ﰡ
૧) અલ્લાહનો આદેશ આવી પહોંચ્યો, હવે તેના માટે ઉતાવળ ન કરો, દરેક પ્રકારની પવિત્રતા તેના માટે જ છે, તે ઉચ્ચ છે તે બધાથી, જેમને આ લોકો અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવે છે.
૨) તે જ ફરિશ્તાઓને પોતાની વહી લઇને પોતાના આદેશથી પોતાના બંદાઓ માંથી, જેના પર ઇચ્છે છે, તેના પર અવતરિત કરે છે કે તમે લોકોને સચેત કરી દો કે મારા સિવાય કોઈ પૂજ્ય નથી. બસ ! તમે મારાથી ડરો.
૩) તેણે જ આકાશો અને ધરતીનું સર્જન સત્ય સાથે કર્યું, મુશરિકો જે કરે છે, તે (અલ્લાહ) તેનાથી પવિત્ર છે.
૪) તેણે મનુષ્યનું સર્જન વીર્યના ટીપા વડે કર્યું, પછી તે ખુલ્લો ઝઘડો કરનારો બની ગયો.
૫) તેણે જ ઢોરોનું સર્જન કર્યું, જેમાં તમારા માટે ગરમ પોશાક છે અને બીજા ઘણા ફાયદાઓ છે અને કેટલાક તમારા ખોરાક માટે છે.
૬) અને તેમાં તમારી ખૂબસૂરતી પણ છે, જ્યારે ચરાવી લાવો ત્યારે પણ અને જ્યારે ચરવા માટે લઇ જાવ ત્યારે પણ.
૭) (અને તે ઢોરો) તમારા માલસામાન તે શહેરો સુધી લઇ જાય છે, જ્યાં તમે કષ્ટ વિના પહોંચી નથી શકતા, નિ:શંક તમારો પાલનહાર ઘણો જ માયાળુ અને અત્યંત દયાળુ છે.
૮) ઘોડાઓનું, ખચ્ચરોનું, ગધેડાઓનું સર્જન તેણે જ કર્યું કે તમે તેમનો સવારી માટે ઉપયોગ કરો અને તે શણગારનું કારણ પણ છે, બીજી ઘણી વસ્તુઓનું સર્જન કરે છે જેનું તમને જ્ઞાન પણ નથી.
૯) અને સત્ય માર્ગને સ્પષ્ટ કરી દેવો અલ્લાહના શિરે છે અને કેટલાક ખોટા માર્ગો છે અને જો તે ઇચ્છે તો તમને સૌને સત્ય માર્ગ પર લાવી દે.
૧૦) તે જ તમારા ફાયદા માટે આકાશ માંથી પાણી વરસાવે છે, જેને તમે પીવો પણ છો અને તેના કારણે ઉગેલા વૃક્ષો, તમે પોતાના ઢોરોને ચરાવો છો.
૧૧) તેનાથી જ તે તમારા માટે ખેતી, ઝૈતુન, ખજુર, દ્રાક્ષ અને દરેક પ્રકારના ફળો ઉપજાવે છે. નિ:શંક તે લોકો માટે તો આમાં ખૂબ જ નિશાનીઓ છે જે લોકો ચિંતન કરે છે.
૧૨) તેણે જ રાત, દિવસ, સૂર્ય અને ચંદ્રને તમારા માટે કામે લગાડેલા છે અને તારાઓ પણ તેના જ આદેશનું અનુસરણ કરે છે. નિ:શંક આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
૧૩) બીજી ઘણી વસ્તુઓ, અલગ-અલગ રૂપ-રંગની, તેણે તમારા માટે ધરતી પર ફેલાવી રાખી છે, નિ:શંક શિખામણ પ્રાપ્ત કરનારાઓ માટે આમાં ઘણી મોટી નિશાની છે.
૧૪) અને દરિયા પણ તેણે તમારા વશમાં કરી દીધા છે, કે તમે તેમાંથી (નીકળેલુ) તાજું માંસ ખાઓ અને તેમાંથી પોતાના પહેરવા માટેના ઘરેણાં કાઢી શકો અને તમે જુઓ છો કે હોડીઓ તેમાં પાણીને ચીરીને (ચાલે) છે. અને એટલા માટે પણ કે તેની કૃપા શોધો અને શક્ય છે કે તમે આભાર વ્યકત કરો.
૧૫) અને તેણે ધરતીમાં પર્વતો જકડી દીધા છે, જેથી તે હલી ન શકે અને નહેરો અને માર્ગ પણ બનાવ્યા, જેથી તમે પોતાની મંજિલ સુધી પહોંચી શકો.
૧૬) બીજી ઘણી નિશાનીઓ નક્કી કરી અને તારાઓ દ્વારા પણ લોકો માર્ગ મેળવે છે.
૧૭) તો શું તે-જે સર્જન કરે છે, તેના જેવો હોઇ શકે છે જે સર્જન નથી કરી શકતો ? શું તમે સહેજ પણ વિચાર નથી કરતા ?
૧૮) અને જો તમે અલ્લાહની નેઅમતોને ગણવા માંગો તો તેને નથી ગણી શકતા, નિ:શંક અલ્લાહ ઘણો જ માફ કરનાર, દયાળુ છે.
૧૯) અને જે કંઈ પણ તમે છુપાવો અને જાહેર કરો અલ્લાહ તઆલા બધું જ જાણે છે.
