ﰡ
૧) અલિફ-લામ-રૉ, આ પ્રકાશિત કિતાબની આયતો છે.
૨) નિ:શંક અમે આ (કુરઆન)ને કુરઆન અરબી ભાષામાં અવતરિત કર્યું, જેથી તમે સમજી શકો.
૩) અમે તમારી સમક્ષ ઉત્તમ વાણીનું વર્ણન કરીએ છીએ, એટલા માટે કે અમે તમારી તરફ આ કુરઆન વહી દ્વારા અવતરિત કર્યું છે અને ખરેખર તમે આ પહેલા અજાણ લોકો માંથી હતા.
૪) જ્યારે યૂસુફ (અ.સ.)એ પોતાના પિતાને કહ્યું કે પિતાજી ! મેં અગિયાર તારાઓ, સૂર્ય અને ચંદ્રને જોયા કે તે બધા મને સિજદો કરી રહ્યા છે.
૫) યાકૂબ (અ.સ.)એ કહ્યું કે વ્હાલા દીકરા ! પોતાના આ સપનાનું વર્ણન પોતાના ભાઇઓ સમક્ષ ન કરીશ, એવું ન થાય કે તેઓ તારી સાથે કોઈ દગો કરે, શેતાન તો માનવીનો ખુલ્લો શત્રુ છે.
૬) અને આવી જ રીતે તને તારો પાલનહાર નિકટના લોકોમાં કરશે અને તને સમસ્યાઓના ઉકેલ (સપનાનું સ્પષ્ટીકરણ) પણ શિખવાડશે અને પોતાની ભરપૂર કૃપા તને આપશે અને યાકૂબ (અ.સ.)ના ઘરવાળાઓને પણ. જેવી રીતે કે તેણે આ પહેલા તમારા દાદા અને પરદાદા એટલે કે ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) પર પણ ભરપૂર કૃપા કરી. ખરેખર તમારો પાલનહાર ખૂબ જ જ્ઞાની અને જબરદસ્ત હિકમતવાળો છે.
૭) નિ:શંક યૂસુફ (અ.સ.) અને તેમના ભાઇઓનો કિસ્સો જાણવાવાળાઓ માટે શિખામણ છે.
૮) જ્યારે, તેમણે કહ્યું કે યૂસુફ (અ.સ.) અને તેમનો ભાઇ પિતાને આપણા કરતા ખૂબ જ પ્રિય છે, જો કે આપણે (શક્તિશાળી) જૂથ છે, કોઈ શંકા નથી કે આપણા પિતા સ્પષ્ટ ભૂલ કરી રહ્યા છે.
૯) યૂસુફને તો મારી નાખો, અથવા તેને કોઈ (વેરાન) જગ્યાએ ફેંકી દો, કે તમારા પિતાનો ચહેરો ફક્ત તમારી તરફ જ થઇ જાય, ત્યાર પછી તમે સદાચારી બની જજો.
૧૦) તેમના માંથી એકે કહ્યું યૂસુફને કતલ ન કરો, પરંતુ તેને એક અંધારા કુવામાં નાખી દો, કે તેને કોઈ (આવતી જતી) ટોળકી ઉઠાવી લે, જો તમે કરવા જ માંગતા હોય તો આવું કરો.
૧૧) તેમણે કહ્યું કે પિતાજી ! તમે યૂસુફ (અ.સ.) વિશે અમારા પર ભરોસો કેમ નથી કરતા ? અમે તો તેનું ભલું ઇચ્છીએ છીએ.
૧૨) આવતીકાલે તમે જરૂર તેને અમારી સાથે મોકલી દેજો, કે ખૂબ ખાઇ-પીવે અને રમે, તેની સુરક્ષાના અમે જવાબદાર છે.
૧૩) (યાકૂબ અ.સ.એ) કહ્યું તમારું તેને લઇને જવું મને તો ખૂબ જ ઉદાસ કરી દેશે અને મને એ પણ અંદેશો રહેશે કે તમારી બેદરકારીના કારણે વરું તેનો શિકાર કરી જશે.
૧૪) તેમણે જવાબ આપ્યો કે અમારા જેવા (શક્તિશાળી) જૂથની હાજરીમાં પણ જો તેને વરું ખાઇ જાય તો અમે તદ્દન નફ્ફટ સાબિત થઇ જઇશું.
૧૫) પછી જ્યારે તેને લઇ ગયા અને દરેકે ભેગા થઇ નક્કી કરી લીધું તેને વેરાન, ઊંડા કૂવામાં નાખી દઇશું, અમે યૂસુફ (અ.સ.) તરફ વહી મોકલી કે, નિ:શંક (સમય આવી રહ્યો છે કે) તમે તેમને આ કિસ્સાની જાણ તે સ્થિતિમાં આપશો કે તેઓ જાણતા પણ નહીં હોય.
૧૬) અને ઇશાના સમયે (તે દરેક) પોતાના પિતા સામે રડતા રડતા આવ્યા.
૧૭) અને કહેવા લાગ્યા કે પિતાજી ! અમે તો દોડવા લાગ્યા અને યૂસુફ (અ.સ.)ને અમે પોતાની સામગ્રીઓ પાસે બેસાડ્યા, બસ ! તેને વરું આવીને તેનો શિકાર કરી ગયું, તમે તો અમારી વાત નહીં માનો, ભલેને અમે તદ્દન સાચા કેમ ન હોય.
