ﯩ
ترجمة معاني سورة الممتحنة
باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
.
من تأليف:
رابيلا العُمري
.
ﰡ
૧) હે ઇમાનવાળાઓ ! મારા અને (તમારા) પોતાના દુશ્મનોને પોતાના મિત્ર ન બનાવો, તમે તો મિત્રતાથી તેમને સંદેશો મોકલાવો છો, અને તેઓ તે સત્ય વાતને જુઠલાવે છે જે તમારી પાસે આવી ગઇ છે, પયગંબર અને તમને પોતાને પણ ફકત એટલા માટે જ દેશનિકાલ કરે છે કે તમે પોતાના પાલનહાર પર ઇમાન ધરાવો છો, જો તમે મારા માર્ગમાં જેહાદ અને મારી પ્રસન્નતા માટે નીકળો છો (તો તેઓ સાથે મિત્રતા ન રાખો) તમે તેઓને છૂપી છૂપીને મોહબ્બતનો સંદેશો મોકલાવો છો અને હું ખૂબ જ જાણુ છું જે તમે છુપાવ્યું અને તે પણ જે તમે ખુલ્લુ કર્યું, તમારામાંથી જે કોઇ આવું કાર્ય કરશે તે ખરેખર સત્ય માર્ગથી ભટકી જશે
૨) જો તેઓ તમારા ઉપર કાબુ મેળવી લે તો તેઓ તમારા (ખુલ્લા) શત્રુ થઇ જશે અને બુરાઇ સાથે તમને પોતાના હાથો અને જબાન વડે તકલીફ આપશે અને (દિલથી) ઇચ્છશે કે તમે પણ ઇન્કાર કરવા લાગો.
૩) તમારા સગા-સબંધીઓ અને સંતાનો તમને કયામતના દિવસને કામ નહીં આવે, તે (અલ્લાહ તઆલા) તમારી વચ્ચે ફેંસલો કરી દેશે અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જોઇ રહ્યો છે.
૪) (મુસલમાનો) તમારા માટે હઝરતે ઇબ્રાહીમ અને તેમના સાથીઓમાં ઉત્તમ આદર્શ છે, જ્યારે કે તેઓએ પોતાની કોમથી ખુલ્લુ કહીં દીધુ કે અમે તમારાથી અને જેમની પણ તમે અલ્લાહના સિવાય બંદગી કરી રહ્યા છો તે બધાથી તદ્દન અલિપ્ત છીએ, અમે તમારા (શ્રધ્ધાઓના) ઇન્કારી છે, જ્યાં સુધી તમે એકેશ્ર્વરવાદ પર ઇમાન ન લાવો, અમારા અને તમારામાં હંમેશા માટે વેર અને દુશ્મની ઉભી થઇ ગઇ, પરંતુ ઇબ્રાહીમની એટલી વાતતો પોતાના પિતા સાથે થઇ હતી કે હું તમારા માટે જરૂર માફી માંગીશ અને તમારા માટે અલ્લાહ સામે મને કોઇ પણ વસ્તુનો કંઇ અધિકાર નથી. હે અમારા પાલનહાર તારા પર જ અમે ભરોસો કર્યો અને અમે તારી જ તરફ પ્રત્યાગમન કરીએ છીએ અને તારી જ તરફ પાછા ફરવાનું છે.
૫) હે અમારા પાલનહાર ! તું અમને ઇન્કારીઓની કસોટીમાં ન નાખ અને હે અમારૂ પાલન-પોષણ કરનાર ! અમારી ભૂલોને માફ કરી દે, નિ:શંક તુ જ વિજયી, હિકમત વાળો છે.
૬) નિ:શંક તમારા માટે આમાં ઉત્તમ આદર્શ (અને ઉત્તમ અનુસરણ છે, ખાસ કરીને) તે પ્રત્યેક વ્યક્તિ માટે જે અલ્લાહ અને કયામતના દિવસે મળવાની આશા રાખતો હોય, અને જો કોઇ અવગણના કરે તો અલ્લાહ તઆલા બે નિયાઝ છે અને પ્રશંસાને લાયક છે.