૨૦) અને જેને પણ આ લોકો અલ્લાહ તઆલાને છોડીને પોકારે છે, તે કોઈ વસ્તુનું સર્જન નથી કરી શકતા, પરંતુ તેમનું સર્જન કરવામાં આવ્યું છે.
૨૧) (તેઓ) મૃતકો છે, જીવિત નથી, તેમને તો એ પણ ખબર નથી કે ક્યારે તેમને જગાડવામાં આવશે.
૨૨) તમારા સૌનો પૂજ્ય ફકત અલ્લાહ તઆલા એકલો છે અને આખેરત (પરલોક) ના દિવસ પર ઇમાન ન ધરાવનારાઓનું દીલ જુઠલાવનારું છે. અને તે પોતે અહંકારથી ભરેલા છે.
૨૩) નિ:શંક અલ્લાહ તઆલા તે દરેક વસ્તુને, જેને તે લોકો છુપાવે છે અને જેને જાહેર કરે છે, ખૂબ સારી રીતે જાણે છે, તે અહંકારી લોકોને પસંદ નથી કરતો.
૨૪) તેમને જ્યારે પૂછવામાં આવે છે કે તમારા પાલનહારે શું અવતરિત કર્યું છે ? ત્યારે તેઓ જવાબ આપે છે કે આગળના લોકોની વાર્તાઓ છે.
૨૫) આનું જ પરિણામ હશે કે કયામતના દિવસે આ લોકો પોતાના સંપૂર્ણ ભાર સાથે તેમના ભારના પણ ભાગીદાર હશે જેમને તેઓ પોતાની અજ્ઞાનતા દ્વારા પથભ્રષ્ટ કરતા રહ્યા, જુઓ તો કેટલો ખરાબ ભાર ઉપાવી રહ્યા છે.
૨૬) તેમનાથી પહેલાના લોકોએ પણ યુક્તિ કરી હતી, (છેવટે) અલ્લાહએ (તેમની યુક્તિઓ)ને મૂળ માંથી જ કાપી નાખી અને તેમના (માથા) પર છત ઉપરથી પડી ગઇ અને તેમની પાસે યાતના ત્યાંથી આવી પહોંચી જે જગ્યા વિશે તે લોકો વિચારી શકતા પણ નહતા.
૨૭) પછી કયામતના દિવસે પણ અલ્લાહ તઆલા તેમનું અપમાન કરશે અને કહેશે કે મારા તે ભાગીદારો ક્યાં છે ? જેના વિશે તમે ઝઘડતા હતા, જેમને જ્ઞાન આપવામાં આવ્યું હતું, તે કહેશે કે આજે ઇન્કાર કરનારાઓને અપમાન અને ખરાબી ચોંટી ગઇ.
૨૮) તે, જેઓ પોતાના પર અત્યાચાર કરે છે, ફરિશ્તાઓ જ્યારે તેમના પ્રાણ કાઢવા લાગે છે તે સમયે તેઓ ઝૂકી જાય છે કે અમે બુરાઇ કરતા ન હતા, કેમ નહીં, અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણવાવાળો છે જે કંઈ પણ તમે કરતા હતાં.
૨૯) બસ ! હવે તો હંમેશા માટે તમે જહન્નમના દ્વાર માંથી દાખલ થઇ જાવ, બસ ! કેટલું ખરાબ ઠેકાણું છે અહંકારીઓનું.
૩૦) અને ડરવાવાળાઓને પૂછવામાં આવે છે કે તમારા પાલનહારે શું અવતરિત કર્યું છે, તો તેઓ જવાબ આપે છે કે “ખૂબ જ સારું”, જે લોકોએ ભલાઇ કરી તેમના માટે આ દુનિયામાં ભલાઇ છે અને ખરેખર આખેરતનું ઘર ઘણું જ ઉત્તમ છે. અને કેટલું સુંદર છે ડરવાવાળાઓનું ઘર.
૩૧) હંમેશા રહેનારા બગીચાઓ, જ્યાં તેઓ રહેશે, જેમની નીચે નહેરો વહી રહી છે, જે કંઈ પણ તે લોકો ઇચ્છશે ત્યાં તેમના માટે હાજર હશે, ડરવાવાળાઓને અલ્લાહ તઆલા આવી જ રીતે બદલો આપે છે.
૩૨) તેઓ, જેમના પ્રાણ ફરિશ્તાઓ એ સ્થિતિમાં કાઢે છે કે તે પવિત્ર અને સ્વચ્છ હોય, કહે છે કે તમારા માટે સલામતી જ સલામતી છે. જાઓ જન્નતમાં, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે કરતા હતા.
૩૩) શું આ તે જ વાતની રાહ જોઇ રહ્યા છે કે તેમની પાસે ફરિશ્તાઓ આવી પહોંચે અથવા તારા પાલનહારનો આદેશ આવી પહોંચે ? આવું જ તે લોકોએ પણ કર્યું હતું જેઓ તેમનાથી પહેલા હતા, તેમના પર અલ્લાહ તઆલાએ કોઈ અત્યાચાર નથી કર્યો, પરંતુ તે પોતે પોતાના પર અત્યાચાર કરતા રહ્યા.
૩૪) બસ ! તેમના ખરાબ કાર્યોનું પરિણામ તેમને મળી ગયું અને જેની મશ્કરી કરતા હતા તેણે તેમને ઘેરાવમાં લઇ લીધા.