૧૮) અને યૂસુફના કુર્તાને ખોટા લોહીવાળું પણ કરી લાવ્યા હતા, પિતાએ કહ્યું કે આવું નહીં, તમે પોતાના મનમાં જ એક વાત બનાવી દીધી છે, બસ ! ધીરજ રાખવી જ ઉત્તમ છે. અને તમારી ઘડેલી વાતો પર અલ્લાહ પાસે જ મદદ ઇચ્છું છું.
૧૯) અને એક ટોળકી આવી અને તેમણે પોતાના પાણી લાવવાવાળાને મોકલ્યો, તેણે પોતાની ડોલ નાખી, કહેવા લાગ્યો ખુશીની વાત છે આ તો એક બાળક છે, તે લોકોએ (યૂસુફ અ.સ.)ને વેપારનો માલ સમજી છુપાવી દીધા અને અલ્લાહ તઆલા તેને જાણતો હતો, જે કંઈ તેઓ કરી રહ્યા હતા.
૨૦) અને તેમણે તેમને ખૂબ જ નજીવી કિંમતે ગણતરીના થોડાંક દીરહમો લઇ વેચી દીધા, તેઓ તો યૂસુફ વિશે ખૂબ જ બેદરકાર હતા.
૨૧) મિસ્રના લોકો માંથી જેણે યૂસુફ (અ.સ.) ને ખરીદ્યા હતા, તેણે પોતાની પત્નીને કહ્યું કે આને ખૂબ જ ઇજજત અને આદર સાથે રાખજે, શક્ય છે આ આપણને ફાયદો પહોંચાડશે અથવા આને આપણે આપણો બાળક માની લઇએ, આમ અમે મિસ્રની ધરતીમાં યૂસુફને નિવાસી બનાવ્યા, કે અમે સપનાના સ્પષ્ટીકરણનું થોડુંક જ્ઞાન શીખવાડી દઇએ, અલ્લાહ પોતાની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવે છે પરંતુ ઘણા પડતા લોકો જાણતા નથી.
૨૨) અને જ્યારે (યૂસુફ અ.સ.) પુખ્ત વયે પહોંચી ગયા, અમે તેને ન્યાય કરવાની શક્તિ અને જ્ઞાન આપ્યું, અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
૨૩) તે સ્ત્રીએ, જેના ઘરમાં યૂસુફ (અ.સ.) હતા, યૂસુફ (અ.સ.) ને પોતાની તરફ આકર્ષિત કરવા લાગી કે તે પોતાના મનની ઇચ્છા છોડી દે અને દરવાજો બંધ કરી કહેવા લાગી “ લો આવી જાવ” યૂસુફ (અ.સ.) એ કહ્યું “અલ્લાહની પનાહ” તે મારો પાલનહાર છે, તેણે મારી ખૂબ જ સારી રીતે દેખરેખ કરી છે. અન્યાય કરવાવાળાનું ભલું નથી થતું.
૨૪) તે સ્ત્રી યૂસુફ તરફ આગળ વધી અને જો યૂસુફ પોતાના પાલનહારની દલીલ ન જોતા તો તેની તરફ આગળ વધતા પરંતુ એવું ન થયું એટલા માટે કે અમે તેનાથી બુરાઇ અને અશ્લિલતા દૂર કરી દીધી હતી, નિ:શંક તે અમારા પસંદ કરેલા બંદાઓ માંથી હતા.
૨૫) બન્ને દરવાજા તરફ દોડ્યા અને તે સ્ત્રીએ યૂસુફ નો કુર્તો પાછળથી ખેંચીને ફાડી નાંખ્યો અને દરવાજા પાસે જ સ્ત્રીનો પતિ બન્નેને મળી ગયો, તો કહેવા લાગી જે વ્યક્તિ તારી પત્ની સાથે ખરાબ ઇરાદો કરે બસ ! તેની સજા આ જ છે કે તેને કેદી બનાવી લેવામાં આવે અથવા બીજી કોઈ દુ:ખદાયી સજા આપવામાં આવે.
૨૬) યૂસુફ અ.સ. એ કહ્યું કે આ સ્ત્રી જ મને પોતાની તરફ આકર્ષિત કરતી હતી અને સ્ત્રીની કબીલાના એક વ્યક્તિએ સાક્ષી આપી કે જો આનો કુર્તો આગળથી ફાટેલો હોય તો સ્ત્રી સાચી છે અને યૂસુફ જુઠ બોલે છે.
૨૭) અને જો તેનો કુર્તો પાછળથી ફાડવામાં આવ્યો હોય તો સ્ત્રી ખોટી છે અને યૂસુફ સાચા લોકો માંથી છે.
૨૮) પતિએ જોયું કે યૂસુફનો કુર્તો પીઠ તરફથી ફાડવામાં આવ્યો છે તો સ્પષ્ટ કહી દીધું કે આ તો સ્ત્રીઓની ચાલાકી છે, નિ:શંક તમારી ચાલાકી ખૂબ જ મોટી છે.
૨૯) યૂસુફ હવે આ વાતને છોડી દો અને (હે સ્ત્રી) તું પોતાના પાપની માફી માંગ, નિ:શંક તું પાપીઓ માંથી છે.
૩૦) અને શહેરની સ્ત્રીઓમાં ચર્ચા થવા લાગી કે અઝીઝની પત્ની, પોતાના (યુવાન) દાસને પોતાનો ઇચ્છાપૂર્તિ પૂરો કરવા માટે આકર્ષિત કરે છે, તેમના હૃદયમાં યૂસુફની મુહબ્બત બેસી ગઇ છે, અમારી વિચારધારા પ્રમાણે તો તે સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે.