૭) શક્ય છે કે નજીકમાં જ અલ્લાહ તઆલા તમને અને તમારા દુશ્મનોમાં પ્રેમ નાખી દે, અલ્લાહને દરેક શક્તિ છે અને અલ્લાહ (મોટો) ક્ષમા કરનાર અને દયાળુ છે
૮) જે લોકોએ તમારાથી દિન વિશે લડાઇ ન કરી અને તમને દેશનિકાલ ન કર્યા તેમની સાથે સદવર્તન અને ન્યાય કરવાથી અલ્લાહ તમને નથી રોકતો, પરંતુ અલ્લાહ તો ન્યાય કરવાવાળાથી મોહબ્બત કરે છે.
૯) અલ્લાહ તઆલા તમને ફકત તે લોકો સાથે મિત્રતા કરવાથી રોકે છે જેમણે તમારી સાથે દિન બાબતે યુધ્ધો કર્યા અને તમને દેશનિકાલ કરી દીધા અને દેશનિકાલ કરવાવાળાઓની મદદ કરી જે લોકો આવા ઇન્કારીઓ સાથે મિત્રતા રાખે છે તે (ખરેખર) અત્યાચારી છે
૧૦) હે ઇમાનવાળાઓ ! જ્યારે તમારી પાસે ઇમાનવાળી સ્ત્રીઓ હિજરત કરીને આવે તો તમે તેમની પરીક્ષા લો, કારણકે તેમના ઇમાનને ખૂબ સારી રીતે જાણવાવાળો તો અલ્લાહ જ છે, પરંતુ જો તમને ઇમાનવાળી લાગે તો હવે તમે તેણીઓને ઇન્કારીઓ પાસે પાછા ન મોકલો, આ તેઓ માટે હલાલ નથી અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે અને જે ખર્ચ થયો હોય તે તેમને આપી દો, તે સ્ત્રીઓને તેમની મહેર આપી તેમની સાથે લગ્ન કરવામાં કોઇ પાપ નથી અને ઇન્કારી સ્ત્રીઓને લગ્ન માટે રોકી ન રાખો અને જે કંઇ તમે ખર્ચ કર્યો હોય, માંગી લો અને જે કંઇ તે ઇન્કારીઓ ખર્ચ કર્યો હોય તે પણ માંગી લે, આ અલ્લાહ નો આદેશ છે જે તમારા વચ્ચે કરી રહ્યો છે, અલ્લાહ તઆલા બધુ જાણાનાર (અને) હિકમતવાળો છે.
૧૧) અને જો તમારી કોઇ પત્ની તમારી પાસેથી ઇન્કારીઓ પાસે જતી રહે, પછી તમને જો બદલો લેવા માટે સમય મળે તો જેમની પત્નીઓ જતી રહી છે તેમને તેમનો ખર્ચ આપી દો અને તે અલ્લાહ તઆલાથી ડરતા રહો જેના પર તમે ઇમાન રાખો છો.
૧૨) હે પયગંબર ! જ્યારે મુસલમાન સ્ત્રીઓ તમારી પાસે તે વાતો વિશે પ્રતિજ્ઞા કરે કે તેઓ અલ્લાહ સાથે કોઇને ભાગીદારા નહીં ઠેરવે, ચોરી નહીં કરે, વ્યભિચાર નહીં કરે, પોતાની સંતાનોને કત્લ નહીં કરે અને કોઇ એવો આરોપ નહીં મુકે જે પોતાના હાથો અને પગો સામે ઘડેલો હોય અને કોઇ સદકાર્યમાં તમારી અવજ્ઞા નહીં કરે તો તમે એમનાથી પ્રતિજ્ઞા લઇ લો અને તેમના માટે અલ્લાહથી ક્ષમા માંગો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનારવાળો અને દયાળુ છે.
૧૩) હે મુસ્લ્માનો ! એવી કોમ સાથે મિત્રતા ન કરો જેના પર અલ્લાહનો પ્રકોપ આવી ચુકયો છે. જે આખિરતથી એવી રીતે નિરાશ થઇ ચુકયા છે જેવું કે (મૃત) કબરવાળાઓથી ઇન્કારીયો નિરાશ છે.