ﰡ
૧) પવિત્ર છે તે અલ્લાહ તઆલા, જે પોતાના બંદાને (એક જ) રાત્રિમાં મસ્જિદે હરામ થી મસ્જિદે અકસા સુધી લઇ ગયો, જેની આજુબાજુ અમે બરકત આપી રાખી છે, એટલા માટે કે અમે તેને અમારી કુદરતના થોડાંક નમૂનાઓ બતાવીએ. નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ સાંભળનાર, જોનાર છે.
૨) અમે મૂસા (અ.સ.)ને કિતાબ આપી અને તેમને ઇસ્રાઇલના સંતાન માટે માર્ગદર્શક બનાવી દીધા કે તમે મારા સિવાય કોઈને પોતાનો વ્યવસ્થાપક ન બનાવશો.
૩) હે તે લોકોના સંતાનો ! જેમને અમે નૂહ (અ.સ.) સાથે સવાર કરી દીધા હતા, તે અમારો ખૂબ જ આભારી બંદો હતો.
૪) અમે ઇસ્રાઇલના સંતાન માટે તેમની કિતાબમાં સ્પષ્ટ રીતે નિર્ણય કરી દીધો હતો કે તમે ધરતી પર બે વાર વિદ્રોહ કરશો અને તમે ખૂબ જ અતિરેક કરશો.
૫) તે બન્ને વચનો માંથી પહેલું વચન આવતા જ અમે તમારી વિરુદ્ધ અમારા બંદાઓ મોકલી દીધા જે બહાદુર યોદ્વા હતા, બસ ! તે તમારા ઘરમાં પણ આવી પહોંચ્યા અને અલ્લાહનું આ વચન પૂરું થવાનું જ હતું.
૬) પછી અમે તેમના પર તમને વિજય અપાવ્યો અને તરત જ ધન અને સંતાન દ્વારા તમારી મદદ કરી અને તમારું ખૂબ જ મોટું જૂથ બનાવી દીધું.
૭) જો તમે સારા કર્મો કર્યા તો તે તમારા પોતાના જ ફાયદા માટે છે અને જો તમે ખોટાં કર્મો કર્યા તો તે પણ તમારા પોતાના માટે જ છે. ફરી જ્યારે બીજા વચનનો સમય આવ્યો, (તો અમે બીજા બંદાઓને મોકલી દીધા જેથી) તે તમારા ચહેરા બગાડી નાખે અને પ્રથમ વખતની જેમજ તે જ મસ્જિદમાં ઘૂસી જાય અને જે જે વસ્તુ હાથ લાગે તેને તોડી ફોડી નાખે.
૮) આશા છે કે તમારો પાલનહાર તમારા પર કૃપા કરે, હાં જો તમે પાછા તેવું જ કરવા લાગો તો અમે પણ બીજી વખત આવું જ કરીશું. અને અમે ઇન્કાર કરનારાઓ માટે કેદખાનું, જહન્નમને બનાવી રાખી છે.
૯) નિ:શંક આ કુરઆન તે માર્ગ બતાવે છે જે તદ્દન સાચો છે અને ઇમાનવાળાઓ તથા જે લોકો સત્કાર્ય કરે છે, તે વાતની ખુશખબર આપે છે કે તેમના માટે ખૂબ જ મોટું વળતર છે.
૧૦) અને એ કે, જે લોકો આખેરત પર ઇમાન નથી ધરાવતા તેમના માટે અમે દુ:ખદાયી યાતના તૈયાર કરી રાખી છે.
૧૧) અને માનવી બૂરાઈની દુઆ કરે છે, પોતાની ભલાઇની દુઆ માંગવા જેવી જ, માનવી ખૂબ જ ઉતાવળીયો છે.
૧૨) અમે રાત અને દિવસને પોતાની કુદરતની નિશાનીઓ બનાવી, રાતની નિશાનીને તો અમે અંધકારમય બનાવી દીધી છે અને દિવસની નિશાનીને પ્રકાશિત કરી દીધી છે, જેથી તમે પોતાના પાલનહારની કૃપા શોધી શકો અને એટલા માટે પણ કે વર્ષોની ગણતરી અને હિસાબ કરી શકો અને દરેક વસ્તુનું વર્ણન અમે ખૂબ જ સ્પષ્ટ રીતે કર્યું છે.
૧૩) અમે દરેક વ્યક્તિની બૂરાઈ અને ભલાઇને તેના ગળામાં લટકાવી દીધી છે અને કયામતના દિવસે અમે તેની સામે તેની કર્મનોંધ કાઢીશું, જેને તે પોતાના માટે સ્પષ્ટ જોઇ લેશે.