૩૧) તેણે જ્યારે તેમની આ દગાની વાતો સાંભળી, તો તેઓને બોલાવ્યા અને તેમના માટે એક સભા રાખી અને તેમના માંથી દરેકને ચપ્પુ આપ્યું અને કહ્યું હે યૂસુફ ! આ લોકો સામે આવો, તે સ્ત્રીઓએ જ્યારે તેમને જોયા તો ઘણા જ સુંદર જોયા અને પોતાના હાથ કાપી નાખ્યા અને ઝબાન માંથી નીકળી ગયું, “ હાશ-અલ્લાહ” આ તો માનવી છે જ નહીં, આ તો ખરેખર કોઈ પ્રતિષ્ઠિત ફરિશ્તો છે.
૩૨) તે સમયે અઝીઝે મિસ્રની પત્નીએ કહ્યું, આ જ છે જેના વિશે તમે મને ટોણાં મારતા હતા, મેં આનાથી પોતાનો મતલબ પ્રાપ્ત કરવા ઇચ્છયું, પરંતુ આ બચીને જ રહ્યો અને જે કંઈ હું આને કહું છું જો આ નહીં કરે તો ખરેખર આ કેદી બનાવી લેવામાં આવશે. અને તે અપમાનિત થશે.
૩૩) યૂસુફ અ.સ. એ દુઆ કરી કે હે મારા પાલનહાર ! જે વાત તરફ આ સ્ત્રીઓ મને બોલાવી રહી છે તેના કરતા મને જેલ ખૂબ જ પસંદ છે, જો તેં આ લોકોની યુક્તિને મારાથી દૂર ન કરી તો હું આ લોકો તરફ આકર્ષિત થઇ જઇશ અને ખૂબ જ અણસમજુ લોકો માંથી થઇ જઇશ.
૩૪) તેના પાલનહારે તેની દુઆ કબૂલ કરી અને તે સ્ત્રીઓની યુક્તિને તેનાથી ફેરવી નાંખી, ખરેખર તે સાંભળનાર, જાણકાર છે.
૩૫) પછી તે દરેક નિશાનીઓને જોઇ લીધા પછી પણ તેમને આવું જ યોગ્ય લાગ્યું કે યૂસુફ ને થોડાંક સમય માટે જેલમાં રાખીએ.
૩૬) તેમની સાથે બીજા બે યુવાન જેલમાં ગયા, તેમાંથી એકે કહ્યું કે મેં સપનામાં પોતાને દારૂ નિચોડતા જોયો અને બીજાએ કહ્યું હું પોતે મારા માથા પર રોટલી ઉઠાવેલી જોઇ રહ્યો છું, જેને પક્ષીઓ ખાઇ રહ્યા છે, અમને આ સપનાનું સ્પષ્ટીકરણ બતાવો, અમને તમે ગુણવાન વ્યક્તિ લાગો છો.
૩૭) યૂસુફ (અ.સ.) એ કહ્યું તમને જે ખાવાનું આપવામાં આવી રહ્યું છે, તે તમારી પાસે પહોંચતા પહેલા જ હું તમને તે સપનાનો સ્પષ્ટીકરણ બતાવી દઇશ, આ બધું તે જ્ઞાનના કારણે જે મને મારા પાલનહારે શિખવાડ્યું છે, મેં તે લોકોનો ધર્મ છોડી દીધો છે જેઓ અલ્લાહ પર ઇમાન નથી રાખતા અને આખેરતનો પણ ઇન્કાર કરનારા છે.
૩૮) હું મારા પૂર્વજોના દીનનું અનુસરણ કરું છું, એટલે કે ઇબ્રાહીમ (અ.સ.) , ઇસ્હાક (અ.સ.) અને યાકૂબ (અ.સ.)ના દીનનું, અમારા માટે એ યોગ્ય નથી કે અમે અલ્લાહની સાથે કોઈને પણ ભાગીદાર ઠેરવીએ, અમારા અને દરેક બીજા લોકો પર અલ્લાહની ખાસ કૃપા છે, પરંતુ વધારે પડતા લોકો કૃતઘ્ની છે.
૩૯) હે મારા જેલના મિત્રો ! શું કેટલાક અલગ-અલગ પાલનહાર શ્રેષ્ઠ છે અથવા એક અલ્લાહ જબરદસ્ત ?
૪૦) તેના સિવાય જેની પણ તમે બંદગી કરી રહ્યા છો, તે ફક્ત નામ જ છે, જે તમે અને તમારા પૂર્વજોએ પોતે જ ઘડી કાઢ્યા છે, અલ્લાહ તઆલાએ તેમના માટે કોઈ દલીલ નથી ઉતારી, આદેશ ફક્ત અલ્લાહનો જ છે, તેનો આદેશ છે કે તમે સૌ તેના સિવાય કોઈ બીજાની બંદગી ન કરો, આ જ સત્ય દીન છે, પરંતુ વધારે પડતા લોકો જાણતા નથી.
૪૧) હે મારા જેલના મિત્રો ! તમે બન્ને માંથી એક તો બાદશાહને દારૂ પીવડાવવા માટે નક્કી થઇ જશે, પરંતુ બીજાને ફાંસીએ ચઢાવી દેવામાં આવશે અને પંખીઓ તેનું માથું કોચી ખાશે, તમે બન્ને જેના વિશે શોધ કરી રહ્યા હતા, તે કાર્યનો નિર્ણય કરી દેવામાં આવ્યો.
