ﰡ
૨) આ એક કિતાબ છે જે તમારી તરફ એટલા માટે અવતરિત કરવામાં આવી છે કે, તમે આ (કુરઆન) વડે લોકોને સચેત કરો, તો તમારા હૃદયમાં આના વિશે જરાય સંકોચ ન કરશો, અને શિખામણ છે, ઈમાનવાળાઓ માટે.
૩) તમે લોકો તેનું અનુસરણ કરો, જે તમારા પાલનહાર તરફથી આવી છે અને અલ્લાહ તઆલાને છોડીને જુઠ્ઠા લોકોનું અનુસરણ ન કરો, તમે લોકો ઘણી જ ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો.
૪) અને ઘણી વસ્તીઓને અમે નષ્ટ કરી દીધી અને તેઓ પર અમારો પ્રકોપ રાત્રિના સમયે પહોંચ્યો, અથવા એવી સ્થિતિમાં કે તેઓ બપોરના સમયે આરામ કરી રહ્યા હતા.
૫) તો જે સમયે તેઓ પર અમારો પ્રકોપ આવ્યો, તે સમયે તેઓએ ફકત એવું જ કહ્યું કે ખરેખર અમે અત્યાચારી હતા.
૬) પછી અમે તે લોકોને જરૂર સવાલ કરીશું, જે લોકોની પાસે પયગંબર આવ્યા હતા અને અમે પયગંબરોને જરૂર સવાલ કરીશું.
૭) પછી, અમે જો કે દરેક વાતની ખબર રાખીએ છીએ, તેઓની સામે કહી દઇશું અને અમે થોડાંક પણ અજાણ ન હતા.
૮) અને તે દિવસે વજન પણ સાચે જ થશે, પછી જે વ્યક્તિનું પલડું ભારે હશે, તો એવા લોકો સફળ થશે.
૯) અને જે વ્યક્તિનું પલડું હલકું હશે, તો તે એવા લોકો હશે જેઓએ પોતાનું નુકસાન કરી લીધું, અમારી આયતો સાથે અતિરેક કરવાના કારણે.
૧૦) અને નિ:શંક અમે તમને ધરતી પર રહેવા માટે જગ્યા આપી અને અમે તમારા માટે તેમાં રોજીનો સામાન બનાવ્યો, તમે લોકો થોડોક જ આભાર માનો છો.
૧૧) અને અમે તમારું સર્જન કર્યું, પછી અમે જ તમારા ચહેરા બનાવ્યા, પછી અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો, તો સૌએ સિજદો કર્યો, ઇબ્લિસ (શેતાન) સિવાય, તે સિજદો કરવાવાળાઓ માંથી ન થયો.
૧૨) અલ્લાહ તઆલાએ કહ્યું, જે લોકો સિજદો નથી કરતા, તેમને કેવી વાત રોકી રહી છે, જ્યારે કે હું તને આદેશ આપી ચૂક્યો છું, કહેવા લાગ્યો હું તેના કરતા શ્રેષ્ઠ છું, તમે મારું સર્જન આગ વડે કર્યું અને તેનું (આદમ) માટી વડે.
૧૩) (અલ્લાહ તઆલાએ) કહ્યું તું આકાશ માંથી ઉતરી જા, તને કોઇ અધિકાર નથી કે તું આકાશમાં રહી ઘમંડ કરે, તો તું નીકળ, નિ:શંક તું અપમાનિત લોકો માંથી છે.
૧૪) તેણે કહ્યું કે મને કયામતના દિવસ સુધી મહેતલ આપો.
૧૫) અલ્લાહ તઆલાએ કહ્યું તને મહેતલ આપવામાં આવી.
૧૬) તેણે કહ્યું એટલા માટે તે મને પથભ્રષ્ટ કરી દીધો, હું સોગંદ ખાઉં છું કે હું તેઓ માટે સત્યમાર્ગની આડે આવીશ.
૧૭) પછી તેઓ પર હુમલો કરીશ, તેઓની આગળથી, પાછળથી, જમણી બાજુથી અને તેઓની ડાબી બાજુથી પણ અને તમે તેઓ માંથી વધારે પડતા લોકોને આભાર વ્યક્ત કરનારા નહીં જુઓ.
૧૮) અલ્લાહ તઆલાએ કહ્યું કે અહીંયાથી અપમાનિત થઇ નીકળી જા, જે વ્યક્તિ તેઓ માંથી તારું કહ્યું માનશે, તો હું જરૂર તમારા સૌ વડે જહન્નમને ભરી દઇશ.
૧૯) અને અમે આદેશ આપ્યો કે હે આદમ ! તમે અને તમારી પત્ની જન્નતમાં રહો, પછી જે જગ્યાએથી ઇચ્છો, બન્ને ખાઓ અને તે વૃક્ષની નજીક ન જાઓ, નહીં તો તમે બન્ને અત્યાચારી લોકો માંથી થઇ જશો.
૨૦) પછી શેતાને તે બન્નેના હૃદયમાં કુવિચાર નાખ્યો, જેથી તેઓના ગુપ્તાંગ જે એકબીજાથી છૂપા હતા, બન્નેની સામે જાહેર થઇ જાય અને કહેવા લાગ્યો કે તમારા પાલનહારે તમને બન્નેને આ વૃક્ષની નજીક જવાથી એટલા માટે રોક્યા હતા કે તમે બન્ને ક્યાંક ફરિશ્તા બની જાવ, અથવા તો ક્યાંક હંમેશા જીવિત લોકો માંથી થઇ જાવ.
૨૧) અને તે બન્નેની સામે સોગંદ ખાધી કે તમે જાણી લો કે હું ખરેખર તમારા બન્નેનો શુભેચ્છક છું.
૨૨) તો તે બન્નેને ધોકાથી નીચે લઇ આવ્યો, બસ ! તે બન્નેએ જ્યારે તે વૃક્ષને ચાખ્યું, બન્નેના ગુપ્તાંગ એકબીજાની સામે ખુલ્લા થઈ ગયા અને બન્ને પોતાના પર જન્નતના પાંદડાંઓ જોડી-જોડીને છૂપાવવા લાગ્યા અને તેઓના પાલનહારે તેમને પોકાર્યા, શું મેં તમને બન્નેને આ વૃક્ષથી રોક્યા ન હતા અને એવું ન હતું કહ્યું કે શેતાન તમારો ખુલ્લો શત્રુ છે ?
૨૩) બન્નેએ કહ્યું કે હે અમારા પાલનહાર ! અમે અમારું મોટું નુકસાન કર્યું અને જો તું અમને માફ નહીં કરે અને અમારા પર દયા નહીં કરે, તો ખરેખર અમે લોકો નુકસાન ઉઠાવનારાઓ માંથી થઇ જઇશું.
૨૪) અલ્લાહ તઆલાએ કહ્યું કે નીચે એવી સ્થિતિમાં જાઓ કે તમે એક-બીજાના શત્રુ હશો, અને તમારા માટે ધરતી પર રહેવા માટેની જગ્યા છે અને એક સમય સુધી ફાયદો મેળવવાનો સામાન છે.
૨૫) કહ્યું, તમારે ત્યાં જ જીવન પસાર કરવાનું છે અને ત્યાં જ મૃત્યુ પામવાનું છે અને તેમાંથી જ પાછા ફેરાવવામાં આવશો.
૨૬) હે આદમના સંતાનો ! અમે તમારા માટે પોશાક બનાવ્યો, જે તમારા ગુપ્તાંગને છુપાવે છે, અને શણગાર માટેનું કારણ પણ છે અને ડરવાવાળો પોશાક આ બધા કરતા વધારે ઉત્તમ છે, આ અલ્લાહ તઆલાની નિશાનીઓ માંથી છે, જેથી આ લોકો યાદ રાખે.
૨૭) હે આદમના સંતાનો ! શેતાન તમને કોઇ ખરાબીમાં ન નાખી દે, જેવું કે તેણે તમારા માતા-પિતાને જન્નત માંથી કઢાવી દીધા, તે જ સ્થિતિમાં તેમનો પોશાક પણ ઉતારી નખાવ્યો, જેથી તે તેમને તેમના ગુપ્તાંગ બતાવે, તે અને તેનું લશ્કર તમને એવી રીતે જુએ છે કે તમે તેઓને નથી જોઇ શકતા, અમે શેતાનોને તે લોકોના જ મિત્રો બનાવ્યા છે જેઓ ઈમાન નથી લાવતા.
૨૮) અને તે લોકો જ્યારે કોઇ ખરાબ કૃત્ય કરે છે, તો કહે છે અમે અમારા પૂર્વજોને આ જ માર્ગ પર જોયા અને અલ્લાહએ પણ અમને આવું જ કહ્યું છે, તમે કહી દો કે અલ્લાહ તઆલા ખરાબ કૃત્યનો આદેશ નથી આપતો, શું અલ્લાહના માટે એવી વાત રચો છો જેનું તમને જ્ઞાન નથી?
૨૯) તમે કહી દો કે મારા પાલનહારે ન્યાય કરવાનો આદેશ આપ્યો છે અને એ કે દરેક સિજદા વખતે પોતાનો ચહેરો સીધો રાખો અને અલ્લાહ તઆલાની બંદગી તે રીતે કરો કે તે બંદગી ફકત અલ્લાહ માટે જ હોય, તમારું સર્જન અલ્લાહએ જે રીતે પ્રથમ વખત કર્યુ તે જ રીતે બીજી વખત પણ કરશે.
૩૦) કેટલાક લોકોને અલ્લાહએ સત્યમાર્ગ બતાવ્યો છે અને કેટલાક પર પથભ્રષ્ટતા સાબિત થઇ ગઇ છે, તે લોકોએ અલ્લાહ તઆલાને છોડી શેતાનોને મિત્ર બનાવી દીધા છે અને એવું સમજે છે કે તેઓ સત્ય માર્ગ પર છે.
૩૧) હે આદમના સંતાનો ! તમે મસ્જિદમાં દરેક હાજરી વખતે પોતાનો પોશાક પહેરી લો, અને ખૂબ ખાઓ-પીવો, અને હદ ન વટાવો, નિ:શંક અલ્લાહ હદ વટાવી જનારને પસંદ નથી કરતો.