૧૪) લે, પોતે જ પોતાની કિતાબ વાંચી લે, આજે તો તું પોતે જ પોતાનો હિસાબ લેવા માટે પૂરતો છે.
૧૫) જે સત્યમાર્ગ પ્રાપ્ત કરી લે તે પોતે પોતાના જ ભલા માટે સત્યમાર્ગ પર હોય છે અને જે ભટકી જાય તેનો ભાર તેના પર જ છે, કોઈ ભાર ઉઠાવનાર બીજાનો ભાર પોતાના પર નહીં ઉઠાવે અને અમારો એ નિયમ નથી કે પયગંબર અવતરિત કર્યા પહેલા યાતના ઉતારીએ.
૧૬) અને જ્યારે અમે કોઈ વસ્તીને નષ્ટ કરવાનો નિર્ણય કરી લઇએ છીએ તો ત્યાંના સુખી લોકોને આદેશ આપીએ છે અને તે વસ્તીમાં સ્પષ્ટ રીતે અવજ્ઞા કરવા લાગે છે તો તેમના પર (યાતનાની) વાત નક્કી થઇ જાય છે. પછી અમે તે વસ્તીને નષ્ટ કરી દઇએ છીએ.
૧૭) અમે નૂહ (અ.સ.) પછી પણ ઘણી કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ અને તમારો પાલનહાર પોતાના બંદાઓના પાપોને ખૂબ જ જાણનાર અને ધ્યાન રાખનાર છે.
૧૮) જેની ઇચ્છા ફક્ત આ ઝડપથી પ્રાપ્ત થનારી દુનિયાની જ હોય તેને અમે આ દુનિયામાં જેના માટે જેટલું ઇચ્છીએ પૂરેપૂરું આપીએ છીએ, છેવટે અમે તેના માટે જહન્નમ નક્કી કરી દઇએ છીએ, જ્યાં તે ધૃત્કારેલ બનીને પ્રવેશ પામશે.
૧૯) અને જેની ઇચ્છા આખેરત પ્રાપ્ત કરવાની હોય અને જેવો પ્રયત્ન તેના માટે કરવો જોઇએ તે કરે પણ છે અને તે ઇમાનવાળો પણ હોય, બસ! આ લોકો જ છે જેમના પ્રયત્નોને અલ્લાહને ત્યાં સન્માન મળશે.
૨૦) અમે દરેકને અમારી કૃપા માંથી (રોજી) આપીએ છીએ, આ લોકોને પણ અને તેમને પણ, તમારા પાલનહારની કૃપા રોકાઇ ગઇ નથી.
૨૧) જોઇ લો કે તેમને એકબીજા પર કેવી રીતે અમે પ્રાથમિકતા આપી છે અને આખેરત તો હોદ્દા માટે વધારે ઉત્તમ છે અને પ્રભુત્વ માટે પણ ખૂબ જ ઉત્તમ છે.
૨૨) અલ્લાહની સાથે બીજા કોઈને પૂજ્ય ન બનાવ, નહીં તો લાચાર અને નિરાશ બની બેસી રહીશ.
૨૩) અને તમારો પાલનહાર સ્પષ્ટ રીતે આદેશ આપી ચૂકયો છે કે તમે તેને છોડીને અન્યની બંદગી ન કરશો અને માતા-પિતા સાથે સદવર્તન કરજો જો તમારી હાજરીમાં તેમના માંથી એક અથવા બન્ને વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય તો તેમને “ઉફ” પણ ન કહેશો, ન તો તેમને ઠપકો આપશો, પરંતુ તેમની સાથે સભ્યતાથી વાત કરજો.
૨૪) અને વિનમ્રતા તથા પ્યારભર્યા અંદાજથી તેમની સામે પોતાના બાજુ ઝુકાયેલા રાખજો અને દુઆ કરતા રહેજો કે હે મારા પાલનહાર ! તેમના પર તેવી જ રીતે દયા કર જેવી રીતે તેમણે મારા બાળપણમાં મારું ભરણપોષણ કર્યું.
૨૫) જે કંઈ પણ તમારા હૃદયોમાં છે તેને તમારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે, જો તમે સદાચારી છો તો તે ઝૂકવાવાળાને માફ કરવાવાળો છે.
૨૬) અને સગાંસંબંધીઓ તથા લાચારો અને મુસાફરોના હક્ક પૂરા કરતા રહો અને ઇસ્રાફ (ખોટા ખર્ચા)થી બચો.
૨૭) ખોટા ખર્ચ કરનાર શેતાનના ભાઇ છે અને શેતાન પોતાના પાલનહારનો ઘણો જ કૃતઘ્ન છે.