૪૨) અને જેના વિશે યૂસુફ વિચારતા હતા કે તે બન્ને માંથી જે છૂટી જશે, તેને કહ્યું કે પોતાના બાદશાહને મારા વિશે પણ જણાવી દેજો, પછી તેને શૈતાને પોતાના બાદશાહ સામે (યૂસુફનું વર્ણન) કરવાનું ભૂલાવી દીધું અને યૂસુફે કેટલાય વર્ષો જેલમાં જ વિતાવ્યા,
૪૩) બાદશાહે કહ્યું, મેં સપનામાં સાત હૃષ્ટ-પૃષ્ટ ગાયોને જોઇ, જેને સાત દૂબળી ગાયો ખાઇ રહી છે અને સાત હર્યા-ભર્યા ડુંડા જોયા અને બીજા સાત ડુંડા તદ્દન સૂકા. હે દરબારીઓ ! મારા આ સપનાનું સ્પષ્ટીકરણ જણાવો, જો તમે સપનાનું સ્પષ્ટીકરણ કરી શકતા હોવ.
૪૪) તેમણે જવાબ આપ્યો કે આ તો જેવા-તેવા સપના છે અને આવા બેકાર સપનાનું સ્પષ્ટીકરણ અમે નથી જાણતા.
૪૫) તે બન્ને કેદીઓ માંથી જે કેદી મુક્ત થયો હતો, તેને વર્ષો પછી યાદ આવ્યું અને કહેવા લાગ્યો હું તમને આનું સ્પષ્ટીકરણ બતાવી દઇશ, મને જવા માટેની પરવાનગી આપો.
૪૬) હે ખૂબ જ સાચા યૂસુફ ! તમે અમને આ સપનાનું સ્પષ્ટીકરણ બતાવો, સાત હૃષ્ટપૃષ્ટ ગાયો છે, જેમને સાત દૂબળી ગાયો ખાઇ રહી છે આને સાત હર્યા-ભર્યા ડુંડા છે અને સાત બીજા સૂકા ડુંડા છે, જેથી હું પાછો ફરી તે લોકોને કહી દઉં જેથી તે સૌ જાણી લે.
૪૭) યૂસુફે જવાબ આપ્યો કે તમે સાત વર્ષ સુધી સતત આદત પ્રમાણે ખેતી કરતા રહેજો અને ઊપજો કાપી તેને ડૂડાં સાથે જ રહેવા દેજો, પોતાના ખોરાક જેટલું તેમાંથી લઇ લેજો.
૪૮) ત્યારપછી સાત વર્ષ અત્યંત દુકાળ પડશે, તે ઊપજો કામ આવશે, જેને તમે સંભાળી રાખ્યું હતું, (બીજી વાર ખેતી કરવા માટે જે ઉપજ બચાવી રાખવામાં આવે છે) તે સિવાય બધું જ તમને કામ આવશે.
૪૯) ત્યાર પછી જે વર્ષ આવશે તેમાં લોકો માટે ખૂબ વરસાદ વરસાવવામાં આવશે અને તે વર્ષમાં તમે (દ્રાક્ષના ઝૂમખા) ખૂબ જ નીચોડશો.
૫૦) અને બાદશાહે કહ્યું કે યૂસુફને મારી પાસે લાવો, જ્યારે સંદેશવાહક યૂસુફ પાસે પહોંચ્યો, તો તેમણે કહ્યું, પોતાના બાદશાહ પાસે પાછો જા અને તેને પૂછ કે તે સ્ત્રીઓની સાચી વાત શું છે ? જેમણે પોતાના હાથ કાપી નાખ્યા હતા, તેમની યુક્તિને (સાચી રીતે) જાણવાવાળો મારો પાલનહાર જ છે.
૫૧) બાદશાહે કહ્યું. હે સ્ત્રીઓ ! તે સમયની સાચી વાત શું છે ? જ્યારે તમે યુક્તિ કરી યૂસુફને તેની મનની ઇચ્છાથી હટાવવા માંગતા હતા, તેણીઓ સ્પષ્ટ જવાબ આપ્યો કે “ અલ્લાહની પનાહ” અમે યૂસુફમાં કોઈ બુરાઇ નથી જોઇ, પછી તો અઝીઝની પત્ની પણ બોલી કે હવે સાચી વાત આવી ગઇ, મેં જ તેને તેમના જ લાલચ આપી હતી અને ખરેખર તે સાચા લોકો માંથી છે.
૫૨) (યૂસુફ અ.સ. એ કહ્યું ) આ એટલા માટે કે (અઝીઝ ) જાણી લે કે મેં તેની ગેરહાજરીમાં તેને દગો નથી કર્યો અને એ પણ અલ્લાહ ધોકાખોરોની યુક્તિઓને સફળ નથી થવા દેતો.
૫૩) હું પોતાના મનની પવિત્રતાનું વર્ણન નથી કરતો, નિ:શંક મનતો બુરાઇ તરફ જ પ્રોત્સાહી છે, પરંતુ એ કે મારો પાલનહાર જ પોતાની કૃપા કરે, ખરેખર મારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે.
૫૪) બાદશાહે કહ્યું કે, તેને મારી પાસે લાવો જેથી હું તેને મારા ખાસ કાર્યો માટે તેમને નક્કી કરું, પછી જ્યારે તેની સાથે વાતચીત કરી તો કહેવા લાગ્યા કે તમે આજથી અમારે ત્યાં પ્રતિષ્ઠિત અને નિષ્ઠાવાન છો.