૩૫) મુશરિક લોકોએ કહ્યું કે જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો અમે અને અમારા પૂર્વજો, તેને છોડીને બીજા કોઈની બંદગી જ ન કરતા, ન તેના આદેશ વગર કોઈ વસ્તુને હરામ ઠેરાવતા, આ જ કાર્ય તેમનાથી પહેલાના લોકો કરતા રહ્યા. પયગંબરોનું કાર્ય ફકત સ્પષ્ટ રીતે આદેશ પહોંચાડી દેવાનું છે.
૩૬) અમે દરેક સમૂદાયમાં પયગંબર મોક્લ્યા જેથી (લોકો) ફકત અલ્લાહની જ બંદગી કરે અને તેના સિવાય દરેક પૂજ્યોથી બચે, બસ ! થોડાંક લોકોને તો અલ્લાહ તઆલાએ સત્ય માર્ગદર્શન આપ્યું અને થોડાંક પર પથભ્રષ્ટતા છવાઇ ગઇ, બસ ! તમે પોતે ધરતી પર હરીફરીને જોઇ લો કે જુઠલાવનારાઓની દશા કેવી થઇ ?
૩૭) ભલે તમે તેમના સત્યમાર્ગ દર્શનના ઇચ્છુક રહ્યા છો, પરંતુ અલ્લાહ તઆલા તે લોકોને સત્ય માર્ગદર્શન નથી આપતો જેને પથભ્રષ્ટ કરી દે અને ન તેમની કોઈ મદદ કરનાર હોય છે.
૩૮) તે લોકો મજબૂત સોગંદો ખાઇને કહે છે કે મૃતકોને અલ્લાહ તઆલા જીવિત નહીં કરે, કેમ નહીં, જરૂર જીવિત કરશે, આ તો તેનું અત્યંત સાચું વચન છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.
૩૯) એટલા માટે પણ, કે આ લોકો જે વસ્તુનો વિરોધ કરતા હતા તેને અલ્લાહ તઆલા સ્પષ્ટ રીતે વર્ણન કરી દે અને એટલા માટે કે ઇન્કાર કરનારાઓ પોતે પણ પોતાનું ખોટા હોવું જાણી લે.
૪૦) અમે જ્યારે કોઈ વસ્તુની ઇચ્છા કરીએ છીએ તો અમે ફકત એવું કહીએ છીએ કે “થઇ જા” બસ તે થઇ જાય છે.
૪૧) જે લોકોએ અત્યાચાર સહન કર્યા પછી અલ્લાહ તઆલાના માર્ગમાં વતનને છોડ્યું છે, અમે તેમને ઉત્તમ ઠેકાણું દુનિયામાં આપીશું અને આખેરતનું વળતરતો ઘણું જ મોટું છે, કદાચ કે લોકો તેને જાણતા હોત.
૪૨) તે લોકો, જેમણે ધીરજ રાખી અને પોતાના પાલનહાર પર જ ભરોસો કરતા રહ્યા.
૪૩) તમારા પહેલા પણ અમે પુરુષોને જ મોકલતા રહ્યા, જેમની તરફ વહી ઉતારતા હતા. બસ ! જો તમે ન જાણતા હોવ તો જ્ઞાનવાળાઓ પાસેથી જાણી લો.
૪૪) પુરાવા અને કિતાબો સાથે આ વર્ણન (કુરઆન), અમે તમારી તરફ અવતરિત કર્યુ છે કે લોકો માટે જે અવતરિત કરવામાં આવ્યું છે તમે તેને સ્પષ્ટ રીતે વર્ણન કરી દો, કદાચ કે તે લોકો ચિંતન કરે.
૪૫) ખરાબ યુક્તિઓ રમનારાઓ શું તે વાતથી નીડર થઇ ગયા છે કે અલ્લાહ તઆલા તેમને ધરતીમાં ધસાવી દે, અથવા તેમની પાસે એવી જગ્યાએથી પ્રકોપ આવી જાય જેના વિશે તેમને વિચાર પણ ન હોય.
૪૬) અથવા તેમને હરતાફરતા (પ્રકોપ) પકડી લે, આ લોકો અલ્લાહ તઆલાને ક્યારેય અસમર્થ કરી શકતા નથી.
૪૭) અથવા તેમને ડરાવી, ધમકાવી પકડી લે, બસ ! ખરેખર તમારો પાલનહાર અત્યંત દયાળુ અને માયાળુ છે.
૪૮) શું તે લોકોએ અલ્લાહના સર્જન માંથી કોઈને પણ નથી જોયા ? કે તેમના પડછાયા, ડાબી-જમણી બાજુ ઝૂકી ઝૂકીને અલ્લાહ તઆલા સામે સિજદા કરે છે અને વિનમ્રતા દાખવે છે.
૪૯) નિ:શંક આકાશ અને ધરતીના દરેક સજીવ અને દરેક ફરિશ્તા, અલ્લાહ તઆલાની સામે સિજદો કરી રહ્યા છે અને જરા પણ ઘમંડ નથી કરતા.
૫૦) અને પોતાના પાલનહારથી, જે તેમની ઉપર છે, ધ્રુજે છે અને જે આદેશ મળી જાય તેનું અનુસરણ કરે છે.
૫૧) અલ્લાહ તઆલા કહી ચૂક્યો છે કે બે પૂજ્યો ન બનાવો, પૂજ્ય તો ફકત તે એકલો જ છે, બસ ! તમે સૌ મારો જ ડર રાખો.