૨૮) અને જો તમને તે લોકોથી મોઢું ફેરવવું પડે, પોતાના પાલનહારની તે કૃપાની શોધમાં જેની આશા તમે રાખો છો, તો પણ તમે સારી રીતે અને નમ્રતા પૂર્વક તેઓને સમજાવી દો.
૨૯) પોતાનો હાથ પોતાના ગળા સાથે બાંધેલો ન રાખ અને ન તો તેને તદ્દન ખોલી નાખ, જેથી તારા પર આરોપ મૂકી તને બેસાડી દેવામાં આવે.
૩૦) નિ:શંક તમારો પાલનહાર જેના માટે ઇચ્છે તેને પુષ્કળ રોજી આપે છે અને જેના માટે ઇચ્છે, તેની રોજી તંગ કરી દે છે, નિ:શંક તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને જુએ છે.
૩૧) અને લાચારીના ભયથી પોતાના સંતાનને ન મારી નાખો, તેમને અને તમને અમે જ રોજી આપીએ છીએ, નિ:શંક તેમને કતલ કરી દેવા, ખૂબ જ મોટું પાપ છે.
૩૨) ખબરદાર ! અશ્લીલતાની નજીક પણ ન જશો, કારણકે તે સ્પષ્ટ નિર્લજ્જ્તા છે અને ખૂબ જ ખોટો માર્ગ છે.
૩૩) અને કોઈને પણ, જેને કતલ કરવું અલ્લાહએ હરામ ઠેરવ્યું છે, ક્યારેય ખોટી રીતે કતલ ન કરશો અને જે વ્યક્તિને પીડા આપી મારી નાખવામાં આવે, અમે તેના વારસદારને અધિકાર આપી રાખ્યો છે, બસ ! તેણે બદલો લેવામાં અતિરેક ન કરવો જોઇએ, નિ:શંક તેની મદદ કરવામાં આવી છે.
૩૪) અને અનાથના ધનની નજીક પણ ન જાઓ, સિવાય ઉત્તમ રીતે, ત્યાં સુધી કે તે પોતાની પુખ્તવયે પહોંચી જાય અને વચનો પૂરા કરો, કારણકે વચનો વિશે પૂછપરછ કરવામાં આવશે.
૩૫) અને જ્યારે તોલો તો પૂરેપૂરું તોલીને આપો, અને સીધા ત્રાજવાથી તોલો, આ જ ઉત્તમ છે અને પરિણામ સ્વરૂપે પણ ખૂબ જ ઉત્તમ છે.
૩૬) જે વાતની તમને ખબર પણ ન હોય તેની પાછળ ન પડી જશો, કારણ કે કાન તથા આંખ અને હૃદય-દરેકની પૂછતાછ કરવામાં આવશે.
૩૭) અને ધરતી પર ઇતરાઇને ન ચાલ, ન તો તું ધરતીને ફાડી શકે છે અને ન તો લંબાઇમાં પર્વતો સુધી પહોંચી શકે છે.
૩૮) આ બધાં કાર્યોની બૂરાઈ તમારા પાલનહારની નજીક નાપસંદ છે.
૩૯) આ બધું પણ વહી દ્વારા તમારી તરફ તમારા પાલનહારે હિકમત સાથે અવતરિત કર્યું છે, તમે અલ્લાહ સાથે બીજા કોઈને પૂજ્ય ન બનાવશો, ક્યાંક નિંદાનો ભોગી અને હાંકી કાઢી જહન્નમમાં નાખી દેવામાં આવે.
૪૦) શું પુત્રો માટે તો અલ્લાહએ તમને પસંદ કરી લીધા અને પોતાના માટે ફરિશ્તાઓને દીકરીઓ બનાવી દીધી ? નિ:શંક તમે ખૂબ જ મોટી વાત કહી રહ્યા છો.
૪૧) અમે તો આ કુરઆનમાં દરેક રીતે વર્ણન કરી દીધું જેથી લોકો સમજી જાય, પરંતુ તેનાથી તે લોકોની નફરત વધે જ છે.
૪૨) કહી દો કે જો અલ્લાહ સાથે બીજા પૂજ્ય હોત, જેવી રીતે આ લોકો કહે છે તો જરૂર અત્યાર સુધી અર્શના માલિક સુધીનો માર્ગ શોધી કાઢતા.
૪૩) જે કંઈ આ લોકો કહે છે, તેનાથી તે પવિત્ર અને ઉચ્ચ છે, ઘણો જ દૂર અને ઘણો જ ઉચ્ચ છે.
