ترجمة معاني سورة محمد
باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
.
من تأليف:
رابيلا العُمري
.
ﰡ
૧) જે લોકોએ ઇન્કાર કર્યો અને અલ્લાહના માર્ગમાં રોક લગાવી અલ્લાહએ તેઓના કર્મોને બરબાદ કરી દીધા.
૨) અને જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કર્યા અને તે (વાત) પર પણ ઇમાન લાવ્યા જે મુહમ્મદ પર અવતારિત કરવામાં આવી છે અને ખરેખર તો તેઓના પાલનહાર તરફથી સાચો (ધર્મ) પણ તે જ છે. અલ્લાહએ તેઓના ગુનાહ દુર કરી દીધા અને તેઓને સુધારી દીધા.
૩) આ એટલા માટે કે ઇન્કારીઓએ અસ્ત્યનું અનુસરણ કર્યુ અને ઇમાનવાળાઓ એ આ સત્ય (ધર્મ) નું અનુસરણ કર્યુ જે તેઓના પાલનહાર તરફથી છે, અલ્લાહ તઆલા તેઓનું વર્ણન આવી જ રીતે કરે છે.
૪) તો જ્યારે ઇન્કારીઓ સાથે તમારી અથડામણ થાય તો ગળા પર વાર કરો, જ્યારે તેઓને બરાબર કચડી નાખો તો હવે બરાબર ઠોસ બાંધી કેદી બનાવી લો, (પછી અધિકાર છે) કે ચાહે ઉપકાર કરી છોડી દો અથવા દંડની રકમ લઇલો. જ્યાં સુધી તેઓ પોતાના શસ્ત્ર મુકી ન દે, આ જ આદેશ છે અને જો અલ્લાહ ઇચ્છે તો (પોતે જ) તેઓથી બદલો લઇ લે, પરંતુ (તેની ઇચ્છા એ છે) કે તમારા માંથી એક ની કસોટી બીજાથી લઇ લે, જે લોકો અલ્લાહના માર્ગમાં શહીદ કરી દેવામાં આવે છે, અલ્લાહ તેઓના કર્મો કદાપિ નહી વેડફે.
૫) તેઓને માર્ગ બતાવશે અને તેઓની પરિસ્થિતિ સુધારી દેશે.
૬) અને તેઓને તે જન્નતમાં લઇ જશે જેની તેઓને ઓળખ આપી દેવામાં આવી છે.
૭) હે ઇમાનવાળાઓ ! જો તમે અલ્લાહના (ધર્મ ની) મદદ કરશો તો તે તમારી મદદ કરશે અને તમારા ડગલાને (ધર્મ) પર જમાવી દેશે.
૮) અને જે લોકો ઇન્કારી થયા તેઓ નષ્ટ થાય, અલ્લાહ તેઓના કર્મો બેકાર કરી દેશે.
૯) આ એટલા માટે કે તેઓએ અલ્લાહની અવતરિત કરેલી વસ્તુ પસંદ ન કરી, બસ ! અલ્લાહ તઆલાએ (પણ) તેઓના કર્મો વેડફી નાખ્યા.
૧૦) શું તે લોકોએ ધરતી પર હરી ફરી, તેને જોઇ નથી કે તેઓના અગાઉના લોકોની શું દશા થઇ ? અલ્લાહ તઆલાએ તેઓને નષ્ટ કરી દીધા અને ઇન્કારીઓ માટે આવી જ યાતનાઓ છે.
૧૧) તે એટલા માટે કે ઇમાનવાળાઓનો દોસ્ત અલ્લાહ તઆલા પોતે જ છે અને એટલા માટે કે ઇન્કારીઓનો કોઇ દોસ્ત નથી.
૧૨) જે લોકો ઇમાન લાવ્યા અને તેઓએ સદકાર્યો કર્યા તેઓને અલ્લાહ તઆલા ખરેખર એવા બગીચાઓમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે અને જે લોકો ઇન્કારીઓ છે તેઓ (દુનિયાનો જ) ફાયદો ઉઠાવી રહ્યા છે અને જાનવરોની માફક ખાઇ રહ્યા છે, તેઓનું (ખરેખરૂં) ઠેકાણું જહન્નમ છે.
૧૩) અમે કેટલીક વસ્તીઓને જે તાકાતમાં તારી આ વસ્તી કરતા વધારે હતા, જેણે તને કાઢ્યો, અમે તેઓને નષ્ટ કરી દીધા, બસ ! તેઓ માટે મદદ કરનાર કોઇ ન હતું.