૩૨) તમે કહી દો કે અલ્લાહ તઆલાએ સર્જન કરેલા શણગારના માર્ગોને, જેને તેણે પોતાના બંદાઓ માટે બનાવ્યા છે અને ખાવા-પીવાની હલાલ વસ્તુઓને કોણે હરામ કરી ? તમે કહી દો કે આ વસ્તુઓ ઈમાનવાળાઓ માટે કયામતના દિવસે એટલી જ પવિત્ર હશે, જેટલી પવિત્ર દુનિયાના જીવનમાં છે. અમે આવી જ રીતે દરેક આયતોને બુદ્ધિશાળી લોકો માટે સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ.
૩૩) તમે કહી દો કે હાં મારા પાલનહારે ફકત તે ખરાબ વાતોને જ હરામ કરી છે, જે સ્પષ્ટ છે અને જે છૂપી છે અને દરેક પાપની વાતને અને કારણ વગર કોઇના પર અત્યાચાર કરવાને અને તે વાતને કે તમે અલ્લાહ સાથે કોઇ એવી વસ્તુને ભાગીદાર ઠેરવો, જેના વિશે અલ્લાહએ કોઇ પુરાવા નથી આપ્યા અને તે વાતને પણ કે તમે લોકો અલ્લાહ વિશે એવી વાત કહી દો જેને તમે નથી જાણતા.
૩૪) અને દરેક જૂથ માટે એક નક્કી કરેલ સમય છે, તો જે વખતે તે નક્કી કરેલ સમય આવી પહોંચશે તે સમય થોડોક પણ ન પાછળ હટશે અને ન તો આગળ.
૩૫) હે આદમના સંતાનો ! જો તમારી પાસે પયગંબર આવે, જે તમારા માંથી હોય, અને જે મારા આદેશોને તમારી સમક્ષ રજૂ કરે, તો જે વ્યક્તિ ડરવા લાગે અને સુધારો કરી લે તો તે લોકો પર ન તો કોઇ ભય હશે અને ન તો તે નિરાશ થશે.
૩૬) અને જે લોકો અમારા તે આદેશોને જુઠલાવે અને તેની સામે ઘમંડ કરે, તે લોકો જહન્નમવાળા હશે, તેઓ તેમાં હંમેશા રહેશે.
૩૭) તો તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હોઇ શકે છે જે અલ્લાહ તઆલા પર જૂઠાણું ઘડે, અથવા તેની આયતોને જુઠ્ઠી ઠેરવે, તે લોકોના ભાગ્યમાં જે કંઈ કિતાબમાં છે તે તેઓને મળી જશે, અહીં સુધી કે જ્યારે તેઓની પાસે અમારા મોકલેલા ફરિશ્તાઓ તેઓના પ્રાણ કાઢવા આવશે, તો (ફરિશ્તાઓ) કહેશે કે તેઓ ક્યાં ગયા જેમની તમે અલ્લાહને છોડીને બંદગી કરતા હતા, તે કહેશે કે તેઓ અમારા સામેથી અદૃશ્ય થઇ ગયા અને પોતાની અવગણના હોવાનો સ્વીકાર કરશે.
૩૮) અલ્લાહ કહેશે કે જે જૂથ તમારા કરતા પહેલા થઇ ચૂક્યા છે, જિન્નાતો માંથી પણ અને માનવીઓ માંથી પણ, તેઓની સાથે તમે પણ જહન્નમમાં જાઓ, જે સમયે કોઇ પણ જૂથ પ્રવેશ કરશે તે પોતાના બીજા જૂથ પર લઅનત કરશે, ત્યાં સુધી કે જ્યારે તેમાં બધાં જ ભેગા થઇ જશે, તો પાછળના લોકો આગળના લોકો વિશે કહેશે, કે અમારા પાલનહાર ! અમને તે લોકોએ પથભ્રષ્ટ કર્યા હતા, તો તેમને જહન્નમની યાતના બમણી આપ, અલ્લાહ કહેશે કે બધા માટે બમણી છે, પરંતુ તમે અજાણ છો.
૩૯) અને આગળના લોકો પાછલા લોકોને કહેશે કે તમે અમારા પર કંઈ પણ પ્રાથમિકતા ધરાવતા નથી, તો તમે પણ પોતાની કર્મોના બદલામાં યાતનાનો સ્વાદ ચાખો.
૪૦) જે લોકોએ અમારી આયતોને જુઠલાવી અને તેની સામે ઘમંડ કર્યુ, તેઓના માટે આકાશના દ્વ્રાર ખોલવામાં નહીં આવે અને તે લોકો ક્યારેય જન્નતમાં નહીં જાય, ત્યાં સુધી કે ઊંટ સોયના કાણાંમાં ન જતું રહે અને અમે અપરાધીઓને આવી જ સજા આપીએ છીએ.
૪૧) તેઓ માટે જહન્નમના અંગારાનું પાથરણું હશે, અને તેઓ માટે (તેનું જ) ઓઢવાનું હશે અને અમે આવા અપરાધીઓને આવી જ સજા આપીએ છીએ.
૪૨) અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, અમે કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે, કોઇના જવાબદાર નથી બનાવતા, તે જ લોકો જન્નતવાળાઓ છે અને તેઓ તેમાં હંમેશા રહેશે.
૪૩) અને જે કંઈ પણ તેઓના હૃદયોમાં (કપટ) હતું, અમે તેને દૂર કરી દઇશું, તેમની નીચે નહેરો વહી રહી હશે અને તે લોકો કહેશે કે અલ્લાહનો આભાર છે જેણે અમને આ સ્થાન આપ્યું અને અમારું અપમાન ક્યારેય નહીં થાય, જો અલ્લાહ તઆલા અમને ન આપતો, ખરેખર અમારા પાલનહારના પયગંબર સત્ય વાત લઇને આવ્યા હતા, અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, તમારા કાર્યોના બદલામાં.
૪૪) અને જન્નતના લોકો જહન્નમના લોકોને પોકારશે કે અમારી સાથે અમારા પાલનહારે જે વચન કર્યું હતું, અમે તો તેને ખરેખર તેવું જ જોયું, તો તમારી સાથે પણ તમારા પાલનહારે જે વચન કર્યું હતું, તમે પણ તેને વચન પ્રમાણે જ જોયું ? તેઓ કહેશે કે હાં, પછી એક પોકારવાવાળો બન્નેની સામે પોકારશે કે અલ્લાહની ફિટકાર થાય તે અત્યાચારીઓ પર.
૪૫) જે અલ્લાહના માર્ગથી અળગા રહેતા હતા અને તેમાં ખામી શોધતા હતા, અને તેઓ આખેરતના પણ ઇન્કાર કરનારા હતાં.
૪૬) અને તે બન્ને વચ્ચે એક પડદો હશે અને અઅરાફની ઉપર ઘણા લોકો હશે તે લોકો, દરેકને તેમની નિશાની વડે ઓળખવામાં આવશે અને જન્નતીઓને પોકારીને કહેશે કે, “અસ્સલામુઅલયકુમ” હજુ આ અઅરાફ વાળા જન્નતમાં દાખલ નહીં થયા હોય અને તેના ઉમેદવાર હશે.
૪૭) અને જ્યારે તેઓની નજર જહન્નમી તરફ ફરશે તો કહેશે હે અમારા પાલનહાર ! અમને તે અત્યાચારી લોકો માંથી ન કરી દે.
૪૮) અને એઅરાફના લોકો ઘણા માનવીઓને, જેમને તેઓની નિશાની વડે ઓળખશે, કહેશે કે તમારું જૂથ અને તમારું પોતાને મહાન સમજવું તમારા માટે કંઈ કામ ન લાગ્યું.
૪૯) શું આ તે જ લોકો છે જેની સોગંદો ખાઈ તમે કહેતા હતા કે, અલ્લાહ તઆલા તેઓ પર કૃપા નહીં કરે, તેઓને એવો આદેશ આપવામાં આવશે કે જાઓ, જન્નતમાં તમારા પર ન તો કોઇ ભય છે અને ન તો તમે નિરાશ થશો.
૫૦) અને જહન્નમી લોકો જન્નતીઓને પોકારશે કે, અમારા પર થોડુંક પાણી તો નાંખી દો અથવા બીજું કંઈક આપી દો, જે અલ્લાહએ તમને આપી રાખ્યું છે, જન્નતવાળાઓ કહેશે કે અલ્લાહ તઆલાએ ઇન્કાર કરનારાઓ માટે બન્ને વસ્તુ પર રોક લગાવી દીધી છે.
૫૧) જેમણે દુનિયામાં પોતાના દીનને ખેલ તમાશો બનાવી રાખ્યો હતો અને જેમને દુનિયાના જીવને ધોકામાં રાખ્યા હતા, તો અમે (પણ) આજના દિવસે તેઓના નામ ભૂલી જઇશું, જેવું કે તેઓ આ દિવસને ભૂલી ગયા અને જેવું કે આ લોકો અમારી આયતોનો ઇન્કાર કરતા હતા.
૫૨) અને અમે તે લોકો પાસે એક એવી કિતાબ પહોંચાડી છે, જેને અમે સંપૂર્ણ જ્ઞાન વડે ઘણી જ સ્પષ્ટ રીતે વર્ણન કરી દીધી છે, તે રહમત અને માર્ગદર્શનનું કારણ છે, તે લોકો માટે જેઓ ઈમાન લાવ્યા છે.
૫૩) તે લોકો બીજી કોઇ વાત માટે રાહ નથી જોતા, પરંતુ ફકત તેઓના છેલ્લા પરિણામની રાહ જુએ છે, જે દિવસે તેમનું છેલ્લું પરિણામ આવશે અને તે દિવસે જે લોકો તેને પહેલાથી જ ભૂલી ગયા હતા, એવું કહેશે કે ખરેખર અમારા પાલનહારના પયગંબર સાચી વાત લઇને આવ્યા હતા, તો હવે શું કોઇ છે જે અમારા માટે ભલામણ કરે ? તે અમારા માટે ભલામણ કરે અથવા તો શું અમે ફરી પાછા મોકલવામાં આવી શકીએ છીએ ? જેથી અમે તે કાર્યો, જે અમે કરતા હતા તેના બદલામાં બીજા કાર્યો કરીએ, નિ:શંક તે લોકોએ પોતાને નુકસાનમાં નાખી દીધા અને આ લોકો જે જે વાતો કહેતા હતા દરેક ખોવાઇ ગઇ.