૪૪) સાત આકાશો અને ધરતી અને જે કંઈ પણ તેમાં છે તેના જ નામનું સ્મરણ કરી રહ્યા છે, એવી કોઈ વસ્તુ નથી જે તેને પવિત્રતા અને પ્રશંસા સાથે યાદ ન કરતી હોય, હાં આ સાચું છે કે તમે તેમના સ્મરણની રીતને સમજી નથી શકતા, તે ખૂબ જ પ્રતિષ્ઠિત અને માફ કરનાર છે.
૪૫) તમે જ્યારે કુરઆન પઢો છો, અમે તમારી અને તે લોકોની વચ્ચે, જે આખેરત પર વિશ્વાસ નથી ધરાવતા, એક છૂપો પરદો નાખી દઇએ છીએ.
૪૬) અને તેમના હૃદયો ઉપર અમે પરદા નાંખી દીધા છે કે તેઓ તેને સમજે અને તેમના કાનમાં બોજ અને જ્યારે તમે ફકત અલ્લાહના જ નામનું સ્મરણ તેના એકેશ્વરવાદ સાથે, આ કુરઆનમાં કરો છે, તો તે લોકો ધમંડ કરતા પીઠ ફેરવી પાછા ફરી જાય છે.
૪૭) જે હેતુ સાથે તે લોકો આ સાંભળે છે, તેને અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ, જ્યારે આ લોકો તમારી તરફ કાન ધરે છે ત્યારે પણ અને જ્યારે આ લોકો સલાહ-સૂચન કરે છે ત્યારે પણ, આ અત્યાચારીઓ કહે છે કે તમે તેનું અનુસરણ કરી રહ્યા છો જેની ઉપર જાદુ કરી દેવામાં આવ્યું છે.
૪૮) જુઓ તો ખરા, તમારા માટે કેવા કેવા ઉદાહરણ આપે છે, બસ ! તે લોકો ભટકી ગયા છે હવે તો સત્યમાર્ગ પર આવવું તેમના હાથમાં નથી.
૪૯) તે લોકોએ કહ્યું કે અમે જ્યારે હાડકાંઓ અને કણ કણ થઇ જઇશું તો શું અમારું સર્જન ફરીથી કરવામાં આવશે ?
૫૦) જવાબ આપી દો કે તમે પથ્થર બની જાવો અથવા લોખંડ.
૫૧) અથવા બીજું કોઈ એવું સર્જન, જે તમારા મતે ઘણું જ સખત હોય, પછી તે લોકો એમ પૂછે, કે કોણ છે જે બીજીવાર અમને જીવન આપે ? તમે જવાબ આપી દો કે તે જ અલ્લાહ, જેણે તમારું સર્જન પ્રથમ વખત કર્યું, તેના પર તે લોકો પોતાના માથા હલાવી તમને પૂછશે કે, સારું તો આ છે ક્યારે ? તમે જવાબ આપી દો કે શું ખબર કે તે નજીકમાં જ હોય.
૫૨) જે દિવસે તે તમને બોલાવશે, તમે તેની પ્રશંસા કરતા, તેના આદેશોનું અનુસરણ કરશો અને વિચારશો કે અમે (ધરતી પર) ઘણું જ ઓછું રોકાયા.
૫૩) અને મારા બંદાઓને કહી દો કે તે ઘણી જ સારી વાત કહેતા રહે, કારણકે શેતાન અંદરોઅંદર વિવાદ કરાવે છે. નિ:શંક શેતાન માનવીનો ખુલ્લો શત્રુ છે.
૫૪) તમારો પાલનહાર તમારા કરતા વધારે જાણવાવાળો છે, તે ઇચ્છે તો તમારા પર કૃપા કરે અથવા તો તે ઇચ્છે તો તમને યાતના આપે, અમે તમને તેઓના જવાબદાર બનાવી અવતરિત નથી કર્યા.
૫૫) આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે તે બધું જ તમારો પાલનહાર ખૂબ જ સારી રીતે જાણે છે, અમે કેટલાક પયગંબરોને કેટલાક પર પ્રાથમિકતા આપી છે અને દાઉદને ઝબુર અમે આપી.
૫૬) કહી દો કે તમે અલ્લાહ સિવાય જેને પૂજ્ય સમજો છો તેમને પોકારો, પરંતુ ન તો તે તમારી કોઈ તકલીફને દૂર કરી શકે છે અને ન તો બદલી શકે છે.