૫૨) આકાશો અને ધરતી પર જે કંઈ પણ છે, બધું તેનું જ છે અને તેની જ બંદગી યોગ્ય છે, શું તો પણ તમે તેના સિવાય બીજાથી ડરો છો ?
૫૩) તમારી પાસે જેટલી પણ નેઅમતો છે બધું તેણે જ આપેલું છે, હજું પણ તમારા પર કોઈ મુસીબત આવી જાય તો તેની જ સમક્ષ ફરિયાદ કરો છો.
૫૪) અને જ્યાં તેણે તે મુસીબત તમારા પરથી દૂર કરી દીધી, તમારા માંથી કેટલાક લોકો પોતાના પાલનહાર સાથે ભાગીદાર ઠેરવવા લાગે છે.
૫૫) કે અમારી આપેલી નેઅમતોનો આભાર ન માને, સારું તો થોડોક ફાયદો ઉઠાવી લો, છેવટે તમને ખબર પડી જ જશે.
૫૬) અને જેને જાણતા પણ નથી તેનો ભાગ અમારી આપેલી રોજીઓ માંથી નક્કી કરો છો, તે અલ્લાહ તમારા આ આરોપ વિશે જરૂર સવાલ કરશે.
૫૭) અને તે પવિત્ર અલ્લાહ માટે બાળકીઓ નક્કી કરે છે અને પોતાના માટે તે જે પોતાની ઇચ્છા અનુસાર હોય.
૫૮) તેમના માંથી કોઈને જ્યારે બાળકીની ખબર આપવામાં આવે તો તેનો ચહેરો ફિક્કો પડી જાય છે અને મનમાં સંકોચ અનુભવે છે.
૫૯) આ ખરાબ વાતના કારણે લોકોથી છુપાઇને ફરે છે, વિચારે છે કે શું તેને અપમાનિત થઇ, લઇને ફરે, અથવા તેને માટીમાં દબાવી દે, ઓહ ! કેટલો ખરાબ નિર્ણય કરે છે.
૬૦) આખેરત પર ઇમાન ન લાવનારાનું જ ખરાબ ઉદાહરણ છે, અલ્લાહ માટે તો ઘણા જ ઉચ્ચ ગુણો છે તે ઘણો વિજયી અને હિકમતવાળો છે.
૬૧) જો લોકોના પાપોના કારણે અલ્લાહ તઆલા તેમની પકડ કરતો, તો ધરતી પર એક પણ સજીવ ન રહેતો, પરંતુ તે તો એક મુદ્દત સુધી ઢીલ આપે છે, જ્યારે તેમનો તે સમય આવી પહોંચે છે તો તે એક ક્ષણ પણ ન પાછળ જઇ શકે છે અને ન તો આગળ વધી શકે છે.
૬૨) અને તે પોતાના માટે જે પસંદ નથી કરતા તે અલ્લાહ માટે પસંદ કરે છે અને તે લોકો જુઠ્ઠી વાતો વર્ણવે છે, એમના માટે ગુણ છે, ના, ના, પરંતુ તેમના માટે આગ છે અને તે જહન્નમી છે.
૬૩) અલ્લાહના સોગંદ, અમે તમારા પહેલાના લોકો તરફ પણ પયગંબર મોકલ્યા, પરંતુ શેતાને તેમના ખરાબ કાર્યોને તેમના માટે શણગારી દીધા, તે શેતાન આજે પણ તેમનો મિત્ર બન્યો છે અને તેમના માટે દુ:ખદાયી યાતના છે.
૬૪) આ કિતાબને અમે તમારા પર એટલા માટે અવતરિત કરી છે કે તમે તેમના માટે તે દરેક વસ્તુને સ્પષ્ટ કરી દો જેમાં તેઓ વિવાદ કરી રહ્યા છે અને આ (કિતાબ) ઇમાનવાળાઓ માટે માર્ગદર્શન અને કૃપા છે.
૬૫) અને અલ્લાહ આકાશ માંથી પાણી વરસાવી તેનાથી ધરતીને તેના મૃત્યુ પછી જીવિત કરી દે છે, ખરેખર આમાં, તે લોકો માટે નિશાની છે જે સાંભળે.
૬૬) તમારા માટે ઢોરોમાં પણ ઘણી શિખામણ છે કે અમે તમને, તેના પેટમાં જે કંઈ પણ છે તેમાંથી જ ગોબર અને લોહીની વચ્ચેથી શુદ્ધ દૂધ પીવડાવીએ છીએ, જે પીનારના પાચન માટે હળવું છે.
૬૭) ખજૂર અને દ્રાક્ષના ફળો વડે તમે શરાબ બનાવો છો, અને ઉત્તમ રોજી પણ, જે લોકો બુદ્ધિ ધરાવે છે, તેમના માટે તો આમાં મોટી નિશાની છે.
૬૮) તમારા પાલનહારે મધમાખીના હૃદયમાં આ વાત નાખી દીધી કે પર્વતોમાં, વૃક્ષોમાં અને લોકોએ બનાવેલી ઊંચી, ઊંચી વેલોમાં પોતાનું ઘર બનાવ.
૬૯) અને દરેક પ્રકારના ફળો ખાય અને પોતાના પાલનહારના સરળ માર્ગ પર ફર્યા કર, તેમના પેટ માંથી રંગબેરંગી પીણું નીકળે છે, જેના રંગો અલગ-અલગ છે. અને જેમાં લોકો માટે ઇલાજ છે. ચિંતન કરનારાઓ માટે આમાં પણ ખૂબ જ મોટી નિશાની છે.
