને ન કોઇ તકલીફ પહોંચશે અને ન તો અમને થાક લાગશે.
૩૬) અને જે લોકો ઇન્કાર કરનાર છે, તેમના માટે જહન્નમની આગ છે, ન તો તેમનો નિર્ણય આવશે કે મૃત્યુ પામે અને ન જહન્નમની યાતના હળવી કરવામાં આવશે, અમે દરેક ઇન્કાર કરનારાઓને આવી જ રીતે સજા આપીએ છીએ.
૩૭) અને તે લોકો તેમાં ચીસો પાડશે, કે હે અમારા પાલનહાર ! અમને કાઢી લે, અમે સારા કાર્યો કરીશું, તે કાર્યો સિવાય-જે અમે કરતા હતા, (અલ્લાહ કહેશે) શું અમે તમને એટલી વય નહતી આપી કે જે સમજવા ઇચ્છતો, તે સમજી જાત અને તમારી પાસે સચેત કરનાર પણ આવ્યા, તો હવે સ્વાદ ચાખો કે અત્યાચારીઓની મદદ કરનાર કોઇ નથી.
૩૮) નિ:શંક અલ્લાહ તઆલા આકાશો અને ધરતીની છૂપી વસ્તુઓને જાણવાવાળો છે, નિ:શંક તે જ હૃદયની વાતો જાણે છે.
૩૯) તે જ છે, જેણે તમને ધરતી ઉપર આબાદ કર્યા, તો જે વ્યક્તિ ઇન્કાર કરશે તેના ઇન્કારની સજા તેના માટે જ છે અને ઇન્કાર કરનારાઓ માટે તેમનો ઇન્કાર, તેમના પાલનહારની પાસે નારાજ થવાનું કારણ છે અને ઇન્કાર કરનારાઓ માટે તેમનું ઇન્કાર કરવું, નુકસાન વધવાનું કારણ છે.
૪૦) તમે કહી દો કે તમે પોતે ઠેરવેલ ભાગીદારોની દશા તો જણાવો, જેમની તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો, એટલે કે મને જણાવો કે તે લોકોએ ધરતી માંથી કેવો (ભાગ) બનાવ્યો, અથવા તેમનો આકાશોમાં કોઇ ભાગ છે, અથવા તે લોકોને અમે કોઇ કિતાબ આપી છે કે જે આનો પુરાવો આપે, પરંતુ આ અત્યાચારીઓ એક-બીજાને ધોખાનું વચન આપે છે.
૪૧) નિ:શંક અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતીને જકડી રાખ્યા છે, કે તેઓ છુટી ન જાય અને જો તે છુટી જાય તો, અલ્લાહ સિવાય બીજો કોઇ તેમને જકડી નથી શકતો, તે સર્વગ્રાહી, માફ કરનાર છે.
૪૨) અને તે ઇન્કાર કરનારાઓએ જબરદસ્ત સોગંદ લીધી હતી કે જો તેમની પાસે કોઇ સચેત કરનાર આવી જાય, તો તે દરેક કોમ કરતા વધારે સત્ય માર્ગ પર આવી જશે, પછી જ્યારે તેમની પાસે એક પયગંબર આવી ગયા તો ફક્ત તેમના વિરોધમાં વધારો થયો.
૪૩) દુનિયામાં પોતાના અહંકારના કારણે અને તેમની ખરાબ યુક્તિઓના કારણે અને ખરાબ યુક્તિઓની સજા તેમના પર જ પડે છે, તો શું આ લોકો તે જ નિર્ણયની રાહ જુએ છે, જેવું આગળના લોકો સાથે થયું ? તો તમે અલ્લાહના નિયમમાં ક્યારેય ફેરફાર નહીં જુઓ અને તમે અલ્લાહના નિયમને ક્યારેય બદલતા નહીં જુઓ.
૪૪) અને શું આ લોકો ધરતી પર હર્યા-ફર્યા નથી, જેમાં જોઈ શકતા કે જે લોકો તેમના કરતા પહેલા હતા, તેમની દશા કેવી થઇ ? જો કે તેઓ તેમના કરતા વધારે શક્તિશાળી હતા અને અલ્લાહ એવો નથી કે કોઇ વસ્તુ તેને હરાવી દે, ન આકાશોમાં અને ન ધરતીમાં, તે ઘણો જ જ્ઞાનવાળો, ખૂબ જ કુદરતવાળો છે.
૪૫) અને જો અલ્લાહ તઆલા લોકોની, તેમના કાર્યો મુજબ, પકડ કરતો, તો ધરતી પર એક પણ સજીવ ન બાકી ન છોડતો, પરંતુ અલ્લાહ તઆલા તેમને એક નક્કી કરેલ સમય સુધી મહેતલ આપી રહ્યો છે, તો જ્યારે તેમનો તે સમય આવી પહોંચશે, અલ્લાહ તઆલા પોતે જ પોતાના બંદાઓને જોઇ લેશે.