૫૭) જેમને આ લોકો પોકારે છે તે પોતે જ પોતાના પાલનહારની નિકટતા શોધે છે, કે તેઓ માંથી કોણ વધારે નજીક થઇ જાય, તે પોતે અલ્લાહની કૃપાની આશા રાખે છે અને તેની યાતનાથી ભયભીત રહે છે. (વાત આવી જ છે) કે તમારા પાલનહારની યાતના ભયભીત કરી દેનારી છે.
૫૮) જેટલી પણ વસ્તીઓ છે અમે કયામતના દિવસ પહેલા તેમને નષ્ટ કરી દઇશું અથવા સખત સજા આપીશું, આ તો કિતાબમાં લખી દેવામાં આવ્યું છે.
૫૯) અમે નિશાનીઓને અવતરિત કરતા નથી એટલા માટે કે, પહેલાના લોકો તેને જુઠલાવી ચૂક્યા છે, અમે ષમૂદના લોકોને નિશાની રૂપે ઊંટડી આપી, પરંતુ તે લોકોએ તેના પર અત્યાચાર કર્યો, અમે લોકોને ડરાવવા માટે જ નિશાનીઓ અવતરિત કરીએ છીએ.
૬૦) અને યાદ કરો, જ્યારે અમે તમને કહી દીધું કે તમારા પાલનહારે લોકોને ઘેરાવમાં લઇ લીધા છે, જે અમે તમને નરી આંખે બતાવ્યું હતું, તે લોકો માટે સ્પષ્ટ કસોટી હતી અને એવી જ રીતે, તે વૃક્ષ પણ, જેને કુરઆનમાં નફરતનું કારણ બતાવ્યું છે, અમે તે લોકોને ડરાવી રહ્યા છીએ, પરંતુ આ લોકો તે વૃક્ષને લઇ વિદ્રોહ કરવામાં લાગેલા છે.
૬૧) જ્યારે અમે ફરિશ્તાઓને આદેશ આપ્યો કે આદમ (અ.સ.)ને સિજદો કરો, તો ઇબ્લિસ સિવાય દરેકે સિજદો કર્યો, તેણે કહ્યું કે શું હું તેને સિજદો કરું જેને તેં માટીથી બનાવ્યો છે.
૬૨) સારું જોઇ લે, તેં તેને મારા પર પ્રભુત્વ તો આપ્યું છે પરંતુ જો તેં મને પણ કયામત સુધી ઢીલ આપી તો હું તેના સંતાનને થોડાંક લોકો સિવાય, (ઘણા લોકોને) પોતાના વશમાં કરી દઇશ.
૬૩) કહેવામાં આવ્યું કે જા તે લોકો માંથી જેઓ પણ તારું અનુસરણ કરવા લાગશે તો તમારા સૌની સજા જહન્નમ છે, જે પૂરેપૂરો બદલો છે.
૬૪) તે લોકો માંથી તું જે લોકોને પણ પોતાના અવાજ વડે પથભ્રષ્ટ કરી શકે કરી લે અને તેમના પર પોતાના સવાર અને મદદ કરનારાઓને ચઢાવી દે અને તેમનું ધન અને સંતાન માંથી પોતાનો પણ ભાગ ઠેરાવ અને તે લોકોને (જુઠ્ઠા) વચનો આપ, તે લોકોને જેટલા વચનો શેતાન કરે છે, સ્પષ્ટ ધોકો છે.
૬૫) મારા સાચા બંદાઓ પર તારો કોઈ વશ નહીં ચાલે, તારો પાલનહાર પૂરતો વ્યવસ્થાપક છે.
૬૬) તમારો પાલનહાર તે છે, જે તમારા માટે દરિયામાં જહાજો ચલાવે છે, જેથી તમે તેની કૃપા શોધો, તે તમારા પર ખૂબ જ દયા કરનાર છે.
૬૭) અને દરિયાઓમાં તકલીફ પડતાની સાથે જ જેમને તમે પોકારતા હતા સૌ અદૃશ્ય થઇ જાય છે, ફકત તે અલ્લાહ જ બાકી રહે છે. પછી જ્યારે તે તમને બચાવી કિનારા પર લાવે છે તો તમે મોઢું ફેરવી લો છો અને માનવી ખૂબ જ કૃતઘ્ન છે.
૬૮) તો શું તમે તે વાતથી નીડર થઇ ગયા છો કે તમને કિનારા તરફ (લાવી ધરતી)માં ધસાવી દે, અથવા તમારા પર પથ્થરોનું વાવાઝોડું મોકલી દે, પછી તમે પોતાના માટે કોઈને પણ નિરીક્ષક નહીં જુઓ.