૧૪) શું તે વ્યક્તિ જે પોતાના પાલનહાર તરફથી ખુલ્લા પૂરાવા સાથે હોય તે વ્યક્તિ માફક થઇ શકે છે જેના માટે તેનું ખરાબ કાર્ય તેના માટે સારૂ કરી દેવામાં આવ્યુ છે ? અને તે પોતાની મનેચ્છાઓ ને અનુસરતો હોય.
૧૫) તે જન્નતની વિશેષતા જેનું વચન ડરવાવાળાઓને આપવામાં આવ્યું છે, એ છે કે તેમાં પાણીની નહેરો છે, જે દુર્ગંધ ફેલાવવા વાળુ નથી અને દુધની નહેરો છે જેનો સ્વાદ બદલાયેલો નથી અને શરાબની નહેરો છે જે પીવાવાળા માટે ખુબ જ સ્વાદિષ્ટ છે અને મધની નહેરો છે જે ખુબ જચોખ્ખી છે અને તેઓ માટે દરેક પ્રકારના ફળો છે અને તેમના પાલનહાર તરફથી ક્ષમા છે. શું આ તેની માફક છે જે હંમેશા આગમાં રહેનારા છે ? અને જેમને ગરમ ઉકળતું પાણી પીવડાવવામાં આવશે ? જે તેમના આંતરડાઓના ટુકડે ટુકડા કરી દેશે.
૧૬) અને તેમાં કેટલાક (એવા પણ છે કે) તારી તરફ કાન લગાવે છે, અહીં સુધી કે જ્યારે તારી પાસેથી પરત ફરે છે તો જ્ઞાનવાળાથી પુછે છે કે તેણે હમણાં શું કહ્યું હતું ? આ જ તે લોકો છે જેઓના હૃદયો પર અલ્લાહ તઆલાએ મુહર લગાવી દીધી છે અને તેઓ પોતાની મનેચ્છાઓ ને અનુસરે છે.
૧૭) અને જે લોકો સત્ય માર્ગ ઉપર છે, અલ્લાહએ તેઓને સત્ય માર્ગ પર વધારે જમાવી દીધા અને તેઓને તેમની સંયમતા પ્રદાન કરી.
૧૮) તો શું આ લોકો કયામતના દિવસની પ્રતિક્ષા કરી રહ્યા છે કે તે (દિવસ) તેમની પાસે અચાનક આવી જાય, નિ:શંક તેની નિશાનીઓ તો આવી પહોંચી છે, પછી જ્યારે તેઓ પાસે કયામત આવી પહોંચશે ત્યારે તેઓને શિખામણ આપવામાં નહી આવે.
૧૯) તો (હે પયગંબર) તમે માની લો (જાણી લો) કે અલ્લાહ સિવાય કોઇ બંદગીને લાયક નથી અને પોતાના ગુનાહોની ક્ષમા માંગતા રહો અને ઇમાનવાળા પુરૂષો અને ઇમાનવાળી સ્ત્રીઓના માટે પણ, અલ્લાહ તઆલા તમારા લોકોની આવવા-જવા અને રહેઠાણને ખુબ સારી રીતે જાણે છે.
૨૦) અને જે લોકો ઇમાન લાવ્યા તે કહે છે કોઇ સૂરહ કેમ અવતરિત કરવામાં નથી આવી ? પછી જ્યારે કોઇ સ્પષ્ટ સૂરહ અવતરિત કરવામાં આવે છે અને તેમાં લડાઇનો ઉલ્લેખ કરવામાં આવે છે તો તમે જૂઓ છો કે જેલોકોના હૃદયોમાં બિમારી છે તેઓ તમારી તરફ એવી રીતે જૂએ છે જેવી રીતે મૃત્યુ ના સમયે જોવામાં આવતી નઝર, બસ ! ખુબ જ સારૂ હતું તેઓ માટે.
૨૧) આદેશનું અનુસરણ કરવું અને સારી વાત કહેવી, પછી જ્યારે કામ નક્કી થઇ જાય તો જો અલ્લાહના આદેશોને આધિન રહ્યા તો તેઓ માટે સારૂ છે.
૨૨) અને તમારાથી દૂર નથી કે જો તમને સલ્તનત મળી જાય તો તમે ધરતી પર તોફાન ફેલાવી દો અને સબંધો પણ તોડી નાખો.
૨૩) આ તે જ લોકો છે જેમના પર અલ્લાહ ની ફિટકાર છે અને જેમની સાંભળવાની અને જોવાની શક્તિ છીનવી લીધી છે.
૨૪) શું આ કુરઆનમાં ચિંતન-મનન નથી કરતા ? અથવા તેઓના હૃદયો પર તાળા વાગી ગયા છે ?
૨૫) જે લોકોએ સત્ય માર્ગ સ્પષ્ટ થઇ ગયા પછી પણ પીઠ બતાવી, નિ:શંક શૈતાને (તેમનો માર્ગ) તેઓ માટે ભવ્ય બનાવી દીધો અને તેઓને ઢીલ આપવામાં આવી છે.