૫૪) નિ:શંક તમારો પાલનહાર અલ્લાહ જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યુ છે, પછી અર્શ પર બિરાજમાન થયો, તે રાતને દિવસમાં એવી રીતે છૂપાવી દે છે કે તે રાત તે દિવસને ઝડપથી લઇ આવે છે, અને સૂર્ય અને ચંદ્ર અને બીજા તારાઓનું સર્જન કર્યુ, એવી રીતે કે સૌ તેના આદેશનું પાલન કરે છે, યાદ રાખો ! અલ્લાહ માટે જ ખાસ છે સર્જક હોવું અને શાસક હોવું, અલ્લાહ તઆલા ઘણો જ બરકતવાળો છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
૫૫) તમે પોતાના પાલનહાર સામે દુઆ કરો આજીજી સાથે અને છૂપાઇ છૂપાઇને પણ, ખરેખર અલ્લાહ તઆલા તે લોકોને પસંદ નથી કરતો, જે હદ વટાવી દે.
૫૬) અને દુનિયામાં સુધારો કર્યા પછી વિદ્રોહ ન ફેલાવો, અને તમે અલ્લાહ તઆલાની બંદગી કરો તેનાથી ડરતા, અને આશા સાથે, નિ:શંક અલ્લાહ તઆલાની કૃપા સત્કાર્ય કરવાવાળાની નજીક છે.
૫૭) અને તે એવો છે કે પોતાની કૃપાથી હવાઓને મોકલે છે, કે તે ખુશ કરી દે છે, ત્યાં સુધી કે જ્યારે તે હવા ભારે વાદળોને ઉઠાવી લે છે, તો અમે તે વાદળને કોઇ સૂકી ધરતી તરફ લઇ જઇએ છીએ, પછી તે વાદળ માંથી પાણી વરસાવીએ છીએ, પછી તે પાણી વડે દરેક પ્રકારના ફળો ઉગાડીએ છીએ, આવી જ રીતે અમે મૃતકોને કાઢીશું, જેથી તમે સમજો.
૫૮) અને જે ફળદ્રુપ ધરતી હોય છે તેની ઊપજ તો અલ્લાહના આદેશથી ખૂબ હોય છે અને જે ખરાબ ધરતી હોય છે, તેની ઊપજ ઘણી જ ઓછી હોય છે, આવી જ રીતે અમે દલીલોનું અલગ-અલગ રીતે વર્ણન કરીએ છીએ, તે લોકો માટે જે આભાર માને છે.
૫૯) અમે નૂહ (અ.સ.)ને તેમની કોમ તરફ મોકલ્યા, તો તેમણે કહ્યું હે મારી કોમના લોકો ! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય કોઇ તમારો પૂજ્ય હોવાને લાયક નથી, મને તમારા માટે એક મોટા દિવસની યાતનાનો ભય છે.
૬૦) તેમની કોમના આગેવાનોએ કહ્યું કે અમે તમને સ્પષ્ટ ભૂલ કરતા જોઇ રહ્યા છીએ.
૬૧) તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! હું તો જરા પણ પથભ્રષ્ટ નથી, પરંતુ હું તો પાલનહારનો પયગંબર છું.
૬૨) તમારી સમક્ષ પોતાના પાલનહારના આદેશો પહોંચાડું છું અને તમારા માટે ભલાઈ ઇચ્છું છું અને હું અલ્લાહ તરફથી તે કાર્યોની જાણ રાખું છું જેનાથી તમે અજાણ છો.
૬૩) અને શું તમે તે વાતથી આશ્ચર્ય પામો છો કે તમારા પાલનહાર તરફથી તમારી પાસે એક એવા વ્યક્તિની ઓળખ, જે તમારી જ જાતિનો છે, કોઇ શિખામણની વાત આવી ગઇ, જેથી તે વ્યક્તિ તમને ડરાવે અને તમે ડરી જાઓ અને જેથી તમારા પર દયા કરવામાં આવે.
૬૪) તો તે લોકો તેમને જુઠલાવતા જ રહ્યા, તો અમે નૂહ (અ.સ.)ને અને તેઓને જે તેમની સાથે વહાણમાં હતા, બચાવી લીધા અને જે લોકોએ અમારી આયતોને જુઠલાવી હતી, તેઓને અમે ડુબાડી દીધા, નિ:શંક તે લોકો આંધળા બની ગયા હતા.
૬૫) અને અમે આદ નામની કોમ તરફ તેમના ભાઈ હૂદ (અ.સ.)ને મોકલ્યા, તેઓએ કહ્યું હે મારી કોમના લોકો ! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય કોઇ તમારો પૂજ્ય નથી, તો શું તમે નથી ડરતા ?
૬૬) તેઓની કોમના જે આગેવાનો ઇન્કાર કરનાર હતા, તેઓએ કહ્યું અમે તમને મંદબુદ્ધિના જોઇ રહ્યા છે, અને અમે ખરેખર જુઠ્ઠા લોકોમાં સમજી રહ્યા છીએ.
૬૭) તેમણે કહ્યું કે હે મારી કોમ ! હું થોડો પણ મંદબુદ્ધિ ધરાવતો નથી, પરંતુ હું પાલનહાર તરફથી અવતરિત કરેલ પયગંબર છું.
૬૮) તમારી સમક્ષ પોતાના પાલનહારના આદેશો પહોંચાડુ છું અને હું તમારા માટે નિષ્ઠાવાન શુભેચ્છક છું.
૬૯) અને શું તમે તે વાતથી આશ્ચર્ય પામો છો કે તમારા પાલનહાર તરફથી તમારી પાસે એક એવા વ્યક્તિની ઓળખ, જે તમારી જ જાતિનો છે, કોઇ શિખામણની વાત આવી ગઇ, જેથી તે વ્યક્તિ તમને ડરાવે અને તમે એ સ્થિતિ યાદ કરો કે અલ્લાહએ તમને નૂહની કોમ પછી નાયબ બનાવ્યા અને તમને ખૂબ સશક્ત બનાવ્યા, તો અલ્લાહની નેઅમતોને યાદ કરો, જેથી તમે સફળ થઇ શકો.
૭૦) તેઓએ કહ્યું કે શું તમે અમારી પાસે આ કારણે આવ્યા છો કે અમે ફકત અલ્લાહની જ બંદગી કરીએ અને જેઓને અમારા બાપ-દાદાઓ પૂજતા હતા તેઓને છોડી દઇએ, બસ અમને જે યાતનાની ધમકી આપો છો તેને અમારી સામે લાવી બતાવો, જો તમે સાચા હોવ.
૭૧) તેમણે કહ્યું કે બસ ! હવે તમારા પર અલ્લાહ તરફથી યાતના અને ગુસ્સો આવવાનો જ છે, શું તમે મારાથી તે નામો વિશે ઝઘડો કરો છો, જેને તમે અને તમારા બાપ-દાદાઓએ રાખ્યા છે, તેઓના પૂજ્ય હોવાના કોઇ પુરાવા અલ્લાહએ નથી ઉતાર્યા, તો તમે રાહ જુઓ, હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું.
૭૨) બસ ! અમે તેઓને અને તેઓના મિત્રોને પોતાની કૃપાથી બચાવી લીધા અને તે લોકોના મૂળ કાપી નાખી, જેઓએ અમારી આયતોને જુઠલાવી હતી અને તેઓ ઈમાન લાવનારા ન હતા.
૭૩) અને અમે ષમૂદ તરફ તેમના ભાઇ સાલેહ (અ.સ.)ને મોકલ્યા, તેઓએ કહ્યું હે મારી કોમના લોકો ! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય કોઇ તમારો પૂજ્ય નથી, તમારી પાસે તમારા પાલનહાર તરફથી એક સ્પષ્ટ દલીલ આવી પહોંચી છે, આ ઊંટડી અલ્લાહની છે જે તમારા માટે નિશાની છે, તો તેને છોડી દો, જેથી અલ્લાહ તઆલાની ધરતી પર ખાય પીવે અને તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાડશો, કે તમારા પર દુ:ખદાયી યાતના આવી પહોંચે.
૭૪) અને તમે આ સ્થિતિ યાદ કરો કે અલ્લાહ તઆલાએ તમોને આદ પછી નાયબ બનાવ્યા અને તમને ધરતી પર રહેવા માટે જગ્યા આપી, જેથી નરમ ધરતી પર મહેલ બનાવો છો અને પર્વતોને કોતરીને તેમાં ઘર બનાવો છો, તો અલ્લાહ તઆલાની નેઅમતોને યાદ કરો અને ધરતીમાં વિદ્રોહ ન ફેલાવો.
૭૫) તેમની કોમમાં જે ઘમંડી સરદારો હતા, તેઓએ ગરીબ લોકોને કે જેઓ ઈમાન લાવ્યા હતા, પૂછ્યું :શું તમને તે વાતની ખાતરી છે કે સાલિહ (અ.સ.) પોતાના પાલનહાર તરફથી અવતરિત થયા છે, તેઓએ કહ્યું કે નિ:શંક અમે તો તેના પર પૂરો ભરોસો કરીએ છીએ, જે તેમને લઇને મોકલવામાં આવ્યા છે.
૭૬) ઘમંડી લોકો કહેવા લાગ્યા કે તમે જે વાત પર ઈમાન લાવ્યા છો, અમે તો તેના ઇન્કાર કરનારા છે.
૭૭) બસ ! તેઓએ તે ઊંટડીને મારી નાખી અને પોતાના પાલનહારના આદેશનો વિરોધ કર્યો અને કહેવા લાગ્યા કે હે સાલિહ ! જેની ધમકી તમે અમોને આપતા હતા, તે બતાવો જો તમે પયગંબર હોવ.
૭૮) બસ ! તેઓને ધરતીકંપે પકડી લીધા, અને તેઓ પોતાના ઘરોમાં ઊંધા જ પડ્યા રહ્યા.