૬૯) અને દરેક પ્રકારના ફળો ખાય અને પોતાના પાલનહારના સરળ માર્ગ પર ફર્યા કર, તેમના પેટ માંથી રંગબેરંગી પીણું નીકળે છે, જેના રંગો અલગ-અલગ છે. અને જેમાં લોકો માટે ઇલાજ છે. ચિંતન કરનારાઓ માટે આમાં પણ ખૂબ જ મોટી નિશાની છે.
૭૧) અલ્લાહ તઆલાએ જ તમારા માંથી એકને બીજા પર રોજીમાં વધારો આપ્યો છે, બસ ! જેમને વધારે આપવામાં આવ્યું છે, તે પોતાની રોજી પોતાની હેઠળ કામ કરનારા મજૂરોને નથી આપતા, એ ભયથી કે તે (જેમને વધારે આપ્યું છે) અને તેઓ (મજૂરો) બન્ને સરખા થઇ જાય. તો શું આ લોકો અલ્લાહની નેઅમતોનો ઇન્કાર કરી રહ્યા છે.
૭૨) અલ્લાહ તઆલાએ તમારા માટે તમારા માંથી જ તમારી પત્નીઓનું સર્જન કર્યું અને તમારી પત્નીઓ દ્વારા તમારા માટે તમારા બાળકો અને પૌત્ર પેદા કર્યા અને તમને સારી અને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી, શું તો પણ લોકો અસત્ય પર ઇમાન લાવશે ? અને અલ્લાહ તઆલાની નેઅમતોને ઇન્કાર કરશે.
૭૩) અને તે અલ્લાહ તઆલાને છોડીને, તે લોકોની બંદગી કરે છે જે આકાશો અને ધરતી માંથી તેમને કંઈ પણ રોજી નથી આપી શકતા અને ન તો કંઈ પણ શક્તિ ધરાવે છે.
૭૪) બસ ! અલ્લાહ તઆલા માટે ઉદાહરણો ન આપો, અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણે છે અને તમે નથી જાણતા.
૭૫) અલ્લાહ તઆલા એક ઉદાહરણનું વર્ણન કરે છે કે, બીજાની માલિકી હેઠળ એક દાસ છે, જે કોઈ વાતનો અધિકાર નથી ધરાવતો અને એક બીજો વ્યક્તિ છે, જેને અમે પોતાની પાસેથી પૂરતી રોજી આપી છે, જેમાંથી તે છૂપી રીતે તથા જાહેર રીતે દાન કરે છે, શું આ બધા સરખાં હોઇ શકે છે ? અલ્લાહ તઆલા માટે જ બધી પ્રશંસા છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી.
૭૬) અલ્લાહ તઆલા એક બીજું ઉદાહરણ વર્ણન કરે છે, બે વ્યક્તિઓનું, જેમાંથી એક તો મૂંગો છે અને કોઈ વસ્તુ પર અધિકાર નથી ધરાવતો, પરંતુ તે પોતાના માલિક માટે બોજ છે, જ્યાં પણ તેને મોકલવામાં આવે તેનાથી ભલાઇની અપેક્ષા કરવામાં નથી આવતી, શું આ અને તે જે ન્યાય કરવાનો આદેશ આપે છે તથા સત્યમાર્ગ પર જ ચાલે છે, બન્ને સરખાં હોઇ શકે છે ?
૭૭) આકાશો અને ધરતીમાં અદૃશ્યનું જ્ઞાન ફકત અલ્લાહ તઆલાને જ છે અને કયામતનો સમય એવો છે જેવું કે પાંપણ પલકવું, પરંતુ તેનાથી પણ વધારે નજીક, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
૭૮) અલ્લાહ તઆલાએ તમને તમારી માતાના પેટ માંથી કાઢ્યા છે કે તે સમયે તમે કંઈ પણ નહતા જાણતા, તેણે જ તમારા કાન, આંખ અને હૃદય બનાવ્યા, જેથી તમે આભાર વ્યક્ત કરો.
૭૯) શં તે લોકો પક્ષીઓને નથી જોતાં, જે આદેશનું અનુસરણ કરી હવામાં ઉડે છે, જેમને અલ્લાહ સિવાય કોઈ બીજાએ પકડી રાખ્યા નથી, નિ:શંક તેમાં ઇમાન લાવનારાઓ માટે ઘણી નિશાનીઓ છે.
૮૦) અને અલ્લાહ તઆલાએ તમારા માટે તમારા ઘરોને શાંતિની જગ્યા બનાવી દીધી અને તેણે જ તમારા માટે ઢોરોના ચામડાના ઘર બનાવી દીધા છે જે તમને હલકું લાગે છે, પોતાના આગળ વધવાના દિવસે અને પોતાના રોકાવાના દિવસે પણ અને તેમના વાળ તથા ઉન વડે પણ તેણે ઘણા સામાન અને એક નક્કી કરેલ મુદ્દત સુધી ફાયદો મેળવવાની વસ્તુઓ બનાવી.
૮૧) અલ્લાહ એ જ તમારા માટે પોતાની સર્જન કરેલી વસ્તુઓ માંથી છાંયડો બનાવ્યો અને તેણે જ તમારા માટે પર્વતોમાં ગુફા બનાવી છે અને તેણે જ તમારા માટે પોશાક બનાવ્યા જે તમને ગરમીથી બચાવે છે અને એવા વસ્ત્રો પણ જે તમને યુદ્ધના સમયે કામ લાગે, તે આવી જ રીતે પોતાની નેઅમતો આપી રહ્યો છે જેથી તમે આદેશનું અનુસરણ કરનારા બની જાવ.