૫૫) (યૂસુફે) કહ્યું, તમે મને શહેરના ખજાનાની વ્યવસ્થા માટે નક્કી કરી દો, હું નિરીક્ષક અને જાણકાર છું.
૫૬) આવી જ રીતે અમે યૂસુફ (અ.સ.) ને શહેર પર સત્તા આપી દીધી, કે તે જ્યાં ઇચ્છે ત્યાં રહે, અમે જેને ઇચ્છીએ છીએ તેના પર પોતાની કૃપા કરીએ છીએ, અમે સદાચારી લોકોના સારા કાર્યોનો બદલો વ્યર્થ નથી કરતા.
૫૭) નિ:શંક ઇમાનવાળા અને ડરવાવાળાઓ માટે પરલોકનો બદલો ઘણો જ ઉત્તમ છે.
૫૮) યૂસુફના ભાઇઓ આવ્યા અને યૂસુફ પાસે ગયા તો તેમણે તેઓને ઓળખી લીધા અને તેઓએ તેમને ન ઓળખ્યા.
૫૯) જ્યારે તેઓને તેમનું ભાથું આપી દીધું તો કહ્યું કે, તમે મારી પાસે પોતાના તે ભાઇને પણ લઇને આવજો જે તમારા પિતાનો પુત્ર છે, શું તમે જોયું કે હું પૂરેપૂરું તોલીને આપુ છું અને હું ઉત્તમ મહેમાનગતિ કરવાવાળો છું.
૬૦) બસ ! જો તમે તેને લઇ મારી પાસે ન આવ્યા તો મારા તરફથી તમને કંઈ પણ નહીં મળે, પરંતુ તમે મારી નજીક પણ ન ભટકશો.
૬૧) તેમણે કહ્યું કે સારું અમે તેના પિતાને તેના વિશે મનાવીશું અને સંપૂર્ણ પ્રયત્ન કરીશું.
૬૨) પોતાના સહાયકોને કહ્યું કે, આ લોકોનું ભાથું તેમના કોથળાઓમાં મૂકી દો, કે જ્યારે પાછા ફરીને પોતાના ઘરવાળાઓ પાસે જાય અને ભાથાને પારખી લે તો શક્ય છે કે આ લોકો ફરીથી પાછા આવશે.
૬૩) જ્યારે આ લોકો પાછા ફરી પોતાના પિતા સમક્ષ ગયા, તો કહેવા લાગ્યા કે અમારા માટે ભાથું રોકી લેવામાં આવ્યું, હવે તમે અમારી સાથે અમારા ભાઇને મોકલો જેથી અમે અમારો ભાગ લઇ આવીએ. અમે આની દેખરેખની જવાબદારી લઇએ છીએ.
૬૪) (યાકૂબ અ.સ. એ) કહ્યું કે, મને તો આના વિશે તમારો એવો જ વિશ્વાસ છે જેવું કે આ પહેલા આના ભાઇ વિશે હતો, બસ ! અલ્લાહ જ ઉત્તમ દેખરેખ રાખનાર અને તે બધા કરતા ઘણો દયાળુ છે.
૬૫) જ્યારે તેઓએ પોતાનો કોથળો ખોલ્યો તો પોતાનું ભાથું જોયું, જે તેમને આપી દેવામાં આવ્યું હતું, કહેવા લાગ્યા કે હે અમારા પિતા આપણને બીજુ શું જોઇએ છે ? જુઓ, આ અમારું ભાથું પણ અમને પાછું આપવામાં આવ્યું. અમે પોતાના કુંટુંબીજનો માટે લઇ આવીશું અને અમારા ભાઇની દેખરેખ પણ રાખીશું અને એક ઊંટ જેટલું અનાજ વધારે લાવીશું, આ માપ તો ઘણું જ સરળ છે.
૬૬) યાકૂબ (અ.સ.) કહ્યું, હું તો આને ક્યારેય તમારી સાથે નહીં મોકલું, જ્યાં સુધી કે તમે અલ્લાહને વચ્ચે રાખી મને વચન ન આપો કે તમે આને મારી પાસે પાછો લઇ આવશો, સિવાય એક જ શરત કે તમે સૌ કેદી બનાવી લેવામાં આવો, જ્યારે તેઓએ પાકુ વચન આપી દીધું, તો તેમણે કહ્યું કે અમે જે કંઈ પણ કહી રહ્યા છે અલ્લાહ તેના પર સાક્ષી છે.
૬૭) અને (યાકૂબ અ.સ.એ) કહ્યું હે મારા બાળકો ! તમે સૌ એક દ્વાર માંથી દાખલ ન થશો, પરંતુ જુદા-જુદા દ્વાર માંથી પ્રવેશ કરજો, હું અલ્લાહ તરફથી આવનારી કોઈ વસ્તુને તમારાથી ટાળી નથી શક્તો. આદેશ ફક્ત અલ્લાહનો છે. મારો સંપૂર્ણ ભરોસો તેના પર જ છે અને દરેક ભરોસો કરનારે તેના પર જ ભરોસો કરવો જોઇએ.