૭૯) તે સમયે (સાલિહ અ.સ.) તેમનાથી મોઢું ફેરવી ચાલવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે હે મારી કોમ ! મેં તો તમારા સુધી પોતાના પાલનહારનો આદેશ પહોંચાડી દીધો હતો, અને હું તમારો શુભેચ્છક રહ્યો, પરંતુ તમે લોકો શુભેચ્છકોને પસંદ નથી કરતા.
૮૦) અને અમે લૂત (અ.સ.) ને મોકલ્યા, જ્યારે કે તેઓએ પોતાની કોમને કહ્યું કે તમે એવું નિર્લજજ કાર્ય કરો છો, જેવું તમારા પહેલા સમગ્ર સૃષ્ટિવાળાઓ માંથી કોઇએ નથી કર્યું.
૮૧) તમે પુરુષો સાથે અશ્લીલતાનું કાર્ય કરો છો, સ્ત્રીઓને છોડીને, જો કે તમે તો હદ વટાવી દીધી છે.
૮૨) અને તેમની કોમને કોઇ જવાબ ન સૂઝ્યો, તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે તે લોકોને પોતાની વસ્તી માંથી કાઢી મૂકો, આ લોકો ઘણા પવિત્ર બની રહ્યા છે.
૮૩) તો અમે લૂત (અ.સ.) ને અને તેઓના ઘરવાળાઓને બચાવી લીધા, તેમની પત્ની સિવાય, (તેમની પત્ની) તે લોકો સાથે રહી ગઇ જેમના પર પ્રકોપ આવી પહોંચ્યો.
૮૪) અને અમે તેમના પર ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો, બસ ! જુઓ તો ખરા, તે અપરાધીઓનું પરિણામ કેવું આવ્યું ?
૮૫) અને અમે મદયન તરફ તેમના ભાઇ શુઐબ (અ.સ.)ને મોકલ્યા, તેમણે કહ્યું હે મારી કોમ ! તમે અલ્લાહની બંદગી કરો તેના સિવાય કોઇ તમારો પૂજ્ય નથી, તમારી પાસે તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ દલીલ આવી પહોંચી છે, બસ ! તમે માપ-તોલ પૂરેપૂરું કરો, અને લોકોને તેમની વસ્તુ ઓછી ન આપો, અને ધરતી પર સુધારો થઇ ગયા પછી વિદ્રોહ ન ફેલાવો, આ તમારા માટે ફાયદાકારક છે જો તમે માનો.
૮૬) અને તમે રસ્તા પર તે હેતુથી ન બેસો કે અલ્લાહ પર ઈમાન લાવવાવાળાઓને ધમકાવો, અને અલ્લાહના માર્ગથી રોકો અને તેમાં ખામી શોધતા રહો અને તે સ્થિતિ ને યાદ કરો જ્યારે તમે ઓછા હતા, પછી અલ્લાહએ તમને વધારી દીધા અને જુઓ વિદ્રોહીઓની કેવી દશા થઈ?
૮૭) અને જો તમારા માંથી કેટલાક લોકો તે આદેશ પર, જેને લઇને મને મોકલવામાં આવ્યો છે, ઈમાન લાવ્યા અને કેટલાંક ઈમાન ન લાવ્યા, તો જરા રોકાઇ જાઓ ! ત્યાં સુધી કે આપણી વચ્ચે અલ્લાહ નિર્ણય કરી દે, અને તે દરેક નિર્ણય કરનારાઓ કરતા ઉત્તમ છે.
૮૮) તેમની કોમના અહંકારી સરદારોએ કહ્યું કે હે શુઐબ ! અમે તમને અને જેઓ તમારી સાથે ઈમાન લાવ્યા છે, તેઓને પોતાની વસ્તી માંથી કાઢી મૂકીશું, જો તમે અમારા ધર્મનું અનુસરણ ફરીવાર કરવા લાગો (તો નહીં કાઢીએ), શુઐબ (અ.સ.) એ કહ્યું કે શું અમે તમારા ધર્મનું અનુસરણ કરીએ તેમ છતાં કે અમે તેને પસંદ ન કરતા હોય ?
૮૯) અમે તો અલ્લાહ તઆલા પર સખત આરોપ મૂકનારા બની જઇશું, જો અમે તમારા ધર્મનું અનુસરણ કરવા લાગીએ, ત્યાર પછી કે અલ્લાહ તઆલાએ અમને તેનાથી છુટકારો આપ્યો અને અમારા માટે શક્ય નથી કે તમારા ધર્મનું અનુસરણ કરીએ, પરંતુ હાં અલ્લાહએ જ, જે અમારો માલિક છે, ભાગ્ય નક્કી કર્યું હોય, દરેક વસ્તુ અમારા પાલનહારના જ્ઞાનના ઘેરાવમાં છે, અમે અલ્લાહ પર જ ભરોસો કરીએ છીએ, હે અમારા પાલનહાર ! અમારી અને મારી કોમ વચ્ચે સત્યની સાથે ફેંસલો કરી દે. અને તું ઘણો જ સારો નિર્ણય કરનાર છે.
૯૦) અને તેમની કોમના ઇન્કાર કરનાર સરદારોએ કહ્યું કે જો તમે શુઐબ (અ.સ.)ના માર્ગે ચાલશો, તો તમને મોટું નુકસાન થશે.
૯૧) બસ ! ધરતીકંપે તેઓને પકડી લીધા, તો તેઓ પોતાના ઘરોમાં ઊંધા પડ્યા રહ્યા.
૯૨) જેઓએ શુઐબ (અ.સ.)ને જુઠલાવ્યા હતા, તેમની સ્થિતિ એવી થઇ ગઇ જેવી કે પોતાના ઘરોમાં ક્યારેય રહેતા જ ન હતા, જેઓએ શુઐબ (અ.સ.)ને જુઠલાવ્યા તે જ નુકસાન ઉઠાવનારા છે.
૯૩) તે સમયે શુઐબ (અ.સ.) તેમનાથી મોઢું ફેરવી ચાલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે મારી કોમ ! મેં તમારી સમક્ષ પોતાના પાલનહારના આદેશો પહોંચાડી દીધા હતા અને હું તમારા માટે શુભેચ્છક રહ્યો, પછી હું તે ઇન્કાર કરનારાઓ માટે કેમ નિરાશ થઉં.
૯૪) અને અમે કોઇ વસ્તી માટે કોઇ પયગંબર અવતરિત નથી કર્યા કે ત્યાંના રહેવાસીઓની અમે કઠણાઇ અને તકલીફમાં પકડ ન કરી હોય, જેથી તેઓ આજીજી કરે.
૯૫) પછી અમે તે ખરાબ જગ્યાને સારી કરી દીધી, અહીં સુધી કે તેઓએ ઘણી પ્રગતિ કરી અને કહેવા લાગ્યા કે અમારા બાપદાદાઓને પણ તંગી અને શાંતિ મળી હતી, તો અમે તેઓની પકડ કરી અને તેઓને જાણ પણ ન હતી.
૯૬) અને જો તે વસ્તીના રહેવાસીઓ ઈમાન લઈ આવતા અને ડરવા લાગતા, તો અમે તેઓ માટે આકાશ અને ધરતીની બરકતો ખોલી નાખતા, પરંતુ તેઓએ જુઠલાવ્યું, તો અમે તેઓના કાર્યોના કારણે તેઓને પકડી લીધા.
૯૭) શું તો પણ તે વસ્તીના રહેવાસીઓ તે વાતથી નીડર બનીને રહે છે કે તેઓ પર અમારો પ્રકોપ રાત્રિના સમયે આવી પહોંચે, જે સમયે તેઓ સૂઈ રહ્યાં હોય.
૯૮) અને શું તે વસ્તીના રહેવાસી એ વાતથી નીડર બની ગયા છે કે તેમના પર અમારો પ્રકોપ દિવસે આવી પહોંચશે, જે સમયે તેઓ પોતાની રમતોમાં વ્યસ્ત હશે.
૯૯) શું તેઓ અલ્લાહની એ પકડથી નીડર બની ગયા, જો કે અલ્લાહની પકડથી તે જ કોમ ડરતી નથી જે નાશ થવાની હોય.
૧૦૦) અને શું તે લોકોને, જેઓ ધરતીના નાયબ બન્યા, ત્યાંના લોકોના વિનાશ પછી, આ વાત નથી જણાવી કે જો અમે ઇચ્છીએ તો તેઓના પાપોના કારણે તેઓને નષ્ટ કરી નાખીએ અને અમે તેઓના હૃદયો પર તાળા લગાવી દઇએ, જેથી તેઓ સાંભળી ન શકે.
૧૦૧) તે વસ્તીઓના કેટલાક કિસ્સાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે અને તે સૌની પાસે તેઓના પયગંબર ચમત્કાર લઇને આવ્યા, પછી જે વસ્તુને તેઓએ શરૂઆતમાં જ જુઠલાવી દીધી, પછી તેઓ માનતા ન હતા, અલ્લાહ તઆલા આવી જ રીતે ઇન્કાર કરનારાઓના હૃદયો પર તાળા લગાવી દે છે.
૧૦૨) અને વધુ પડતા લોકોને અમે વચનનું પાલન કરતા ન જોયા અને અમે વધુ પડતા લોકોને આજ્ઞાનું પાલન કરતા ન જોયા.
૧૦૩) ત્યાર પછી અમે મૂસા (અ.સ.)ને પોતાના પુરાવા આપી ફિરઔન અને તેની પ્રજા પાસે મોકલ્યા, પરંતુ તે લોકોએ અત્યાચાર કર્યો, તો જુઓ તે અત્યાચારીઓની કેવી દશા થઇ ?
૧૦૪) અને મૂસા (અ.સ.)એ કહ્યું કે, હે ફિરઔન ! હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનો પયગંબર છું.
૧૦૫) મારા માટે આ જ યોગ્ય છે કે સત્ય સિવાય કંઈ પણ વાત અલ્લાહ માટે ન કહું, હું તમારી પાસે તમારા પાલનહાર તરફથી એક સ્પષ્ટ દલીલ પણ લાવ્યો છું, તો તું ઇસ્રાઇલના સંતાનને મારી સાથે મોકલી દે.