૮૨) તો પણ જો આ લોકો મોઢું ફેરવે તો તમારું કામ તો ફકત (આદેશ) સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાનું છે.
૮૩) આ લોકો અલ્લાહની નેઅમતોને જાણવા છતાં ઇન્કાર કરનારા બની રહ્યા છે. પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો કૃતઘ્ન છે.
૮૪) અને જે દિવસે અમે દરેક સમૂદાય માંથી સાક્ષીને ઊભો કરીશું, પછી ઇન્કાર કરનારાઓને ન તો પરવાનગી આપવામાં આવશે અને ન તો તેમને તૌબા કરવાનું કહેવામાં આવશે.
૮૫) અને જ્યારે આ અત્યાચારીઓ યાતના જોઇ લેશે પછી (યાતનાને) ન તો હલકી કરવામાં આવશે અને ન તો તેમને ઢીલ આપવામાં આવશે.
૮૬) અને જ્યારે મુશરિક લોકો પોતાના બનાવેલા ભાગીદારોને જોઇ લેશે, તો કહેશે કે હે અમારા પાલનહાર ! આ જ અમારા તે ભાગીદારો છે જેમને, અમે તને છોડીને પોકારતા હતા, બસ ! તેઓ તેમને જવાબ આપશે કે તમે તદ્દન જુઠ્ઠા છો.
૮૭) તે દિવસે તે સૌ (લાચાર બની) અલ્લાહની સમક્ષ અનુસરણ કરવાનું વચન આપવાનું ઇચ્છશે અને જે આરોપ લગાવતા હતા તે બધાં તેમનાથી છુપાઇ જશે.
૮૮) જેમણે ઇન્કાર કર્યો અને અલ્લાહના માર્ગથી રોક્યા, અમે તેમના માટે એક પછી એક યાતના વધારતા જઇશું, આ બદલો હશે તેમના વિદ્રોહ કરવાનો.
૮૯) અને જે દિવસે અમે દરેક સમૂદાયમાં તેમના માંથી જ તેમની વિરૂદ્ધ, સાક્ષીને ઊભા કરીશું અને તમને તે બધાની ઉપર સાક્ષી બનાવી લાવીશું અને તમારા પર આ કિતાબ અવતરિત કરી, જેમાં દરેક વસ્તુનું સ્પષ્ટ વર્ણન છે. અને મુસલમાનો માટે સત્યમાર્ગદર્શન, કૃપા અને ખુશખબર છે.
૯૦) અલ્લાહ તઆલા ન્યાય, ભલાઇ અને કુટુંબીજનો સાથે સદવ્યવહાર કરવાનો આદેશ આપે છે અને અશ્લીલતા તથા વ્યર્થ કાર્યો અને અત્યાચાર કરવાથી રોકે છે, તે પોતે તમને શિખામણ આપી રહ્યો છે કે તમે શિખામણ પ્રાપ્ત કરો.
૯૧) અને અલ્લાહના વચનને પૂરું કરો, જ્યારે તમે એકબીજા સાથે કરાર કરો અને મજબૂત સોગંદ લીધા પછી તેને ન તોડો, જો કે તમે અલ્લાહ તઆલાને પોતાનો જામીન ઠેરવી દીધો છે. તમે જે કંઈ પણ કરો છો અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે.
૯૨) અને તે સ્ત્રી જેવા ન થઇ જાવ, જેણે પોતાનું સુતર મજબૂત રીતે બનાવ્યું, ત્યારપછી ટુકડે-ટુકડા કરી દીધા, કે તમે પોતાની સોગંદોને અંદરોઅંદરની યુક્તિ કરવાનું કારણ બનાવો, એટલા માટે કે એક જૂથ, બીજા જૂથ પર પ્રભુત્વ પ્રાપ્ત કરી લે, વાત ફકત એ જ છે કે તે વચન દ્વારા અલ્લાહ તમારી કસોટી કરી રહ્યો છે, નિ:શંક અલ્લાહ તઆલા તમારા માટે કયામતના દિવસે તે દરેક વસ્તુનું સ્પષ્ટ રીતે વર્ણન કરી દેશે, જેમાં તમે મતભેદ કરી રહ્યા હતા.
૯૩) જો અલ્લાહ ઇચ્છે તો તમને સૌને એક જ જૂથ બનાવી દેતો, પરંતુ તે જેને ઇચ્છે તેને પથભ્રષ્ટ કરે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગદર્શન આપે છે. ખરેખર તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેના વિશે પૂછપરછ કરવામાં આવશે.
૯૪) અને તમે પોતાની સોગંદોને એકબીજાને ધોકો આપવાનું કારણ ન બનાવો, પછી તો તમારા પગ, પોતાની મજબૂતાઇ પછી ડગી જશે અને તમને સખત સજા ભોગવવી પડશે. કારણકે તમે અલ્લાહના માર્ગથી રોકી દીધા અને તમારા માટે ખૂબ જ સખત સજા હશે.
૯૫) તમે અલ્લાહના વચનને નજીવી કિંમતે ન વેચો, યાદ રાખો ! અલ્લાહ પાસે જે કંઈ પણ છે તે જ તમારા માટે ઉત્તમ છે, શરત એ કે તમે જાણતા હોવ.