૬૮) જ્યારે તેઓ તે જ દ્વાર માંથી, જેનો આદેશ તેમને તેમના પિતાએ આપ્યો હતો, પ્રવેશ્યા, જે વાત અલ્લાહએ નક્કી કરી લીધી હોય તે વાતથી તેમને કોઈ બચાવી નથી શકતું, પરંતુ યાકૂબ અ.સ.ના હૃદયમાં એક વિચાર (આવ્યો), અને તે વિચાર પૂરો કર્યો, ખરેખર તે અમારા શિખવાડેલા જ્ઞાનના જાણકાર હતા, પરંતુ વધુ પડતા લોકો નથી જાણતા.
૬૯) આ બધા જ્યારે યૂસુફ અ.સ. પાસે પહોંચી ગયા, તો તેમણે (યૂસુફે) તેમના ભાઇને પોતાની પાસે બેસાડી દીધા અને કહ્યું કે, હું તારો ભાઇ (યૂસુફ) છું. બસ ! આ જે કંઈ પણ કરી રહ્યા છે તેનાથી નિરાશ ન થઇશ.
૭૦) પછી જ્યારે તેમને તેમનું ભાથું બરાબર કરી આપ્યું, તો પોતાના ભાઇના ભાથામાં પાણી પીવા માટેનો પ્યાલો મુકી દીધો, પછી એક અવાજ આપનારાએ પોકારીને કહ્યું કે હે કાફલાવાળાઓ ! તમે લોકો ચોર છો.
૭૧) તેમણે તેમની તરફ મોઢું ફેરવી કહ્યું કે તમારી કઇ વસ્તુ ખોવાઇ ગઇ છે ?
૭૨) જવાબ આપવામાં આવ્યો કે શાહી પ્યાલો ગુમ છે, જે આને શોધી લાવે તેને એક ઊંટના વજન જેટલું અનાજ મળશે. આ વચનનો હું જવાબદાર છું.
૭૩) તેમણે કહ્યું કે, અલ્લાહના સોગંદ તમે સારી રીતે જાણો છો કે અમે શહેરમાં વિદ્રોહ ફેલાવવા માટે નથી આવ્યા અને ન તો અમે ચોર છીએ.
૭૪) તેમણે કહ્યું કે સારું ચોરીની કેવી સજા છે જો તમે જૂઠ્ઠા હોવ ?
૭૫) જવાબ આપવામાં આવ્યો કે તેની સજા આ જ છે કે જેના કોથળા માંથી નીકળે તે જ તેનો બદલો છે, અમે તો આવા અત્યાચારીઓને આવી જ સજા આપીએ છીએ.
૭૬) યૂસુફ (અ.સ.)એ તેમના સામાનની ચકાસણી શરૂ કરી, પોતાના ભાઇની ચકાસણી પહેલા, પછી તે પ્યાલાને પોતાના ભાઇના સામાન માંથી કાઢ્યો. અમે યૂસુફ (અ.સ.) માટે આવી જ યુક્તિ કરી હતી, તે બાદશાહના કાયદા પ્રમાણે આ લોકો પોતાના ભાઇને લઇ જઇ શક્તા નથી, પરંતુ એ કે અલ્લાહ ઇચ્છતો હોય અમે જેના માટે ઇચ્છીએ તેના હોદ્દા ઉચ્ચ કરી દઇએ છીએ, દરેક જાણકાર પર પ્રાથમિકતા રાખનાર બીજો જાણકાર છે.
૭૭) તેમણે કહ્યું કે, જો તેણે ચોરી કરી (તો કોઈ આશ્વર્યની વાત નથી) આનો ભાઇ પણ પહેલા ચોરી કરી ચુકયો છે. યૂસુફ અ.સ. એ આ વાતને પોતાના મનમાં રાખી લીધી અને તેમની સમક્ષ કંઈ પણ જાહેર ન કર્યું, કહ્યું કે તમે ખરાબ જગ્યા પર છો અને જે કંઈ પણ તમે વર્ણન કરી રહ્યા છો તેને અલ્લાહ જ ખૂબ સારી રીતે જાણે છે.
૭૮) તેઓએ કહ્યું કે હે અઝીઝે મિસ્ર ! આના પિતા ઘણા જ વૃદ્ધ અને તદ્દન અશક્ત વ્યક્તિ છે, તમે આના બદલામાં અમારા માંથી કોઈને લઇ લો, અમે જોઇએ છીએ કે તમે ઘણા સાચા મનના છો.
૭૯) યૂસુફ અ.સ.એ કહ્યું કે, અમે જેની પાસે અમારી વસ્તું જોઇ છે તેના સિવાય બીજાની પકડ કરવાથી અલ્લાહના શરણમાં આવીએ છીએ, આવું કરવાથી તો અમે ખરેખર અન્યાય કરનારા થઇ જઇશું.
૮૦) જ્યારે આ લોકો આનાથી નિરાશ થઇ ગયા તો એકાંતમાં બેસી સલાહ-સુચન કરવા લાગ્યા, આમાં જે સૌથી મોટો હતો તેણે કહ્યું કે, તમને ખબર નથી કે તમારા પિતાએ તમારી પાસેથી અલ્લાહના સોગંદ લઇ પાકું વચન લીધું છે અને આ પહેલા યૂસુફ વિશે તમે બેદરકારી કરી ચુકયા છો. બસ ! હું તો અહીંયાથી નહીં જાઉં, જ્યાં સુધી કે પિતાજી પોતે મને પરવાનગી ન આપે, અથવા અલ્લાહ તઆલા મારી આ બાબતે ફેંસલો ન કરી દે, તે જ ઉત્તમ ફેંસલો કરનાર છે.