૧૦૬) ફિરઔને કહ્યું જો તમે કોઇ ચમત્કાર લઇને આવ્યા હોય તો તેને રજૂ કરો, જો તમે સાચા છો.
૧૦૭) બસ ! તેમણે (મૂસા અ.સ.)એ પોતાની લાકડી નાખી દીધી, તો અચાનક તે લાકડી એક અજગર બની ગઇ.
૧૦૮) અને પોતાનો હાથ બહાર કાઢ્યો, તો તે અચાનક દરેકની વચ્ચે ઘણો જ પ્રકાશિત થઇ ગયો.
૧૦૯) ફિરઔનની કોમમાં જે સરદારો હતા, તેઓએ કહ્યું કે ખરેખર આ વ્યક્તિ ઘણો જ નિષ્ણાંત જાદુગર છે.
૧૧૦) આ ઇચ્છે છે કે તમને તમારા વતન માંથી કાઢી મૂકે, તો તમે શું સલાહ આપો છો.
૧૧૧) તેઓએ કહ્યું કે તમે તેમને અને તેમના ભાઇને મહેતલ આપો અને શહેરોમાં દૂત મોકલી દો.
૧૧૨) કે તે બધા નિષ્ણાંત જાદુગરોને તમારી પાસે લાવી દે.
૧૧૩) અને તે જાદુગરો ફિરઔન સામે આવ્યા, કહેવા લાગ્યા કે જો અમે વિજય મેળવીએ, તો અમને કોઇ મોટું ઇનામ મળશે ?
૧૧૪) ફિરઔને કહ્યું કે હાં, તમે સૌ નિકટના લોકોમાં થઇ જશો.
૧૧૫) અને જાદુગરોએ કહ્યું કે હે મૂસા (અ.સ.) તમે નાંખો છો કે અમે નાખીએ ?
૧૧૬) (મૂસા અ.સ.)એ કહ્યું કે તમે જ નાખો, બસ ! તેઓએ લોકોને વશમાં લઇ લીધા અને ભય છવાઇ ગયો અને એક પ્રકારનું જાદુ બતાવ્યું.
૧૧૭) અને અમે મૂસા (અ.સ.)ને આદેશ આપ્યો કે પોતાની લાકડી નાખી દો, જેવી જ લાકડી નાખી, તેણે તે લોકોની રમતને બગાડવાનું શરૂ કર્યું.
૧૧૮) બસ ! સત્ય જાહેર થઇ ગયું અને તેઓએ જે કંઈ પણ બનાવ્યું હતું, બધું ખતમ થઇ ગયું.
૧૧૯) બસ ! તે લોકો આ સમયે હારી ગયા અને ખૂબ જ અપમાનિત થઇ પાછા ફર્યા.
૧૨૦) અને જાદુગરો સિજદામાં પડી ગયા.
૧૨૧) કહેવા લાગ્યા કે અમે સમગ્ર સૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા
૧૨૨) જે મૂસા (અ.સ.) અને હારૂન (અ.સ.)નો પણ પાલનહાર છે.
૧૨૩) ફિરઔન કહેવા લાગ્યો કે તમે મૂસા (અ.સ.) પર મારી પરવાનગી વગર ઈમાન લાવ્યા ? નિ:શંક આ યુક્તિ હતી જેના પર તમારું કાર્ય આ શહેરમાં સાબિત થયું, જેથી તમે સૌ આ શહેરના રહેવાસીઓને અહીંયાથી બહાર કાઢી મૂકો, તો હવે તમને સત્યવાતની ખબર પડી જશે.
૧૨૪) હું તમારા એક તરફના હાથ અને બીજી તરફના પગ કાપી નાખીશ, પછી તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ.
૧૨૫) તેઓએ જવાબ આપ્યો કે અમે પોતાના પાલનહાર તરફ જ પાછા ફરીશું.
૧૨૬) અને તેં અમારામાં કેવી ખામી જોઇ છે, ફકત એ જ કે અમે અમારા પાલનહાર પર ઈમાન લાવ્યા. હે અમારા પાલનહાર ! જ્યારે તે અમારી પાસે આવે, અમને ધૈર્યની શક્તિ આપ અને અમને ઇસ્લામ પર મૃત્યુ આપ.
૧૨૭) અને ફિરઔનની કોમના સરદારોએ કહ્યું કે શું તમે મૂસા (અ.સ.) અને તેમની કોમને આવી જ સ્થિતિમાં રહેવા દેશો કે તેઓ શહેરમાં વિદ્રોહ ફેલાવતા ફરે અને તેઓ તમને અને તમારા પૂજ્યોને છોડીને રહે, ફિરઔને કહ્યું કે હું તેઓના બાળકોને કતલ કરવાનું શરૂ કરી દઇશ અને બાળકીઓને જીવિત છોડી દઇશ અને હું તેઓ પર દરેક રીતે શક્તિશાળી છું.
૧૨૮) મૂસા (અ.સ.)એ પોતાની કોમને કહ્યું અલ્લાહ તઆલાનો આશરો પ્રાપ્ત કરો અને ધીરજ રાખો, આ ધરતી અલ્લાહ તઆલાની છે, પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેને માલિક બનાવી દે છે, બસ ! છેવટે સફળતા તેને જ મળે છે જેઓ અલ્લાહ થી ડરે છે.
૧૨૯) કોમના લોકો કહેવા લાગ્યા કે અમે તો હંમેશા મુસીબતો માં જ રહ્યા, તમારા આવવા પહેલા પણ અને તમારા આવ્યા પછી પણ, મૂસા (અ.સ.)એ કહ્યું કે નજીક માંજ અલ્લાહ તમારા શત્રુને નષ્ટ કરી દેશે અને તેના બદલામાં તમને આ ધરતીના નાયબ બનાવી દેશે, પછી તમારા કાર્યો જોશે.
૧૩૦) અને અમે ફિરઔનના લોકો પર ભૂખમરો નાખ્યો અને ફળોની અછત કરી દીધી, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
૧૩૧) જ્યારે તેઓ સુખ મળતું તો કહેતા કે આ તો અમારા માટે થવાનું જ હતું અને જો તેઓને કોઇ તંગી આવી પહોંચતી તો મૂસા (અ.સ.) અને તેમના મિત્રોનું અપશુકન ગણતા, યાદ રાખો કે તેઓ માટે અપશુકન તો અલ્લાહ તઆલા પાસે છે, પરંતુ તેઓ માંથી વધુ પડતા લોકો નથી જાણતા.
૧૩૨) અને એમ કહેતા કે કોઈ પણ વાત અમારી સમક્ષ રજૂ કરો કે તેના વડે અમારા પર જાદુ કરો, તો પણ અમે લોકો તમારી વાત કયારેય નહીં માનીએ.
૧૩૩) પછી અમે તેઓ પર વાવાઝોડું મોકલ્યું અને તીડના ટોળા, માંકડ અને દેડકા અને લોહી (તેઓના પર પ્રકોપ રૂપે આ બધી વસ્તુ ઉતારી), આ બધા સ્પષ્ટ ચમત્કારો હતા, પરંતુ તેઓ ઘમંડ કરતા રહ્યા અને તે લોકોનું કામ જ હતું અપરાધ કરવું.
૧૩૪) અને જ્યારે તેઓ પર કોઇ પ્રકોપ આવી પહોંચે તો એમ કહેતા કે હે મૂસા (અ.સ.) અમારા માટે પોતાના પાલનહાર પાસે આ વાતની દુઆ કરી આપ, જેનું વચન તેણે તમારી સાથે કરી કર્યું છે, જો તમે આ પ્રકોપને અમારા પરથી હટાવી આપશો તો, અમે ચોક્કસ તમારા કહેવા મુજબ ઈમાન લઇ આવીશું. અને અમે ઇસ્રાઇલના સંતાનને પણ (મુક્ત કરી) તમને સોંપી દઇશું.
૧૩૫) પછી જ્યારે તે યાતનાને એક નક્કી કરેલ સમય સુધી તેમના પરથી હટાવી દેતા, તો તરત જ તેઓ વચનભંગ કરવા લાગતા.
૧૩૬) પછી અમે તેઓ સાથે બદલો લીધો, એટલે કે તેઓને સમુદ્રમાં ડુબાડી દીધા, અમારી આયતોને જુઠલાવવાના કારણે અને તેનાથી ઘણાં અળગા રહેતા હતા.
૧૩૭) અને અમે તે લોકોને, કે જે ઘણાં અશક્ત હતા, ધરતીના પૂર્વ અને પશ્ચિમના માલિક બનાવી દીધા, જેમાં અમે બરકત મૂકી છે અને તમારા પાલનહારનું પવિત્ર વચન, ઇસ્રાઇલના સંતાન માટે તેઓના ધીરજના કારણે પૂરું થઇ ગયું અને અમે ફિરઔન અને તેની કોમની બનાવટી વસ્તુઓને નષ્ટ કરી નાખી, અને ઊંચી ઊંચી ઇમારતોને પણ નષ્ટ કરી દીધી.
૧૩૮) અને અમે ઇસ્રાઇલના સંતાનને સમુદ્ર પાર કરાવ્યો, બસ ! તે લોકો એક કોમ પાસેથી પસાર થયા, જેઓ પોતાની કેટલીક મૂર્તિઓ લઇને બેઠા હતા, કહેવા લાગ્યા કે હે મૂસા (અ.સ.) ! અમારા માટે પણ એક પૂજ્ય આવી જ રીતે નક્કી કરી દો, જેવી રીતે આ લોકોનો છે, મૂસા (અ.સ.) કહ્યું કે ખરેખર તમારી અંદર ઘણી જ અજ્ઞાનતા છે.
૧૩૯) આ લોકો જે કાર્યમાં લાગેલા છે તેને નષ્ટ કરવામાં આવશે, તેઓનું આ કાર્ય આધારહીન છે.
૧૪૦) કહ્યું કે શું અલ્લાહ તઆલાને છોડીને બીજા કોઇને પૂજ્ય નક્કી કરું ? જો કે તેણે તમને સમગ્ર સૃષ્ટિના લોકો પર પ્રાથમિકતા આપી છે.