૯૬) તમારી પાસે જે કંઈ પણ છે બધું નષ્ટ થઇ જશે અને અલ્લાહ તઆલા પાસે જે કંઈ પણ છે તે બાકી રહેનારું છે અને ધીરજ રાખનાર માટે અમે ભલાઇના કાર્યોનો શ્રેષ્ઠ બદલો જરૂર આપીશું.
૯૭) જે પુરુષ અથવા સ્ત્રી સત્કાર્ય કરે અને ઇમાનવાળા હોય તો અમે તેમને ખરેખર અત્યંત શ્રેષ્ઠ જીવન આપીશું અને તેમના સત્કાર્યોનો ઉત્તમ બદલો પણ તેમને જરૂર આપીશું.
૯૮) કુરઆન પઢતી વખતે, ધૃત્કારેલા શેતાનથી અલ્લાહનું શરણ માંગો.
૯૯) ઇમાનવાળાઓ અને પોતાના પાલનહાર પર ભરોસો કરનારાઓ પર (શેતાન)નો પ્રભાવ ક્યારેય નથી પડતો.
૧૦૦) હાં, તેનો પ્રભાવ તેમના પર તો જરૂર પડે છે જે તેની સાથે જ દોસ્તી કરે અને તેને અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવે.
૧૦૧) અને જ્યારે અમે કોઈ આયતને બીજી આયત દ્વારા બદલી કાઢીએ છીએ અને જે કંઈ અલ્લાહ તઆલા અવતરિત કરે છે, તેને તે ખૂબ જાણે છે, તો આ લોકો કહે છે કે તમે તો આરોપ લગાવનાર છો, વાત એ છે કે તેમના માંથી વધારે પડતા લોકો જાણતા જ નથી.
૧૦૨) કહી દો કે આ (કુરઆન) તમારા પાલનહાર તરફથી જિબ્રઇલ (અ.સ.) સત્ય સાથે લઇને આવ્યા છે, જેથી ઇમાનવાળાઓને અલ્લાહ તઆલા અડગ રાખે અને મુસલમાનો માટે માર્ગદર્શન અને ખુશખબર બને.
૧૦૩) અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ ઇન્કાર કરનારાઓ કહે છે કે આને તો એક વ્યક્તિ શિખવાડે છે, તેની ભાષા, જેની તરફ આ લોકો ઇશારો કરી રહ્યા છે, તે અજમી (અરબ સિવાયના લોકો) છે અને આ (કુરઆન) તો સ્પષ્ટ અરબી ભાષામાં છે.
૧૦૪) જે લોકો અલ્લાહ તઆલાની આયતો પર ઇમાન નથી ધરાવતા, તેમને અલ્લાહ તરફથી પણ માર્ગદર્શન નથી મળતું અને તેમના માટે દુ:ખદાયી યાતના છે.
૧૦૫) જૂઠાણું તો તે લોકો જ બાંધે છે જેમને અલ્લાહ તઆલાની આયતો પર ઇમાન નથી હોતું, આ જ લોકો જુઠ્ઠા છે.
૧૦૬) જે વ્યક્તિ પોતાના ઇમાન લાવ્યા પછી અલ્લાહનો ઇન્કાર કરે અને જે લોકો સ્પષ્ટ રીતે અલ્લાહનો ઇન્કાર કરે તો તેમના પર અલ્લાહ ગુસ્સે થાય છે અને તેમના માટે જ ઘણી મોટી યાતના છે. સિવાય તે લોકોથી, જેના પર જબરદસ્તી કરવામાં આવે અને તેનું હૃદય ઇમાન પર જ હોય (તો તેના માટે કોઈ સજા નથી).
૧૦૭) આ એટલા માટે કે તેઓ દુનિયાના જીવનને આખેરત કરતાં વધારે પસંદ કરતા હતા, ખરેખર અલ્લાહ તઆલા ઇન્કાર કરનારાઓને સત્ય માર્ગદર્શન નથી આપતો.
૧૦૮) આ તે લોકો છે, જેમના હૃદયો અને કાન અને જેમની આંખો પર અલ્લાહએ મહોર લગાવી દીધી છે અને આ જ લોકો બેદરકાર છે.
૧૦૯) કોઈ શંકા નથી કે આ જ લોકો આખેરતમાં સખત નુકસાન ઉઠાવનારા હશે.
૧૧૦) જે લોકોને (ઇમાન લાવ્યા પછી) સતાવવામાં આવ્યા અને ત્યાર પછી તે લોકોએ હિજરત કરી પછી જેહાદ કર્યું અને અડગ રહ્યા, નિ:શંક તમારો પાલનહાર આ વાતો પછી તેમને માફ કરવાવાળો અને દયા કરવાવાળો છે.
૧૧૧) જે દિવસે દરેક વ્યક્તિ પોતાના માટે ઝઘડો કરતો આવશે અને દરેક વ્યક્તિને, તેણે કરેલા કાર્યોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને લોકો પર અત્યાચાર કરવામાં નહીં આવે.
૧૧૨) અલ્લાહ તઆલા તે વસ્તીનું ઉદાહરણ આપે છે, જે સંપૂર્ણ શાંતિ અને સંતોષથી જીવન વિતાવી રહ્યા હતા, તેમની રોજી તેઓની પાસે પુષ્કળ પ્રમાણમાં દરેક જગ્યાએથી આવતી હતી, પછી તે લોકોએ અલ્લાહ તઆલાની નેઅમતોનો ઇન્કાર કર્યો, તો અલ્લાહ તઆલાએ તેમને ભુખમરા અને ભયનો સ્વાદ ચખાડ્યો, જે તેમના કાર્યોનો બદલો હતો.
