ترجمة سورة الفتح

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الفتح باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) નિ:શંક (હે પયગંબર) ! અમે તમને એક ખુલ્લી જીત આપી દીધી.
૨) જેથી જે કંઇ ગુનાહ તમારા આગળ થયા અને જે પાછળ, દરેક ને અલ્લાહ તઆલા માફ કરી દે. અને તારા પર પોતાનો ઉપકાર પુરો કરી દે અને તમને સત્ય માર્ગ પર ચલાવે.
૩) અને તમને એક પ્રભાવશાળી સહાયતા આપે.
૪) તે જ છે જેણે મુસલમાનોના હૃદયોમાં શાંતિ આપી દીધી, જેથી પોતાના ઇમાનની સાથે ઇમાનમાં વધારો થઇ જાય અને આકાશો અને ધરતીના (દરેક) લશ્કર અલ્લાહના જ છે અને અલ્લાહ તઆલા ખુબ જ જાણનાર, હિકમતવાળો છે.
૫) જેથી ઇમાનવાળા પુરૂષો અને સ્ત્રીઓને તે જન્નતોમાં પ્રવેશ આપે જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે અને તેઓના ગુનાહ દૂર કરી દે અને અલ્લાહની નજીક આ ખુબ જ ભવ્ય સફળતા છે.
૬) અને જેથી તે ઢોંગી પુરૂષો અને સ્ત્રીઓ અને મુશરિક (અનેકેશ્ર્વરવાદી) પુરૂષો અને સ્ત્રીઓને યાતના આપે, જે અલ્લાહ વિશે શંકાઓ રાખનાર છે, (ખરેખર) તેઓ પર બુરાઇનું ચક્ર ફરી રહ્યું છે, અલ્લાહ તેઓના પર ગુસ્સે થયો અને તેઓને શાપ આપ્યો અને તેઓ માટે જહન્નમ તૈયાર કરી અને તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
૭) અને અલ્લાહ માટે જ છે આકાશો અને ધરતીના લશ્કર અને અલ્લાહ વિજયી, હિકમતવાળો છે.
૮) નિ:શંક અમે તમાને સાક્ષી અને ખુશખબર આપનાર અને ચેતવણી આપનાર બનાવી મોક્લ્યા છે.
૯) જેથી (હે મુસલમાનો) ! તમે અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન લાવો અને તેની સહાય કરો અને તેનો આદર કરો અને સવાર-સાંજ અલ્લાહની પવિત્રતાનું સ્મરણ કરો.
૧૦) જે લોકો તમારાથી પ્રતિજ્ઞા કરે છે તેઓ નિ:શંક અલ્લાહથી પ્રતિજ્ઞા કરે છે, તેઓના હાથો પર અલ્લાહનો હાથ છે, તો જે વ્યક્તિ પ્રતિજ્ઞા તોડશે તે પોતાની જ પ્રતિજ્ઞા તોડે છે અને જે વ્યક્તિ તે પ્રતિજ્ઞાને પુરી કરે જે તેણે અલ્લાહ સાથે કરી છે તો તેને નજીકમાં અલ્લાહ ખુબ જ ભવ્ય ફળ આપશે.
૧૧) ગામવાસીઓ માંથી જે લોકો પાછળ છોડી દેવામાં આવ્યા હતા તેઓ હવે તમને કહેશે કે અમે પોતાના ધન અને સંતાનો માં વ્યસ્ત રહી ગયા, બસ ! તમે અમારા માટે ક્ષમા માંગો, આ લોકો પોતાની જુબાનોથી તે કહે છે જે તેઓના હૃદયોમાં નથી, તમે જવાબ આપી દો કે તમારા માટે અલ્લાહ તરફથી કોઇ વસ્તુનો પણ અધિકાર કોણ રાખે છે, જો તે તમાને નુકસાન પહોંચાડવા ઇચ્છે અથવા તો તમને કોઇ નફો આપવાનું ઇચ્છે તો, તમે જેકંઇ કરી રહ્યા છો તેનાથી અલ્લાહ ખુબ જ જાણીતો છે.
૧૨) (ના) પરંતુ તમે તો એવું વિચારી લીધુ હતું કે પયગંબર અને મુસલમાનોનું પોતાના ઘરો તરફ પાછા ફરવું શક્ય નથી અને આ જ વિચાર તમારા હૃદયોમાં ઘર કરી ગયો હતો અને તમે ખોટો વિચાર કર્યો. ખરેખર તમે નષ્ટ થવાવાળા જ છો.