૮૧) તમે પિતા પાસે પાછા જાઓ અને કહો કે પિતાજી ! તમારા દીકરાએ ચોરી કરી અને અમે તે જ સાક્ષી આપી જે અમે જાણતા હતા, અમે કંઈ પણ અદૃશ્યનું જ્ઞાન જાણતા ન હતા.
૮૨) તમે આ શહેરના લોકોને પૂછી લો, જ્યાં અમે હતા અને તે કાફલાને પણ પૂછી લો, જેની સાથે અમે આવ્યા છે અને ખરેખર અમે સાચા છે.
૮૩) (યાકૂબ અ.સ.એ) કહ્યું આવું નથી પરંતુ તમે પોતાના તરફથી વાત ઘડી કાઢી છે, બસ ! હવે ધીરજ રાખવી જ ઉત્તમ છે, શક્ય છે કે અલ્લાહ તઆલા તે સૌને મારી પાસે જ પહોંચાડી દે, તે જ જ્ઞાની અને હિકમતવાળો છે.
૮૪) પછી તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે હાય યૂસુફ ! તેમની આંખો દુ:ખના કારણે સફેદ થઇ ગઇ હતી અને તેમણે દુ:ખને છુપાવી રાખ્યું હતું.
૮૫) પુત્રોએ કહ્યું કે, અલ્લાહના સોગંદ ! તમે હંમેશા યૂસુફની યાદમાં જ રહેશો, ત્યાં સુધી કે ઘરડા થઇ જાવ અથવા મૃત્યુ પામો.
૮૬) તેમણે કહ્યું કે, હું તો મારી પરેશાની અને દુ:ખની ફરિયાદ અલ્લાહ પાસે જ કરુ છું, મને અલ્લાહ તરફથી તે વાતોની જાણ છે જેને તમે નથી જાણતા.
૮૭) મારા વ્હાલા પુત્રો ! તમે જાવ અને યૂસુફ અ.સ. અને તેમના ભાઇની સંપૂર્ણ રીતે શોધ કરો અને અલ્લાહની કૃપાથી નિરાશ ન થાવ, નિ:શંક પાલનહારની કૃપાથી નિરાશ તે જ લોકો થાય છે જેઓ ઇન્કાર કરનારા છે.
૮૮) પછી જ્યારે આ લોકો યૂસુફ અ.સ. પાસે પહોંચ્યા, તો કહેવા લાગ્યા કે હે અઝીઝ ! અમને અને અમારા કુટુંબીજનોને દુ:ખ પહોંચ્યું છે, અમે ઓછું (ધન) લાવ્યા છે, બસ ! તમે અમને પૂરેપૂરું અનાજ આપો અને અમને દાન આપો, અલ્લાહ તઆલા દાન કરવાવાળાઓને બદલો આપે છે.
૮૯) યૂસુફે કહ્યું, જાણો છો કે તમે યૂસુફ અને તેના ભાઇ સાથે પોતાની અજાણતાની સ્થિતિમાં શું કર્યું ?
૯૦) તેઓએ કહ્યું, કે શું (ખરેખર) તમે જ યૂસુફ છો, જવાબ આપ્યો કે હાં, હું જ યૂસુફ છું અને આ મારો ભાઇ છે, અલ્લાહએ અમારા પર કૃપા કરી, વાત એવી છે કે જે પણ ડરવા લાગે અને ધીરજ રાખે તો અલ્લાહ તઆલા કોઈ સદાચારીનો બદલો વ્યર્થ નથી કરતો.
૯૧) તેઓએ કહ્યું કે અલ્લાહના સોગંદ ! અલ્લાહ તઆલાએ તમને અમારા પર પ્રભુત્વ આપ્યું અને આ પણ તદ્દન સાચું છે કે અમે ગુનેગાર હતા.
૯૨) જવાબ આપ્યો કે, આજે તમારા પર કોઈ પકડ નથી, અલ્લાહ તઆલા તમને માફ કરે. તે સૌ માફ કરવાવાળાઓ માંથી ખૂબ જ માફ કરનાર છે.
૯૩) મારો આ કુર્તો તમે લઇ જાવ અને તેને મારા પિતાના ચહેરા પર નાંખી દો, જેથી તેઓ દૃષ્ટિ પાછી મેળવે અને આવી જાવ, પોતાના દરેક કુંટુંબીજનોને મારી પાસે લઇ આવો.
૯૪) જ્યારે આ કાફલો છુટો પડયો તો તેમના પિતાએ કહ્યું, મને તો યૂસુફની સુગંધ આવી રહી છે, જો તમે મને પાગલ ન સમજો તો.
૯૫) તેઓ કહેવા લાગ્યા, કે અલ્લાહના સોગંદ ! તમે પોતાના તે જ જુના વિચારોમાં છો.
૯૬) જ્યારે ખુશખબર આપનારાએ પહોંચીને તેમના ચહેરા પર તે કુર્તો નાખ્યો તે જ સમયે તે ફરીથી જોવા લાગ્યા, કહ્યું ! શું હું તમને નહતો કહેતો કે હું અલ્લાહ તરફથી તે વાતો જાણું છું જેને તમે નથી જાણતા.
૯૭) તેઓએ કહ્યું, કે પિતાજી ! તમે અમારા માટે ગુનાની માફી માંગો, ખરેખર અમે અપરાધી છે.