૨૬) આ એટલા માટે કે તેઓએ તે લોકોથી જેમણે અલ્લાહએ અવતરિત કરેલ વહી ને ખરાબ જાણી, એવું કહ્યું કે અમે પણ નજીકમાંજ કેટલાક કાર્યોમાં તમારૂ કહેવું માનીશુ અને અલ્લાહ તેઓની છુપી વાતોને ખુબ સારી રીતે જાણે છે.
૨૭) બસ ! (મૃત્યુ ના સમયે તેઓની દશા) કેવી હશે, જ્યારે કે ફરિશ્તાઓ તેઓના પ્રાણ કાઢતા તેઓના મૂખો અને કમરો ઉપર મારશે.
૨૮) આ એટલા માટે કે તેઓ એવા માર્ગ પર ચાલ્યા જેનાથી તેઓએ અલ્લાહને ખફા કરી દીધો અને તેઓએ તેની પ્રસન્નતાને ખરાબ ઠેરાવી, તો અલ્લાહેએ તેઓના કર્મો વ્યર્થ કરી દીધા.
૨૯) શું તે લોકોએ જેમના હૃદયોમાં બિમારી છે, એવું સમજી બેઠા છે કે અલ્લાહ તેમના દ્વેષને ખુલ્લું નહી કરે ?
૩૦) અમે જો ઇચ્છતા તો તે સૌને તમને બતાવી દેતા, બસ ! તમે તેઓને તેમના મૂખોથી જ ઓળખી લેતા અને નિ:શંક તમે તેઓની વાતના ઢંગથી ઓળખી લેતા, તમારા દરેક કાર્યની અલ્લાહને જાણ છે.
૩૧) નિ:શંક અમે તમારી કસોટી કરીશું, જેથી તમારા માંથી જેહાદ કરનારાઓ અને ધીરજ રાખનારને જાણી લઇએ, અને અમે તમારી પરિસ્થિતિ ને પારખીશું.
૩૨) નિ:શંક જે લોકોએ ઇન્કાર કર્યો અને અલ્લાહના માર્ગથી લોકોને રોક્યા અને પયગંબરનો વિરોધ કર્યો સત્ય માર્ગ આવી ગયા પછી પણ. આ લોકો કદાપિ અલ્લાહને કંઇ નુકસાન નથી પહોંચાડી શકતા, નજીકમાં તેઓના કર્મો તે વ્યર્થ કરી દેશે
૩૩) હે ઇમાનવાળાઓ ! અલ્લાહ અને પયગંબરની વાતનું અનુસરણ કરો. અને પોતાના કર્મોને વ્યર્થ ન કરો.
૩૪) જે લોકોએ ઇન્કાર કર્યો અને અલ્લાહ ના માર્ગથી લોકોને રોક્યા પછી ઇન્કાર પર જ મૃત્યુ પામ્યા (ખરેખર જાણી લો) કે અલ્લાહ તેઓને કદાપિ માફ નહીં કરે.
૩૫) બસ ! તમે નબળા પડીને શાંતિનો સંદેશો ન મોકલાવો, જ્યારે કે તમે જ પ્રભુત્વશાળી છો, અને અલ્લાહ તમારી સાથે છે, તે (અલ્લાહ) કદાપિ તમારા કર્મોને વ્યર્થ નહીં કરે.
૩૬) ખરેખર દુનિયાનું જીવન તો ફકત રમત-ગમત છે અને જો તમે ઇમાન લઇ આવશો અને ડરવા લાગશો તો અલ્લાહ તમને તમારૂ ફળ આપશે અને તે તમારી પાસેથી તમારૂ ધન નથી માંગતો.
૩૭) જો તે તમારી પાસેથી તમારૂ ધન માંગે અને ભારપૂર્વક માંગે, તો તમે તે સમયે કંજૂસાઇ કરવા લાગશો અને તે કંજૂસી તમારા વેરને ખુલ્લો કરી દેશે.
૩૮) ખબરદાર ! તમે તે લોકો છો કે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવા માટે બોલવવામાં આવો છો, તો તમારા માંથી કેટલાક કંજૂસાઇ કરવા લાગે છે અને જે કંજૂસી કરે છે તે તો અસલમાં પોતાના જીવ સાથે કંજૂસી કરે છે, અલ્લાહ તઆલા ગની (અપેક્ષા-મુક્ત) છે અને તમે ફકીર છો. અને જો તમે મોઢું ફેરવી લેશો તો તે તમારા વતી તમારા વગર બીજા લોકોને લાવશે જે તમારા જેવા નહીં હોય.