૬૯) શું તમે તે વાતથી નીડર થઇ ગયા છો કે અલ્લાહ તઆલા ફરી તમને બીજી વખત દરિયાની મુસાફરી કરાવે અને તમારા પર સખત હવા મોકલે અને તમારા ઇન્કારના કારણે તમને ડુબાડી દે, પછી તમે પોતાના માટે અમારા પર તેનો અધિકાર જતાવનાર કોઈને નહીં જુઓ.
૭૦) નિ:શંક અમે આદમના સંતાનને ખૂબ જ ઇજજત આપી અને તેમને ધરતી અને દરિયાના વાહનો પણ આપ્યા, અને તેમને પવિત્ર વસ્તુઓની રોજી આપી અને અમારા કેટલાય સર્જન પર તેમને પ્રાથમિકતા આપી.
૭૧) જે દિવસે અમે દરેક જૂથને તેમના સરદારો સાથે બોલાવીશું, પછી જેમનું પણ કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવ્યું તે તો ખુશીથી પોતાનું કર્મપત્ર વાંચવા લાગશે અને દોરા બરાબર પણ અત્યાચાર કરવામાં નહીં આવે.
૭૨) અને જે પણ આ દુનિયામાં આંધળો બનીને રહ્યો, તે આખેરતમાં પણ આંધળો અને માર્ગથી ખૂબ જ ભટકેલો હશે.
૭૩) આ લોકો તમને પથભ્રષ્ટ કરવા ઇચ્છે છે તે વસ્તુથી, જેને અમે તમારા પર અવતરિત કરી, કે તમે તેના સિવાય બીજું જ અમારા નામથી ઘડી કાઢો, ત્યારે આ લોકો તમને પોતાના મિત્ર બનાવી લે.
૭૪) જો અમે તમને અડગ ન રાખતા તો ઘણું જ શક્ય હતું કે તમે તેમની તરફ થોડાંક ઝૂકી જતા.
૭૫) પછી અમે પણ દુનિયામાં અને મૃત્યુની બમણી સજા આપતા, પછી તમે તો પોતાના માટે અમારી વિરુદ્ધ કોઈને મદદ કરનાર પણ ન જોતા.
૭૬) આ લોકો તો તમારા ડગલા આ ધરતી પરથી ઉખાડી નાખવા માંગતા હતા કે તમને અહીંયાથી કાઢી મૂકે, પછી આ લોકો પણ તમારા પછી થોડોક જ સમય રોકાઇ શકતા.
૭૭) આવો જ નિયમ તે લોકોનો હતો જેમને તમારા પહેલા પયગંબર બનાવી અમે મોકલ્યા અને તમે અમારા નિયમમાં ક્યારેય ફેરફાર નહીં જુઓ.
૭૮) નમાઝ પઢતા રહો, સૂર્યાસ્તથી લઇ રાત્રિના અંધકાર સુધી અને ફજરના સમયે કુરઆન પઢવું પણ, ખરેખર ફજરના સમયે કુરઆન પઢવાની (ફરિશ્તાઓ) સાક્ષી આપે છે.
૭૯) રાત્રિના થોડાંક સમયે તહજ્જુદની નમાઝમાં કુરઆન પઢો, આ વધારો તમારા માટે છે, નજીક માંજ તમારો પાલનહાર "મહમૂદ" નામી જગ્યા પર ઊભા કરશે.
૮૦) અને દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર ! મને જ્યાં પણ લઇ જા સારી રીતે લઇ જા અને જ્યાંથી પણ કાઢે સારી રીતે કાઢ અને મારા માટે તારી પાસેથી વિજય અને મદદ નક્કી કરી દે.
૮૧) અને જાહેર કરી દો કે સત્ય આવી ગયું અને અસત્ય નષ્ટ થઇ ગયું, નિ:શંક અસત્ય નષ્ટ થવાનું જ હતું.
૮૨) આ કુરઆન જે અમે અવતરિત કરી રહ્યા છે, ઇમાનવાળાઓ માટે તો સ્પષ્ટ ઇલાજ અને કૃપા છે, હાં અત્યાચારીઓ માટે નુકસાન સિવાય બીજો કોઈ અતિરેક નહીં કરવામાં આવે.
૮૩) અને અમે માનવીને જ્યારે ઇનામ આપીએ છીએ તો તે મોઢું ફેરવી લે છે અને પડખું ફેરવી લે છે અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે તો તે નિરાશ થઇ જાય છે.
૮૪) કહી દો કે દરેક વ્યક્તિ પોતાની રીતે કર્મ કરી રહ્યો છે, જે લોકો સંપૂર્ણ સત્યમાર્ગ પર છે તેમને તમારો પાલનહાર ખૂબ જ સારી રીતે જાણે છે.