૧૪૧) અને તે સમય યાદ કરો જ્યારે અમે તમને ફિરઔનથી બચાવી લીધા, જે તમને સખત તકલીફો આપતા હતા, તમારા બાળકોને કતલ કરી દેતા અને તમારી સ્ત્રીઓને જીવિત છોડી દેતા અને તેમાં તમારા પાલનહાર તરફથી ઘણી મોટી કસોટી હતી.
૧૪૨) અને અમે મૂસા (અ.સ.) પાસે ત્રીસ રાત્રિઓનું વચન કર્યું અને વધું દસ રાત્રિઓ વડે, તે ત્રીસ રાત્રિઓને પૂરી કરી, તો તેઓના પાલનહારનો સમય કુલ ચાલીસ રાત્રિઓનો થઇ ગયો, અને મૂસા (અ.સ.) એ પોતાના ભાઇ હારૂન (અ.સ.) ને કહ્યું કે મારા પછી આ લોકો માટે વ્યવસ્થા ગોઠવશો અને તેઓની અંદર સુધારો કરતા રહેજો અને નકામા લોકોની સલાહ ન માનશો.
૧૪૩) અને જ્યારે મૂસા (અ.સ.) અમારા સમયે આવ્યા અને તેમના પાલનહારે તેમની સાથે વાત કરી, કહ્યું હે મારા પાલનહાર ! મને તને જોવાની શક્તિ આપ, જેથી હું તમને એક નજર જોઇ શકું, કહેવામાં આવ્યું કે તમે મને કયારેય નથી જોઇ શકતા, પરંતુ તમે તે પહાડ તરફ જોતા રહો, જો તે પોતાની જગ્યાએ જ રહ્યો, તો તમે પણ મને જોઇ શકશો, બસ ! તેમનો પાલનહાર તે પહાડ તરફ તજલ્લી બતાવી તો, તેના ચૂરેચૂરા થઇ ગયા, અને મૂસા (અ.સ.) બેહોશ થઇને પડી ગયા, નિ:શંક તારી હસ્તી પવિત્ર છે, હું તારી સમક્ષ તૌબા કરુ છું અને હું સૌથી પહેલા તારા પર ઈમાન લાવવાવાળો છું.
૧૪૪) કહેવામાં આવ્યું કે હે મૂસા (અ.સ.) ! મેં પયગંબરી અને મારી સાથે વાતચીત કરવા માટે, લોકો પર તમને પ્રાથમિકતા આપી છે, તો જે કંઈ પણ મેં તમને આપ્યું છે તેને લો અને આભાર વ્યક્ત કરો.
૧૪૫) અને અમે કેટલીક તકતીઓ પર દરેક પ્રકારની શિખામણ અને દરેક વસ્તુની વિગત તેઓને લખીને આપી, તમે તેને મજબૂતીથી પકડી લો, અને પોતાની કોમને આદેશ આપો કે તેઓ સારા સારા આદેશોનું અનુસરણ કરે, હવે નજીક માંજ તમને તે વિદ્રોહીઓનું પરિણામ બતાવી દઇશું.
૧૪૬) હું એવા લોકોને પોતાના આદેશોથી અળગા જ રાખીશ જેઓ દુનિયામાં ઘમંડ કરે છે, જેનો કોઇ અધિકાર તેઓ પાસે નથી, અને જો દરેક નિશાની જોઇ લીધા પછી પણ તે તેના પર ઈમાન ન લાવ્યા, અને જો સત્ય માર્ગદર્શન જોતા તો, તેને પોતાનો તરીકો ન બનાવતા, અને જો પથભ્રષ્ટતા નો માર્ગ જોઇ લે તો તેને પોતાનો તરીકો બનાવી લેતા. આવું એટલા માટે છે કે તેઓએ અમારી આયતોને જુઠલાવી અને તેની અવગણના કરતા રહ્યા.
૧૪૭) અને આ લોકો જેમણે અમારી આયતોને અને કયામત આવવાને પણ જુઠલાવી, તેઓના દરેક કાર્યો વ્યર્થ થઇ ગયા, તેઓને તેની જ સજા આપવામાં આવશે જે કંઈ તેઓ કરતા હતા.
૧૪૮) અને મૂસા (અ.સ.)ની કૌમે તેઓના પછી પોતાના ઘરેણાંઓ (માંથી બનાવેલ) એક વાછરડાને પૂજ્ય બનાવી દીધું, જેમાં એક અવાજની ગોઠવણ હતી, શું તેઓએ આ ન જોયું કે તે તેમની સાથે વાત ન હતું કરતું અને ન તો તેઓને કોઇ માર્ગ બતાવતું હતું, તેને તેઓએ પૂજ્ય બનાવી દીધું અને ઘણું અન્યાયી કૃત્ય કર્યું.
૧૪૯) અને જ્યારે તેઓ નિરાશ થઇ ગયા અને જાણ થઇ કે ખરેખર તે લોકો પથભ્રષ્ટતામાં પડી ગયા, તો કહેવા લાગ્યા કે જો અમારો પાલનહાર અમારા પર દયા ન કરે અને અમારા પાપોને માફ ન કરે તો અમે ઘણા જ નુકસાન ભોગવનાર લોકો માંથી થઇ જઇશું.
૧૫૦) અને જ્યારે મૂસા (અ.સ.) પોતાની કોમ પાસે પાછા આવ્યા, ગુસ્સા અને નિરાશાથી ભરપૂર, તો કહેવા લાગ્યા કે તમે લોકોએ મારા ગયા પછી ઘણું જ ખરાબ કૃત્ય કર્યું, શું પોતાના પાલનહારનો આદેશ મેળવતા પહેલા જ આગળ વધી ગયા અને ઝડપથી તકતીઓ એક તરફ મૂકી દીધી, અને પોતાના ભાઈનું માથું પકડી તેમને પોતાની તરફ ખેંચવા લાગ્યા, હારૂન (અ.સ.)એ કહ્યું કે હે મારા ભાઈ ! તે લોકોએ મને કંઈ પણ ન સમજ્યો અને શક્ય હતું કે મને કતલ કરી દેતા, તો મારા શત્રુઓને ન હસાવો અને મને તે અત્યાચારીઓના ષડ્યંત્રમાં દાખલ ન કરો.
૧૫૧) મૂસા (અ.સ.)એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી ભૂલો માફ કર અને મારા ભાઇની પણ, અને અમને બન્નેને પોતાની કૃપામાં પ્રવેશ આપ અને તું દરેક દયાવાનો કરતા વધારે દયાળુ છે.
૧૫૨) નિ:શંક જે લોકોએ વાછરડાની પૂજા કરી હોય, તેઓના પર નજીક માંજ તેમના પાલનહાર તરફથી ગુસ્સો અને અપમાન આ દુનિયાના જીવન માંજ આવી પહોંચશે અને અમે જૂઠ ઘડનારા લોકોને આવી જ સજા આપીએ છીએ.
૧૫૩) અને જે લોકોએ પાપ કર્યા પછી જો તેઓ તૌબા કરી લે અને ઈમાન લઇ આવે, તો તૌબા કર્યા પછી પાપને તમારો પાલનહાર માફ કરી દેનાર, દયા કરનાર છે.
૧૫૪) અને જ્યારે મૂસા (અ.સ.) શાંત થયા તો, તે તકતીઓને ઉઠાવી લીધી અને તેના વિષયોમાં તે લોકો માટે, જેઓ પોતાના પાલનહારથી ડરતા હતા, માર્ગદર્શન અને કૃપા હતી.
૧૫૫) અને મૂસા (અ.સ.)એ સિત્તેર વ્યક્તિઓને પોતાની કોમ માંથી અમારા નક્કી કરેલ સમય માટે પસંદ કર્યા, તો જ્યારે તે લોકો પર ધરતીકંપ આવી પહોંચ્યો, તો મૂસા (અ.સ.) કહેવા લાગ્યા કે હે મારા પાલનહાર ! જો તારી ઇચ્છા હોત તો આ પહેલા જ તેઓને અને મને નષ્ટ કરી દીધા હોત, શું અમારા માંથી થોડાક મૂર્ખ લોકોના કારણે અમને પણ નષ્ટ કરી દઇશ ? આ કિસ્સો ફકત તારા તરફથી કસોટી છે, આવી કસોટી દ્વારા જેને તું ઇચ્છે તેને પથભ્રષ્ટ કરી દે, અને જેને ઇચ્છે સત્ય માર્ગ પર અડગ રાખે, તું જ અમારો વ્યવસ્થાપક છે. બસ ! અમારા પર માફી અને દયા કર, અને તું દરેક માફ કરનારાઓ કરતા વધારે માફ કરનાર છે.
૧૫૬) અને અમારા નામ સદાચારી લોકોમાં લખી દે, દુનિયામાં પણ અને આખેરતમાં પણ, અમે તારી તરફ જ રજૂ થઇએ છીએ, અલ્લાહ તઆલાએ કહ્યું કે હું મારી યાતના તેને જ આપું છું જેને ઇચ્છુ છું અને મારી કૃપા દરેક વસ્તુઓ પર છે, તો તે કૃપા તે લોકોને જરૂર આપીશ, જેઓ અલ્લાહથી ડરે છે અને ઝકાત આપે છે અને જેઓ અમારી આયતો પર ઈમાન લાવે છે.
૧૫૭) જે લોકો એવા અભણ પયગંબરનું અનુસરણ કરે છે, જેને તે લોકો પોતાની પાસે તૌરાત અને ઈંજીલમાં લખેલું જુએ છે, તે તેઓને સત્કાર્યોનો આદેશ આપે છે અને ખરાબ કૃત્યોથી રોકે છે, અને પવિત્ર વસ્તુઓને હલાલ ઠેરવે છે અને ખરાબ વસ્તુઓને તેઓ પર હરામ ઠેરવે છે. અને તે લોકો પર જે ભાર અને પટ્ટો હતો, તેને હટાવે છે, તો જે લોકો આ પયગંબર પર ઈમાન લાવે છે અને તેમનું સમર્થન કરે છે અને તેમની મદદ કરે છે અને તે પ્રકાશનું અનુસરણ કરે છે જે તેમની સાથે મોકલવામાં આવ્યું છે, આવા લોકો સંપૂર્ણ સફળતા મેળવશે.