૧૩) અને જે વ્યક્તિ અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન ન લાવે, તો અમે પણ આવા ઇન્કારીઓ માટે ભભુકતી આગ તૈયાર કરી રાખી છે.
૧૪) ધરતી અને આકાશનું સામ્રાજ્ય અલ્લાહ માટે જ છે, જેને ઇચ્છે ક્ષમા કરે અને જેને ઇચ્છે યાતના આપે. અને અલ્લાહ ખુબ જ ક્ષમા કરનાર, દયાળુ છે.
૧૫) જ્યારે તમે ગનીમત નો માલ (યુધ્ધમાં મળેલ ધન) લેવા જશો તો તરતજ પાછળ છોડી દેવાયેલા લોકો કહેવા લાગશે કે અમને પણ તમારી સાથે આવવા દો, તેઓ ઇચ્છે છે કે અલ્લાહ તઆલાની વાતને બદલી નાખે, તમે કહી દો કે અલ્લાહ તઆલાએ પહેલા જ કહી દીધુ છે કે તમે કદાપિ અમારી સાથે નહી આવી શકો, તેઓ આનો જવાબ આપશે (ના, ના) પરંતુ તમને અમારા પ્રત્યે ઇર્ષા છે, (ખરેખર વાત એવી છે) કે તે લોકો ખુબ જ ઓછું સમજે છે.
૧૬) તમે પાછળ છોડેલા ગામવાસીઓને કહી દો કે નજીક માં જ તમે એક સખત લડાકુ કોમ તરફ બોલાવવામાં આવશો કે તમે તેઓ સાથે લડશો અથવા તો તેઓ મુસલમાન બની જશે, બસ ! જો તમે અનુસરણ કરશો તો અલ્લાહ તમને ખુબ જ શ્રેષ્ઠ બદલો આપશે અને જો તમે મોઢું ફેરવી લીધું જેવું કે આ પહેલા તમે મોઢું ફેરવી ચુકયા છો તો તે તમને દુ:ખદાયીયાતના આપશે.
૧૭) અંધજનો પર કોઇ વાંધો નથી અને ન તો લંગડા પર કોઇ વાંધો છે અને ન તો બીમાર પર કોઇ વાંધો છે, જે કોઇ અલ્લાહ અને તેના પયગંબરનું અનુસરણ કરે તેને અલ્લાહ એવી જન્નતોમાં પ્રવેશ આપશે જેમના (વૃક્ષો) તળીએ નહેરો વહી રહી છે અને જે મોઢું ફેરવી લે તેને દુ:ખદાયી યાતના આપશે.
૧૮) નિ:શંક અલ્લાહ તઆલા ઇમાનવાળોથી ખુશ થઇ ગયો, જ્યારે કે તેઓ વૃક્ષની નીચે તમારાથી પ્રતિજ્ઞા લઇ રહ્યા હતા, તેઓના હૃદયોમાં જે કંઇ પણ હતું તેને તેણે જાણી લીધું અને તેઓ પર શાંતિ ઉતારી અને તેઓને નજીકની જીત આપી.
૧૯) અને પુષ્કળ માલ જેઓને તેઓ પ્રાપ્ત કરશે અને અલ્લાહ પ્રભુત્વશાળી , હિકમતવાળો છે.
૨૦) અલ્લાહ તઆલાએ તમને પુષ્કળ ધનનું વચન આપ્યું છે, જેને તમે પ્રાપ્ત કરશો, બસ ! આ તો તમને ઝડપથી આપી દીધી અને લોકોના હાથને તમારા પર થી રોકી લીધા, જેથી ઇમાનવાળાઓ માટે આ એક નિશાની બની જાય અને (જેથી) તે તમને સત્યમાર્ગ પર ચલાવે.
૨૧) અને તમને વધુ આપે, જેના પર હજુ સુધી તમે કબજો નથી મેળવ્યો, અલ્લાહ તઆલાએ તેને પોતાના કબજામાં રાખી છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિમાન છે.
૨૨) અને જો તમારા સાથે ઇન્કારીઓ યુધ્ધ કરે તો, જો તમે પીઠ બતાવી ભાગશો તો ન તો કોઇ સહાયક મેળવશો અને ન તો કોઇ મદદ કરનાર.
૨૩) અલ્લાહના તે નિયમ અનુસાર જે પહેલાથી ચાલતો આવી રહ્યો છે, તમે કદાપિ અલ્લાહના નિયમમાં ફેરફાર નહી જૂઓ.