૮૫) અને આ લોકો તમને “રૂહ” વિશે સવાલ કરે છે તમે જવાબ આપી દો કે, “રૂહ” મારા પાલનહારના આદેશથી છે અને તમને ખૂબ જ ઓછું જ્ઞાન આપવામાં આવ્યું છે.
૮૬) અને જો અમે ઇચ્છીએ તો જે વહી તમારી તરફ અવતરિત કરી છે બધું જ છીનવી લઇએ, પછી તમને તેના માટે અમારી વિરુદ્ધ કોઈ મદદ કરનાર નહીં મળી શકે.
૮૭) તમારા પાલનહારની કૃપા સિવાય, નિ:શંક તમારા પર તેની ઘણી જ કૃપા છે.
૮૮) કહી દો કે જો દરેક માનવી અને દરેક જિન્નાતો મળી આ કુરઆન જેવું લાવવા ઇચ્છે તો, તે દરેક માટે ભેગા મળીને પણ આના જેવું લાવવું અશક્ય છે, ભલેને તેઓ એક બીજાની મદદ કરનારા બની જાય.
૮૯) અમે તો આ કુરઆનમાં લોકોને સમજવા માટે દરેક રીતે ઘણા ઉદાહરણોનું વર્ણન કરી દીધું છે, પરંતુ વધારે પડતા લોકો ઇન્કાર કરવાનું છોડતા નથી.
૯૦) તે લોકોએ કહ્યું કે અમે તમારા પર ક્યારેય ઇમાન નહીં લાવીએ, ત્યાં સુધી કે તમે અમારા માટે ધરતી માંથી કોઈ ઝરણું વહેતું ન કરી દો.
૯૧) અથવા તમારા માટે કોઈ બગીચો હોય ખજૂર અને દ્રાક્ષનો અને તેની વચ્ચે તમે ઘણી નહેરો વહાવી બતાવો.
૯૨) અથવા તમે આકાશને અમારા પર ટુકડે ટુકડા કરી પાડી દો, જેવું કે તમારો વિચાર છે અથવા તમે પોતે અલ્લાહ તઆલાને અને ફરિશ્તાઓને અમારી સમક્ષ ઊભા કરી બતાવો.
૯૩) અથવા તમારા માટે કોઈ સોનાનું ઘર બની જાય, અથવા તમે આકાશ પર ચઢી બતાવો, અને અમે તો તમારું ચઢી જવું પણ તે સમય સુધી ક્યારેય નહીં માનીએ, જ્યાં સુધી કે તમે અમારા માટે કોઈ કિતાબ ન લઇ આવો, જેને અમે પોતે પઢી લઇએ, તમે જવાબ આપી દો કે મારો પાલનહાર પવિત્ર છે, હું તો ફક્ત એક મનુષ્ય જ છું, જેને પયગંબર બનાવવામાં આવ્યો છે.
૯૪) લોકો પાસે સત્યમાર્ગ આવી ગયા પછી ઇમાનથી દૂર થવા માટે ફકત આ જ વાત રહી ગઇ કે, તે લોકોએ આવું કહ્યું કે શું અલ્લાહએ મનુષ્ય ને જ પયગંબર બનાવી મોકલ્યા ?
૯૫) તમે કહી દો કે જો ધરતી પર ફરિશ્તાઓ હરતા-ફરતા, અને રહેતા હોત તો અમે પણ તેમની પાસે કોઈ આકાશના ફરિશ્તાને જ પયગંબર બનાવી મોકલતા.
૯૬) કહી દો કે મારી અને તમારી વચ્ચે અલ્લાહ સાક્ષી માટે પૂરતો છે, તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને ખૂબ જ સારી રીતે જોનાર છે.
૯૭) અલ્લાહ જેને સત્યમાર્ગ બતાવે તે તો સત્યમાર્ગ પર છે અને જેને તે માર્ગથી પથભ્રષ્ટ કરી દે, અશક્ય છે કે તમે તેની મદદ કરનાર તેના સિવાય બીજા કોઈને જુઓ, આવા લોકોને અમે કયામતના દિવસે ઊંધા મોઢે કરી દઇશું, તે લોકો આંધળા, મૂંગા અને બહેરા હશે, તેમનું ઠેકાણું જહન્નમ હશે, જ્યારે પણ તે (આગ) ઠંડી પડવા લાગશે, અમે તેમના માટે તે (આગ)ને વધું ભડકાવી દઇશું.
૯૮) આ બધું અમારી આયતોનો ઇન્કાર કરવાનો અને એવું કહેવાનો બદલો છે કે શું અમે જ્યારે હાડકા અને કણ કણ થઇ જઇશું, પછી અમારું સર્જન નવી રીતે કરવામાં આવશે ?
