ترجمة سورة التغابن

الترجمة الغوجراتية
ترجمة معاني سورة التغابن باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) (દરેક વસ્તુઓ) જે આકાશો અને ધરતી પર છે અલ્લાહની પવિત્રતાનું વર્ણન કરી રહી છે, તેનુ જ સામ્રાજ્ય છે અને તેની જ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ પર શક્તિમાન છે.
૨) તેણે જ તમારૂ સર્જન કર્યુ, કેટલાક તો તમારા માંથી ઇન્કારી છે અને કેટલાક ઇમાનવાળા છે અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જોવાવાળો છે.
૩) તેણે જ આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કરી, તેણે જ તમારો ચહેરા બનાવ્યા અને ખુબ જ સુંદર બાનાવ્યા અને તેની જ તરફ પાછા ફરવાનું છે.
૪) તે આકાશ અને ધરતી પરની દરેક વસ્તુને જાણે છે અને જે કંઇ પણ તમે છુપાવો અથવા ખુલ્લુ કરો તે (દરેકને) જાણે છે, અલ્લાહ તો હૃદયોની વાતોને પણ જાણવાવાળો છે.
૫) શું તમારી પાસે આ પહેલાના ઇન્કારીઓની વાત નથી પહોંચી ? જેમણે પોતાના કાર્યોની સજા ચાખી લીધી અને જેમના માટે દુ:ખદાયી યાતના છે.
૬) આ એટલા માટે કે તેમની પાસે તેમના પયગંબર ખુલ્લા પૂરાવા લઇને આવ્યા તો તેઓએ કહીં દીધુ કે શું માનવી અમને માર્ગદર્શન આપશે, બસ ! ઇન્કાર કરી દીધો અને મોઢું ફેરવી લીધું અને અલ્લાહ પણ (તેમનાથી) બેપરવા થઇ ગયો અને અલ્લાહ તો બેનિયાઝ, ગુણવાન જ છે.
૭) તે ઇન્કારીઓએ વિચારી લીધુ છે કે બીજી વાર જીવિત નહીં કરવામાં આવે, તમે કહીં દો કે કેમ નહીં ? અલ્લાહના સોગંદ ! તમે ચોક્કસ બીજી વાર જીવિત કરવામાં આવશો. પછી જે કંઇ પણ તમે કર્યુ છે તેની ખબર (તમને) આપવામાં આવશે અને અલ્લાહ માટે આ ઘણું જ સરળ છે.
૮) તો તમે અલ્લાહ પર તેના પયગંબર પર અને તે પ્રકાશ (કુરઆન) પર જેને અમે અવતરિત કર્યું છે, ઇમાન લાવો અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોથી ખબરદાર છે.
૯) જે દિવસે તમને સૌને તે ભેગા થવાના દિવસે ભેગા કરશે, તે જ આ દિવસ છે હાર-જીતનો. અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લાવી સદકાર્યો કરે અલ્લાહ તેનાથી તેની બુરાઇઓ દૂર કરી દેશે. અને તેને જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા હંમેશ રહેશે, આ જ ભવ્ય સફળતા છે.
૧૦) અને જે લોકોએ ઇન્કાર કર્યો અને અમારી આયતોને જુઠલાવી તે જ (બધા) જહન્નમી છે, (જેઓ) જહન્નમમાં હંમેશા રહેશે. તે ખુબ જ ખરાબ ઠેકાણું છે.
૧૧) કોઇ પરેશાની અલ્લાહ ની રજા વગર નથી આવી શકતી, જે અલ્લાહ પર ઇમાન લાવે અલ્લાહ તેને સત્ય માર્ગદર્શન આપે છે અને અલ્લાહ દરેક વસ્તુને ખુબ જ જાણવાવાળો છે.
૧૨) (લોકો) અલ્લાહનું કહેવું માનો અને પયગંબરનું પણ કહેવું માનો, બસ ! જો તમે મોઢું ફેરવો તો અમારા પયગંબરના શિરે ફકત સ્પષ્ટ પહોંચાડી દેવાનું છે.
૧૩) અલ્લાહના સિવાય કોઇ સાચો મઅબૂદ નથી અને ઇમાનવાળાએ ફકત અલ્લાહ પર ભરોસો રાખવો જોઇએ.
૧૪) હે ઇમાનવાળાઓ ! તમારી પત્નીઓ અને સંતાનો માંથી કેટલાક તમારા શત્રુ છે બસ ! તેમનાથી સાવધાન રહેજો અને જો તમે માફ કરી દો અથવા જવા દો અને ક્ષમા કરી દો. તો અલ્લાહ તઆલા ક્ષમા કરનાર દયાળુ છે.
૧૫) તમારૂ ધન અને સંતાનો કસોટી છે અને ખુબ જ મોટું વળતર અલ્લાહ પાસે છે.
૧૬) બસ ! જ્યાં સુધી તમારાથી થઇ શકે અલ્લાહથી ડરતા રહો અને સાંભળતા અને આજ્ઞાપાલન કરતા રહો અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરતા રહો જે તમારા માટે ઉત્તમ છે અને જે વ્યક્તિ પોતાના મનની લાલચથી સુરક્ષિત રાખવામાં આવે તે જ સફળ છે.
૧૭) જો તમે અલ્લાહને ઉત્તમ ઋણ આપશો (એટલે કે તેના માર્ગમાં ખર્ચ કરશો) તો તે તેને તમારા માટે વધારતો રહેશે અને તમારા ગુનાહ પણ માફ કરી દેશે. અલ્લાહ ખુબ જ કદરદાન અને સહનશીલ છે.
૧૮) તે છૂપી અને ખુલ્લી (વાતોનો) જાણવાવાળો છે, પ્રભુત્વશાળી, હિકમતવાળો છે.
Icon