૧૫૮) તમે કહી દો કે હે લોકો ! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો મોકલેલો છું જેનું સામાર્જ્ય આકાશો અને ધરતી પર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, તે જ જીવન આપે છે અને તે જ મૃત્યુ આપે છે, તો અલ્લાહ તઆલા પર ઈમાન લાવો અને તેના અભણ પયગંબર પર, જે અલ્લાહ તઆલા પર અને તેના આદેશો પર ઈમાન ધરાવે છે અને તેનું અનુસરણ કરો, જેથી તમે સત્યમાર્ગ પર આવી જાઓ.
૧૫૯) અને મૂસાની કોમમાં એક જૂથ એવું પણ છે, જે સત્ય સાથે માર્ગદર્શન આપે છે અને તે જ પ્રમાણે ન્યાય પણ કરે છે.
૧૬૦) અને અમે તેમની બાર કુટુંબોમાં વહેંચણી કરી, સૌના અલગ-અલગ જૂથ નક્કી કરી દીધા અને અમે મૂસા (અ.સ.)ને આદેશ આપ્યો જ્યારે કે તેમની કૌમે તેમની પાસે પાણી માંગ્યું, કે પોતાની લાકડીને પેલા પથ્થર પર મારો, બસ ! તરત જ તેમાંથી બાર ઝરણાં ફૂટી નીકળ્યા, દરેક વ્યક્તિએ પોતાની પાણી પીવાની જગ્યા જાણી લીધી અને અમે તેમના પર વાદળ દ્વારા છાંયડો કર્યો, અને તેમને “મન્” અને “સલ્વા” (જન્નતી ખોરાક) પહોંચાડ્યું, ખાઓ પવિત્ર વસ્તુઓ માંથી, જે અમે તમને આપી છે અને તેઓએ અમારું કંઈ પણ નુકસાન ન કર્યુ, પરંતુ પોતાનું જ નુકસાન કરતા હતા.
૧૬૧) અને જ્યારે તેઓને આદેશ આપવામાં આવ્યો કે તમે લોકો તે વસ્તીમાં જઇને રહો અને જ્યાંથી ઇચ્છો ત્યાંથી ખાઓ અને જબાન વડે એવું કહેજો કે “તૌબા છે” અને ઝૂકી ઝૂકીને દરવાજામાં પ્રવેશ કરજો, અમે તમારી ભૂલો માફ કરી દઇશું, જે લોકો સત્કાર્ય કરશે, તેઓને વધારે આપીશું.
૧૬૨) તો તે અત્યાચારીઓએ એક શબ્દને બીજા શબ્દ વડે બદલી દીધો જે વિરૂદ્ધ હતો, તે શબ્દ ના બદલામાં જેને કહેવા માટે કહ્યું હતું, તેના કારણે અમે તેઓ પર એક અવકાશી આપત્તિ મોકલી, એ કારણસર કે તે આદેશને નહોતા માનતા.
૧૬૩) અને તમે તે લોકો સામે તે વસ્તીવાળાની દશા પૂછો, જેઓ સમુદ્ર નજીક રહેતા હતા, જ્યારે કે તેઓ શનિવાર ના દિવસે હદ વટાવી ગયા હતા, જ્યારે કે તેઓના શનિવારના દિવસે તેમના માટે માછલીઓ ઉપર આવતી હતી, અને જ્યારે શનિવારનો દિવસ ન હોય તો ઉપર નહોતી આવતી, અમે તેઓની આવી રીતે કસોટી કરતા હતા, તે કારણસર કે તેઓ આદેશોનો ભંગ કરતા હતા.
૧૬૪) અને જ્યારે તેમના માંથી એક જૂથે એમ કહ્યું કે તમે એવા લોકોને કેમ શિખામણ આપો છો, જેમને અલ્લાહ નષ્ટ કરવાવાળો છે, અથવા તેમને સખત સજા આપનાર છે ? તેઓએ જવાબ આપ્યો કે તમારા પાલનહારને કારણ જણાવવા અને એટલા માટે કે કદાચ તેઓ ડરી જાય.
૧૬૫) તો જ્યારે તેને ભૂલી ગયા, જે તેમને શિખવવામાં આવતું હતું, તો અમે તે લોકોને તો બચાવી લીધા જેઓ આ ખરાબ કૃત્યોથી રોકતા હતા. અને તે લોકોને જેઓ અતિરેક કરતા હતા, તે લોકો પર એક સખત પ્રકોપ આવી પહોંચ્યો, એટલા માટે કે તેઓ આદેશોનું પાલન કરતા ન હતા.
૧૬૬) એટલે જ્યારે, તેઓને જે કાર્યથી રોકવામાં આવ્યા હતા, તેમાં હદ વટાવી ગયા, તો અમે તેમને કહી દીધું કે તમે અપમાનિત કરેલ વાંદરા બની જાવ.
૧૬૭) અને તે સમય યાદ કરવો જોઇએ જ્યારે તમારા પાલનહારે એ વાત જણાવી દીધી કે, તે (અલ્લાહ) યહૂદીઓ પર કયામત સુધી એક એવા વ્યક્તિને જરૂર નક્કી કરી દેશે જે તેઓને સખત સજા આપતો રહેશે, નિ:શંક તમારો પાલનહાર નજીક માંજ સજા આપી દે છે અને ખરેખર તે ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાવાન છે.
૧૬૮) અને અમે દુનિયામાં તેઓને અલગ-અલગ જૂથમાં વહેંચી દીધા, કેટલાક તેમનામાં સદાચારી હતા અને કેટલાક બીજા લોકો હતા અને અમે સુખ અને દુ:ખથી કસોટી કરતા રહ્યા, કે કદાચ સુધારો કરી લે.
૧૬૯) ત્યાર પછી એવા લોકો તેઓના નાયબ બન્યા, કે તેઓએ કિતાબ તેમની પાસેથી લઇ લીધી અને આ નષ્ટ થનારી દુનિયાનો સામાન લઇ લીધો અને કહે છે કે અમારી માફી ચોક્કસ થઇ જશે, જો કે તેમની પાસે એવો જ સામાન આવી જાય તો તેને પણ લઇ લેશે, શું તેઓ પાસેથી તે કિતાબના આ વિષયનું વચન લેવામાં નહતું આવ્યું કે અલ્લાહની તરફ સત્ય વાત સિવાય બીજી કોઇ વાત ન કહેવી અને તેઓએ તે કિતાબમાં જે કંઈ પણ હતું તેને વાંચી લીધું અને આખેરતનું ઘર તે લોકો માટે ઉત્તમ છે, જે લોકો ડરે છે, પછી શું તમે નથી સમજતા ?
૧૭૦) અને જે લોકો કિતાબને મજબૂતી સાથે પકડી રાખે છે અને નમાઝ કાયમ પઢતા રહે છે, અમે એવા લોકોના, જેઓ પોતાનો સુધારો કરે, સવાબ વ્યર્થ નહીં કરીએ.
૧૭૧) અને તે સમય પણ યાદ કરવા જેવો છે, જ્યારે અમે પર્વતને ઉઠાવી છાંયડાની જેમ તેમના પર લાવી દીધો, અને તેમને વિશ્વાસ થઇ ગયો કે હવે તેમના પર પડ્યો અને કહ્યું કે જે કિતાબ અમે તમને આપી છે તેને મજબૂતીથી સ્વીકાર કરો અને યાદ રાખો જે આદેશો તેમાં છે, તેના કારણે આશા છે કે તમે ડરવાવાળા બની જાવ.
૧૭૨) અને જ્યારે તમારા પાલનહારે આદમના સંતાનની પીઠ વડે તેમના સંતાનનું સર્જન કર્યું અને તેમની પાસેથી તેમના જ વિશે વચન લીધું કે શું હું તમારો પાલનહાર નથી ? સૌએ જવાબ આપ્યો કેમ નહીં, અમે સૌ સાક્ષી આપીએ છીએ, જેથી તમે કયામતના દિવસે એમ ન કહો કે અમે તો આનાથી અજાણ હતા.
૧૭૩) અથવા એમ કહો કે પહેલી વખત શિર્ક તો અમારા પૂર્વજોએ કર્યું, અને અમે તેમના પછી તેઓની પેઢી માંથી થયા, તો શું તે પથભ્રષ્ટ લોકોના કાર્ય પર તું અમને નષ્ટ કરી દઇશ ?
૧૭૪) અમે આ જ પ્રમાણે આયતોનું સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ, જેથી તેઓ અળગા રહે.
૧૭૫) અને તે લોકોને તે વ્યક્તિની દશા વાંચી સંભળાવો કે જેને અમે પોતાની આયતો આપી, પછી તેણે (અમારી આયતોનું અનુસરણ ન કર્યું) પછી શેતાન તેની પાછળ લાગી ગયો, તો તે પથભ્રષ્ટ લોકોમાં દાખલ થઇ ગયો.
૧૭૬) અને જો અમે ઇચ્છતા તો તેને આ આયતોના કારણે ઊંચો હોદ્દો આપતા, પરંતુ તે તો દુનિયા તરફ ઝૂકી ગયો અને પોતાની મનેચ્છાઓની પાછળ પડી ગયો, તેમની દશા કૂતરાં જેવી થઇ ગઇ, કે તું તેમના પર હુમલો કરીશ તો પણ હાંફશે અથવા તું તેને છોડી દઇશ તો પણ તે હાંફશે, આ જ દશા તે લોકોની છે જેઓએ અમારી આયતોનો ઇન્કાર કર્યો, તો તમે આ સ્થિતિનું વર્ણન કરી દો, કદાચ તે લોકો કંઈક વિચારે.
૧૭૭) તે લોકોની દશા પણ ખરાબ છે, જેઓ અમારી આયતોને જુઠલાવે છે અને તેઓ પોતાનું જ નુકસાન કરે છે.
૧૭૮) જેને અલ્લાહ સત્યમાર્ગ બતાવે છે તો તે જ સત્ય માર્ગદર્શન મેળવનાર છે અને જેને તે પથભ્રષ્ટ કરી દે તો આવા જ લોકો નુકસાન ભોગવનારા છે.