૯૯) શું તે લોકોએ તે વાત વિશે વિચાર ન કર્યો કે જે અલ્લાહએ આકાશ અને ધરતીનું સર્જન કર્યું છે તે તેમના જેવાનું સર્જન કરવા પર સંપૂર્ણ શક્તિ ધરાવે છે. તેણે જ તેમના માટે એક એવો સમય નક્કી કરી રાખ્યો છે જેમાં કોઇ શંકા નથી, પરંતુ અત્યાચારી લોકો ઇન્કાર જ કરતા રહે છે.
૧૦૦) કહી દો કે જો કદાચ તમે મારા પાલનહારના ખજાનાના માલિક બની જાવ તો તમે તે સમયે પણ તે ખર્ચ થઇ જવાના ભયથી, તેને રોકી રાખતા અને માનવી તંગ દીલનો છે.
૧૦૧) અમે મૂસા (અ.સ.)ને નવ ચમત્કાર સ્પષ્ટ આપ્યા, તમે પોતે જ ઇસ્રાઇલના સંતાનોને પૂછી લો કે જ્યારે તે તેમની પાસે પહોંચ્યા તો ફિરઔને કહ્યું કે, હે મૂસા ! મારા મત મુજબ તો તારા પર જાદુ કરવામાં આવ્યું છે.
૧૦૨) મૂસા (અ.સ.)એ જવાબ આપ્યો કે આ તો તમને જાણ થઇ ચૂકી છે કે આકાશ અને ધરતીના પાલનહારે જ આ ચમત્કારો બતાવવા, સમજાવવા માટે અવતરિત કર્યા છે, હે ફિરઔન ! હું તો સમજી રહ્યો છું કે તું ખરેખર બરબાદ અને નષ્ટ કરી દેવામાં આવ્યો છે.
૧૦૩) છેવટે ફિરઔને પાકો ઇરાદો કરી લીધો કે તેમને ધરતી માંથી ઉખાડી દઇએ તો અમે ફિરઔનને અને તેના સાથીઓને ડુબાડી દીધા.
૧૦૪) ત્યાર પછી અમે ઇસ્રાઇલના સંતાનને કહી દીધું કે આ ધરતી પર તમે રહો, હાં જ્યારે આખેરતનું વચન આવશે તો અમે તમને સૌને ભેગા કરીને લઇ આવીશું.
૧૦૫) અને અમે આ કુરઆનને સત્ય સાથે અવતરિત કર્યું અને આ પણ સત્ય સાથે જ અવતરિત થયું, અમે તમને ફક્ત ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા છે.
૧૦૬) કુરઆનને અમે થોડું થોડું કરીને એટલા માટે અવતરિત કર્યું છે કે તમે કુરઆનને સમયાંતરે લોકોને સંભળાવો અને અમે પોતે પણ આને સમયાંતરે અવતરિત કર્યું છે.
૧૦૭) કહી દો તમે આના પર ઇમાન લાવો અથવા ન લાવો, જેમને પહેલાથી જ જ્ઞાન આપવામાં આવ્યું છે તેમની પાસે જ્યારે પણ કુરઆન પઢવામાં આવે છે તો તે ઘુંટણના બળે સિજદામાં પડી જાય છે.
૧૦૮) અને કહે છે કે અમારો પાલનહાર પવિત્ર છે અમારા પાલનહારનું વચન કોઈ શંકા વગર પૂરું થઇને જ રહેશે.
૧૦૯) તેઓ પોતાના ઘુંટણ વડે રડતા રડતા સિજદામાં પડી જાય છે અને આ કુરઆન દ્વારા તેમની નમ્રતા ખૂબ વધી જાય છે.
૧૧૦) કહી દો કે અલ્લાહને અલ્લાહ કહીને પોકારો, અથવા રહમાન કહી, જે નામથી પણ પોકારો દરેક સારા નામ તેના જ છે, તમે પોતાની નમાઝ ન તો મોટા અવાજે પઢો અને ન તો તદ્દન ધીમે, પરંતુ મધ્યમ અવાજે પઢો.
૧૧૧) અને એવું કહી દો કે દરેક પ્રશંસા અલ્લાહ માટે જ છે જે ન સંતાન રાખે છે અને ન પોતાના સામ્રાજ્યમાં કોઈને ભાગીદાર ઠેરવે છે અને ન તે અશક્ત છે કે જેથી તેને કોઈની મદદની જરૂર પડે અને તમે તેની ઉચ્ચતાનું ખૂબ જ વર્ણન કરતા રહો.