૯૮) કહ્યું કે, હું નજીક માંજ તમારા માટે પોતાના પાલનહાર પાસે માફી માંગીશ, તે ઘણો જ મોટો માફ કરનાર અને અત્યંત દયાળુ છે.
૯૯) જ્યારે આ બધા ઘરવાળાઓ યૂસુફ અ.સ. પાસે પહોંચ્યા તો યૂસુફે પોતાના માતાપિતાને પોતાની નજીક બેસાડ્યા અને કહ્યું કે અલ્લાહની ઇચ્છા હોય તો તમે સૌ શાંતિ પૂર્વક મિસ્રમાં આવો.
૧૦૦) અને પોતાના સિંહાસન પર પોતાના માતાપિતાને ઊંચ્ચ સ્થાને બેસાડ્યા અને સૌ તેમની સામે સિજદામાં પડી ગયા, ત્યારે કહ્યું કે પિતાજી ! આ મારા પહેલા સપનાનું સ્પષ્ટીકરણ છે. મારા પાલનહારે આ સપનાને સાચું કરી બતાવ્યું. તેણે મારા પર ઘણા ઉપકાર કર્યા, જ્યારે કે મને જેલ માંથી કાઢ્યો અને તમને રણ પ્રદેશ માંથી લઇ આવ્યો, તે વિવાદ પછી, જે શેતાને મારા અને મારા ભાઇઓ વચ્ચે નાખ્યો હતો, મારો પાલનહાર જે ઇચ્છે તેની ઉત્તમ વ્યવસ્થા કરવાવાળો છે અને તે ઘણો જ જ્ઞાની અને હિકમતવાળો છે.
૧૦૧) હે મારા પાલનહાર ! તે મને શહેર આપ્યું અને તે મને સપનાના સ્પષ્ટીકરણનું જ્ઞાન શિખવાડ્યું. હે આકાશ અને ધરતીનું સર્જન કરનાર ! તું જ દુનિયા અને આખેરતમાં મારો દોસ્ત અને વ્યવસ્થાપક છે. તું મને ઇસ્લામની સ્થિતિમાં મૃત્યુ આપ અને સદાચારી લોકો માંથી કરી દે.
૧૦૨) આ અદૃશ્યની વાતો માંથી છે, જેની વહી અમે તમારી તરફ કરી રહ્યા છીએ, તમે તેની પાસે ન હતા, જ્યારે તેઓએ પોતાની વાત કહી હતી અને તેઓ વિદ્રોહ કરવા લાગ્યા હતા.
૧૦૩) ભલેને તમે જેટલું પણ ઇચ્છો, પરંતુ વધારે પડતા લોકો ઇમાનવાળા નહીં થાય.
૧૦૪) તમે તેમની પાસે આના માટે કોઈ વળતર નથી માંગી રહ્યા, આ તો દરેક લોકો માટે સ્પષ્ટ શિખામણ જ છે.
૧૦૫) આકાશો અને ધરતીમાં ઘણી જ નિશાનીઓ છે, જેનાથી આ લોકો મોઢું ફેરવી જતા રહે છે.
૧૦૬) તેમના માંથી વધારે પડતા લોકો અલ્લાહ પર ઇમાન ધરાવવા છતાં મુશરિક છે.
૧૦૭) શું તેઓ આ વાતથી નીડર બની ગયા છે કે તેમની પાસે અલ્લાહના પ્રકોપ માંથી કોઈ સામાન્ય પ્રકોપ આવી જાય, અથવા તેમના પર અચાનક કયામત આવી જાય અને તેઓ અજાણ હોય.
૧૦૮) તમે કહી દો કે, મારો માર્ગ આ જ છે, હું અને મારું અનુસરણ કરનારા અલ્લાહ તરફ બોલાવી રહ્યા છે, સંપૂર્ણ ભરોસા સાથે. અને અલ્લાહ પવિત્ર છે અને હું મુશરિકો માંથી નથી.
૧૦૯) તમારા પહેલા અમે જેટલા પણ પયગંબરો મોકલ્યા છે, બધાં પુરુષ જ હતા, જેમની તરફ અમે વહી અવતરિત કરતા ગયા, શું ધરતી પર હરી-ફરીને તેઓએ જોયું નથી કે તેમનાથી પહેલાના લોકોની કેવી દશા થઇ, ખરેખર આખેરતનું ઘર ડરવાવાળાઓ માટે ઘણું જ ઉત્તમ છે, શું તો પણ તમે નથી સમજતા ?
૧૧૦) ત્યાં સુધી કે જ્યારે પયગંબર નિરાશ થવા લાગ્યા અને તેઓ (કોમના લોકો) વિચારવા લાગ્યા કે (પયગંબર અને તેમની કહેલી વાતો) જૂઠ્ઠી છે, તો તરતજ અમારી મદદ તેમની પાસે આવી પહોંચી, જેને અમે ઇચ્છ્યું તેને નજાત (મુક્તિ) આપી, વાત એવી છે કે અમારી યાતનાને ગુનેગારો પરથી હટાવવામાં નથી આવતી.
૧૧૧) તેમની વાતમાં બુદ્ધિશાળી લોકો માટે ખરેખર શિખામણ છે, આ કુરઆન, ખોટી વાત નથી, પરંતુ આ પુષ્ટિ કરે છે તે કિતાબોની, જે તેના પહેલાની છે. દરેક વસ્તુનું સ્પષ્ટ રીતે વર્ણન કરનારી છે અને ઇમાનવાળાઓ માટે સત્યમાર્ગ દર્શન અને કૃપા છે.