૨૪) તે જ છે જેણે ખાસ મક્કામાં ઇન્કારીઓના હાથોને તમારાથી અને તમારા હાથોને તેઓથી રોકી લીધા, તે પછી પણ તેણે તમને તેઓ પર વિજય આપી દીધો હતો, અને તમે જે કંઇ કરી રહ્યા છો અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે.
૨૫) આ જ તે લોકો છે જેમણે ઇન્કાર કર્યો અને તમને મસ્જિદે હરામથી રોકયા અને કુરબાની માટે નક્કી જાનવર ને તેની જગ્યાએ પહોચતા (રોકયા), અને જો આવા (ઘણા) મુસલમાન પુરૂષ અને (ઘણી) મુસલમાન સ્ત્રીઓ ન હોત, જેની તમને ખબર ન હતી, એટલે કે તેઓનું જોખમ ન હોત જેઓના કારણે તમને પણ અજાણમાં નુકસાન પહોચતું, (તો તમને યુધ્ધ કરવા માટે પરવાનગી આપી દેવામાં આવતી પરંતુ આવું કરવામાં ન આવ્યું) જેથી અલ્લાહ તઆલા પોતાની કૃપામાં જેને ઇચ્છે પ્રવેશ આપે. અને જો આ લોકો જુદા જુદા હોત, તો તેઓમાં જે ઇન્કારીઓ હતા અમે તેઓને દુ:ખદાયી યાતના આપતા.
૨૬) જ્યારે કે તે ઇન્કારીઓએ પોતાના મનમાં અતિઉત્સાહ ઉત્પન્ન કર્યો, અને તે અતિઉત્સાહ પણ અજ્ઞાનતાનો, તો અલ્લાહ તઆલાએ પોતાના પયગંબર પર અને ઇમાનવાળાઓ પર પોતાની તરફથી શાંત્વના ઉતારી અને અલ્લાહ તઆલાએ મુસલમાનો ને સંયમની વાત પર જમાવી દીધા. અને તેઓ તેના વધારે હકદાર હતા અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને ખુબ સારી રીતે જાણે છે.
૨૭) નિ:શંક અલ્લાહ તઆલાએ પોતાના પયગંબરના સ્વપ્નાને સાચું કરી દીધું કે ઇન્ શાઅ અલ્લાહ તમે ખરેખર સલામતીપૂર્વક મસ્જિદે હરામમાં પ્રવેશ કરશો, માંથાના વાળ કાઢતા અને માંથાના વાળ કપાવતા, (શાંતિ સાથે) નીડર બનીને, તે (અલ્લાહ) તે કાર્યોને જાણે છે જેને તમે નથી જાણતા, બસ ! તેણે આ પહેલા એક નજીકની જીત તમને આપી.
૨૮) તે જ છે જેણે પોતાના પયગંબરને સત્યમાર્ગ અને સાચા ધર્મ સાથે અવતરિત કર્યા, જેથી તેને દરેક ધર્મ પર વિજય આપે, અને અલ્લાહ તઆલા સાક્ષી માટે પૂરતો છે.
૨૯) મુહમ્મદ સ.અ.વ. અલ્લાહના પયગંબર છે અને જે લોકો તેમની સાથે છે, ઇન્કારીઓ પર સખત છે, એકબીજા માટે દયાળુ છે, તમે તેઓને જોશો કે રૂકુઅ અને સિજદા કરી રહ્યા છે, અલ્લાહ તઆલાની કૃપા અને તેની પસંદગીની શોધમાં છે, તેનું નિશાન તેઓના મૂખો પર સિજદા ના કારણે છે, તેઓનું આ જ ઉદાહરણ તૌરાતમાં છે, અને તેમનું ઉદાહરણ ઇન્જીલમાં પણ છે, તે ખેતી માફક કે જેણે પ્રથમ કૂંપણ કાઢી, પછી તેને ખડતલ કર્યુ અને તે જાડુ થઇ ગયું, પછી પોતાના થડ પર સ્થિર થઇ ગઇ અને ખેડુતોને રાજી કરવા લાગ્યું, જેથી તેઓના કારણે ઇન્કારીઓને ચીડાવે, તે ઇમાનવાળાઓ અને સદકાર્ય કરનારાઓને અલ્લાહે માફી અને ભવ્ય બદલાનું વચન કરી રાખ્યુ છે.
Icon