૧૧૩) તેમની પાસે તેમના માંથી જ પયગંબર આવ્યા, તો પણ તેઓએ તેમને જુઠલાવ્યા, બસ ! તે લોકો પર પ્રકોપ આવી પહોંચ્યો અને તે લોકો અત્યાચારી જ હતા.
૧૧૪) જે કંઈ પણ હલાલ અને પવિત્ર રોજી અલ્લાહએ તમને આપી છે, તેને ખાઓ અને અલ્લાહની નેઅમતનો આભાર માનો, જો તમે તેની જ બંદગી કરતા હોવ.
૧૧૫) તમારા માટે ફકત મૃત (ઢોર) અને લોહી, ડુક્કરનું માંસ અને જે વસ્તુને અલ્લાહના નામ સિવાય ઝબહ કરવામાં આવે, તે હરામ છે. પછી જો કોઈ વ્યક્તિને લાચાર કરી દેવામાં આવે, ન તો તે ઇચ્છતો હોય અને ન હદવટાવી જનાર હોય, તો ખરેખર અલ્લાહ માફ કરનાર, દયાળુ છે.
૧૧૬) કોઈ વસ્તુ માટે પોતાની જબાન વડે જુઠ્ઠી ન કહો કે આ હલાલ છે અને આ હરામ, કે જેના કારણે અલ્લાહ પર જૂઠાણું બાંધી બેસો, સમજી લો કે અલ્લાહ તઆલા પર જૂઠાણું બાંધનાર સફળતાથી વંચિત રહે છે.
૧૧૭) તેમને સામાન્ય ફાયદો મળે છે અને તેમના માટે જ દુ:ખદાયી યાતના છે.
૧૧૮) અને યહૂદી લોકો માટે, જે કંઈ પણ અમે હરામ ઠેરાવ્યું હતું, તેનું વર્ણન અમે પહેલા જ કરી ચૂક્યા છે, અમે તેમના પર અત્યાચાર નથી કર્યો, પરંતુ તે પોતે પોતાના પર અત્યાચાર કરતા રહ્યા.
૧૧૯) જે કોઈ વ્યક્તિ અજાણતામાં ખરાબ કાર્ય કરી લે, પછી તૌબા કરી લે અને સુધારો પણ કરી લે તો પછી તમારો પાલનહાર કોઈ શંકા વગર ઘણો જ માફ કરનાર અને અત્યંત કૃપાળુ છે.
૧૨૦) નિ:શંક ઇબ્રાહીમ (અ.સ.) નાયબ અને અલ્લાહ તઆલાનું અનુસરણ કરનાર અને સંપૂર્ણ નિખાલસતાવાળા હતા, તે મુશરિક લોકો માંથી ન હતા.
૧૨૧) અલ્લાહ તઆલાની નેઅમતોનો આભાર વ્યકત કરતા હતા, અલ્લાહ તઆલાએ તેમને પોતાના નિકટ કરી લીધા હતા અને તેમને સત્ય માર્ગનું માર્ગદર્શન આપી દીધું.
૧૨૨) અમે તેમને દુનિયામાં પણ શ્રેષ્ઠતા આપી હતી અને નિ:શંક તે આખેરતમાં પણ સદાચારી લોકો માંથી છે.
૧૨૩) પછી અમે તમારી તરફ વહી ઉતારી કે તમે ઇબ્રાહીમ (અ.સ.)ના પંથનું અનુસરણ કરો, જે મુશરિક લોકો માંથી ન હતા.
૧૨૪) શનિવારના દિવસની, મહત્વતા તો ફકત તે લોકો માટે જ હતી, જે લોકોએ તેમાં વિવાદ કર્યો હતો, વાત એ છે કે તમારો પાલનહાર પોતે જ તેમની વચ્ચે તેમના મતભેદનો નિર્ણય કયામતના દિવસે કરશે.
૧૨૫) પોતાના પાલનહારના માર્ગ તરફ લોકોને હિકમત અને ઉત્તમ શિખામણ દ્વારા બોલાવો અને તેમની સાથે ઉત્તમ રીતે વાર્તા-લાપ કરો, નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકી જનારાઓને પણ ખૂબ સારી રીતે જાણે છે. અને તે (અલ્લાહ) તે લોકોને પણ જાણે છે જે લોકો સત્ય માર્ગ પર છે.
૧૨૬) અને જો બદલો લો તો પણ તેટલો જ, જેટલી તકલીફ તમને પહોંચાડવામાં આવી હોય અને જો ધૈર્ય રાખો તો, નિ:શંક ધૈર્ય રાખનારાઓ માટે આ જ ઉત્તમ છે.
૧૨૭) તમે ધીરજ રાખો. અલ્લાહની તૌફીક વગર તમે ધીરજ રાખી શક્તા જ નથી. અને તેમની સ્થિતિ પર નિરાશ ન થશો અને જે યુક્તિઓ આ લોકો કરતા રહે છે તેનાથી સંકુચિત ન થશો.
૧૨૮) નિ:શંક અલ્લાહ તઆલા ડરવાવાળા અને સદાચારી લોકોની સાથે છે.