૧૭૯) અને અમે એવા ઘણા માનવીઓ અને જિન્નાતોનું સર્જન જહન્નમ માટે કર્યું છે, જેમના હૃદય એવા છે જે નથી સમજતા અને જેઓની આંખો એવી છે જેનાથી નથી જોતા અને જેઓના કાન એવા છે જેનાથી નથી સાંભળતા, આ લોકો ઢોર જેવા છે, પરંતુ આ લોકો તે ઢોરો કરતા પણ વધારે પથભ્રષ્ટ છે, આ જ લોકો બેદરકાર છે.
૧૮૦) અને સારા નામ અલ્લાહ માટે જ છે, તો તે નામો વડે જ અલ્લાહને પોકારો અને એવા લોકો સાથે સંબંધ પણ ન રાખો જેઓ તેના નામમાં ખામી શોધે છે, તે લોકોને તેમના કાર્યોની જરૂર સજા મળશે.
૧૮૧) અને અમારા સર્જનમાં એક જૂથ એવું પણ છે જે સત્ય સાથે માર્ગદર્શન આપે છે અને તે જ પ્રમાણે ન્યાય પણ કરે છે.
૧૮૨) અને જે લોકો અમારી આયતોને જુઠલાવે છે, અમે તેઓની પકડ ધીરે-ધીરે કરી રહ્યા છે, તેવી રીતે કે તેમને જાણ પણ નથી.
૧૮૩) તેઓને મહેતલ આપું છું, નિ:શંક મારી યુક્તિ ઘણી જ મજબૂત છે.
૧૮૪) શું તે લોકોએ તે વાત પર ચિંતન ન કર્યુ કે તેમના મિત્ર સહેજ પણ પાગલ નથી, તે તો ફકત એક સ્પષ્ટ ચેતવણી આપનાર છે.
૧૮૫) અને શું તે લોકોએ ચિંતન ન કર્યું કે આકાશો અને ધરતી પર અને બીજી દરેક વસ્તુઓમાં, જેનો સર્જનહાર અલ્લાહ જ છે અને એ વાતમાં પણ (ચિંતન ન કર્યું કે) શક્ય છે કે તેઓનું મૃત્યુ નજીક માંજ આવી પહોંચ્યું હોય, તો કુરઆન પછી કેવી વાત પર ઈમાન લાવશે ?
૧૮૬) જેને અલ્લાહ તઆલા પથભ્રષ્ટ કરી દે તેને કોઇ માર્ગદર્શન આપી શકતું નથી, અને અલ્લાહ તઆલા તેઓને તેમની પથભ્રષ્ટતામાં ભટકતા છોડી દેછે.
૧૮૭) આ લોકો તમને કયામત વિશે પૂછે છે કે તે ક્યારે આવશે ? તમે કહી દો કે તેનું જ્ઞાન ફકત મારા પાલનહાર પાસે જ છે, તેના સમય પર તેને અલ્લાહ સિવાય કોઇ લાવી નહીં શકે, તે આકાશો અને ધરતી પર ઘણો સખત (દિવસ) હશે, તે તમારા પર અચાનક આવી પડશે, તેઓ તમને એવી રીતે પૂછે છે જાણે કે તમે તેની શોધ કરી ચૂક્યા હોય, તમે કહી દો કે તેનું જ્ઞાન ફકત અલ્લાહને જ છે, પરંતુ ઘણા લોકો નથી જાણતા.
૧૮૮) તમે કહી દો કે હું પોતે મારા માટે કોઇ ફાયદાનો અધિકાર નથી રાખતો અને ન તો કોઇ નુકસાનનો, પરંતુ જેટલું અલ્લાહએ ઇચ્છયું હોય તેટલું જ (મારા માટે છે) અને જો મને અદૃશ્યનું જ્ઞાન હોત તો, હું ઘણા ફાયદા પ્રાપ્ત કરી લેતો, અને કોઇ નુકસાન મને ન થતું, હું તો ફકત ચેતવણી આપનાર અને શુભેચ્છક છું, તે લોકો માટે જેઓ ઈમાન રાખે છે.
૧૮૯) તે અલ્લાહ તઆલા એવો છે જેણે તમારું સર્જન એક પ્રાણ વડે કર્યું અને તેનાથી જ તેના માટે જોડીદાર બનાવ્યા, જેથી તે તેની પાસેથી લાગણી પ્રાપ્ત કરે, પછી જ્યારે પતિ-પત્ની સાથે ભેગો થયો, તેને હલકું ગર્ભ રહી ગયું, તો તેણી તેને લઇને હરે-ફરે છે, પછી જ્યારે તે ભારે થઇ ગયું તો બન્ને પતિ-પત્ની અલ્લાહથી જે તેમનો માલિક છે, દુઆ કરવા લાગ્યા, કે જો તું અમને તંદુરસ્ત સંતાન આપે તો, અમે ખૂબ જ આભાર વ્યક્ત કરીશું.
૧૯૦) તો જ્યારે અલ્લાહએ તે બન્નેને તંદુરસ્ત સંતાન આપ્યું તો અલ્લાહએ આપેલી વસ્તુઓમાં તે બન્ને અલ્લાહના ભાગીદારો ઠેરાવવા લાગ્યા, અલ્લાહ પવિત્ર છે તેઓના ભાગીદાર ઠેરાવવાથી.
૧૯૧) શું એવા લોકોને ભાગીદાર ઠેરવે છે જે કોઇ પણ વસ્તુનું સર્જન નથી કરી શકતા અને તેમનું પોતાનું જ સર્જન કરવામાં આવ્યું છે.
૧૯૨) અને તે તેમને કોઇ પણ પ્રકારની મદદ નથી કરી શકતા અને તે પોતે પણ મદદ કરી શકતા નથી.
૧૯૩) અને જો તમે તેમને કોઇ વાત જણાવવા માટે બોલાવો તો તમારા કહેવા પર નહીં ચાલે, તમારી દૃષ્ટિએ બન્ને કાર્યો સરખા છે, ભલેને તમે તેમને પોકારો અથવા તો ચૂપ રહો.
૧૯૪) ખરેખર અલ્લાહને છોડીને જેની બંદગી તમે કરો છો, તેઓ પણ તમારા જેવા જ બંદાઓ છે, તો તમે તેમને પોકારો, પછી તેઓ તમારું કહેવું સાચું કરી બતાવે જો તેઓ સાચા હોય.
૧૯૫) શું તેઓના પગ છે જેનાથી તેઓ ચાલતા હોય અથવા તેઓના હાથ છે જેનાથી તેઓ કોઇ વસ્તુઓને પકડી શકે, અથવા તેઓની આંખો છે જેનાથી તેઓ જોતા હોય, અથવા તેઓના કાન છે જેનાથી તેઓ સાંભળતા હોય, તમે કહી દો કે તમે પોતાના દરેક પૂજ્યોને બોલાવી લો, પછી મને નુકસાન પહોંચાડવા માટેની યુક્તિ કરો, પછી મને થોડીક પણ મહેતલ ન આપો.
૧૯૬) નિ:શંક મારી મદદ કરનાર અલ્લાહ તઆલા જ છે, જેણે આ કિતાબનું અવતરણ કર્યું અને તે સદાચારી લોકોની મદદ કરે છે.
૧૯૭) અને તમે જે લોકોની પણ અલ્લાહને છોડીને બંદગી કરો છો, તેઓ તમારી કંઈ પણ મદદ નથી કરી શકતા અને ન તો તે પોતાની મદદ કરી શકે છે.
૧૯૮) અને તેમને કોઇ વાતનો આદેશ આપવા માટે બોલાવો તો, તેને ન સાંભળે, અને તેઓને તમે જુઓ છો જાણે કે તેઓ તમને જોઇ રહ્યા છે જો કે તેઓ કંઈ પણ નથી જોતા.
૧૯૯) તમે દરગુજર કરો, સત્કાર્યની શિક્ષા આપો, અને અજાણ લોકોથી અળગા રહો.
૨૦૦) અને જો તમને કોઇ ખરાબ વિચાર શેતાન તરફથી આવવા લાગે તો, અલ્લાહનું શરણ માંગી લો, નિ:શંક તે ખૂબ જ સાંભળનાર, જાણનાર છે.
૨૦૧) નિ:શંક જે લોકો અલ્લાહથી ડરે છે, જ્યારે તેઓ પર કોઇ મુસીબત શેતાન તરફથી આવી પહોંચે છે તો તેઓ યાદ કરવા લાગે છે, તો અચાનક તેઓની આંખો ખુલી જાય છે.
૨૦૨) અને જે લોકો શેતાનોની વાત માને છે, તે તેઓને પથભ્રષ્ટતામાં ખેંચી જાય છે, બસ ! તેઓ છોડતા નથી.
૨૦૩) અને જ્યારે તમે કોઇ ચમત્કાર જાહેર નથી કરતા તો, તે લોકો કહે છે કે તમે આ ચમત્કાર કેમ ન લાવ્યા ? તમે કહી દો કે હું તેનું અનુસરણ કરું છું જે મને મારા પાલનહાર તરફથી આદેશ આપવામાં આવ્યો, આ ઘણા પુરાવા છે અમારા પાલનહાર તરફથી, અને સત્ય માર્ગદર્શન અને દયા છે તે લોકો માટે જેઓ ઈમાન લાવ્યા છે.
૨૦૪) અને જ્યારે કુરઆન પઢવામાં આવે તો તેને ધ્યાનથી સાંભળો અને ચૂપ રહો, શક્ય છે કે તમારા પર કૃપા થાય.
૨૦૫) અને હે વ્યક્તિ ! પોતાના પાલનહારને પોતાના મનમાં યાદ કર્યા કર, આજીજી સાથે અને ડરતા ડરતા, અને ઊંચા અવાજ કરતા ધીમા અવાજે સવાર-સાંજ (યાદ કરો) અને ભૂલી જનારાઓ માંથી ન થઇ જાઓ.
૨૦૬) નિ:શંક જે લોકો તારા પાલનહારની નજીક છે, તે તેની બંદગી સાથે ઘમંડ નથી કરતા, અને તેની પવિત્રતા બયાન કરે છે અને તેને સિજદો કરે છે.